National

કોલકાતા ગેંગરેપ કેસમાં ત્રણ આરોપીઓની કસ્ટડી 8 જુલાઈ સુધી લંબાવાઈ

કોલકાતાની લો કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી તા.8 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.મુખ્ય આરોપી મનોજીત મિશ્રા, ઝૈબ અહેમદ અને પ્રમિત મુખર્જીની તા.26 જૂને ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે અગાઉ પણ ત્રણેય આરોપીને ચાર દિવસની પોલીસ કસ્ટડી માટે મોકલ્યા હતા.
તેમજ શનિવારે ધરપકડ કરાયેલા કોલેજ સિક્યુરિટી ગાર્ડ પિનાકી બેનર્જીની કસ્ટડી પણ તા.4 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે.

બીજી તરફ દક્ષિણ કોલકાતા લો કોલેજે શિસ્તભંગના પગલાં લીધા છે. મુખ્ય આરોપી મનોજીત મિશ્રાને નોકરીમાંથી કાઢી મુક્યો છે અને બીજા બંને વિદ્યાર્થી આરોપીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દીધા છે.આ ઉપરાંત, કોલેજ પ્રશાસને બાર કાઉન્સિલને મુખ્ય આરોપી મનોજીત મિશ્રાનું સભ્યપદ રદ કરવાની ભલામણ પણ કરી છે.

સ્ટાફની અછતને કારણે મનોજીતને નોકરી પર રાખવામાં આવ્યો હતો:
લો કોલેજના વાઇસ પ્રિન્સિપાલ નયના ચેટર્જીએ કહ્યું હતું કે મુખ્ય આરોપી મનોજીત મિશ્રાને થોડા મહિના પહેલા હંગામી ફેકલ્ટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કાયમી સ્ટાફની અછતને કારણે આ ભરતી કરવામાં આવી હતી.

ચેટર્જીએ જણાવ્યું હતું કે કોલેજ પ્રશાસનને આ સમગ્ર ઘટનાની જાણ મીડિયા દ્વારા થઈ હતી. જોકે પીડિત વિદ્યાર્થિની કે અન્ય કોઈએ પણ કોલેજ પ્રશાસન સમક્ષ આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી ન હતી.તેમણે વધુમાં કહ્યું કે ઘટનાના એક દિવસ પછી પોલીસે કેમ્પસમાં પ્રવેશવાની મંજુરી માંગી હતી. ત્યારબાદ પોલીસે કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પરના બે રૂમ સીલ કરી દીધા હતા.

માનોજીતના શરીર પર નખના નિશાન મળ્યા:
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મનોજીતના શરીર પર નખથી ઉઝરડાના નિશાન જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે પીડિતાએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

તપાસના ભાગ રૂપે, પોલીસે ત્રણેય આરોપીઓના મોબાઇલ કોલ રેકોર્ડની તપાસ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે મનોજીતએ ઘટનાના બીજા દિવસે સવારે કોલેજના વાઇસ પ્રિન્સિપાલ ડૉ. નયના ચેટર્જીને ફોન કર્યો હતો. આ પછી, પોલીસે વાઇસ પ્રિન્સિપાલની બે વાર પૂછપરછ કરી છે.

પોલીસે મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ મેળવ્યા:પોલીસે તે મેડિકલ સ્ટોરના સીસીટીવી ફૂટેજ પણ જપ્ત કર્યા છે જ્યાંથી આરોપી ઝૈબ અહેમદે પીડિતા માટે ઇન્હેલર ખરીદ્યું હતું.પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે આરોપીઓને હોસ્પિટલ લઈ જવા વિનંતી કરી હતી, પરંતુ જ્યારે તેઓ માન્યા નહીં, ત્યારે તેણે તેમને ઇન્હેલર લાવવા કહ્યું હતું, આ પછી, ઝૈબ ઇન્હેલર લાવ્યો હતો, ત્યારબાદ ફરી આરોપીએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી એકત્રિત કરાયેલા ડિજિટલ પુરાવા, મેડિકલ તપાસ રિપોર્ટ અને અન્ય પુરાવા પણ પીડિતાએ આપેલા નિવેદન સાથે મેળ ખાય છે.

Most Popular

To Top