બે દાયકા અગાઉ ગુજરાતી ફિલ્મો મોટે ભાગે બહારવટિયા કે ધર્મપુરુષો ફરતે ધાર્મિક, પૌરાણિક વિષયો પર અને મોટે ભાગે સૌરાષ્ટ્ર કે અન્ય ગ્રામ્ય વિસ્તાર દર્શાવતી પ્રદર્શિત થતી હતી. સુખદ આશ્ચર્યરૂપ મહેંદી રંગ લાગ્યો, અખંડ સૌભાગ્યવતી, કંકુ, જન્મટીપ જેવી ગુજરાતી ફિલ્મો જોવાતી. ગુજરાત સરકાર ગુજરાતી ફિલ્મોને આર્થિક પ્રોત્સાહન આપતી હતી, છતાં પ્રચાર યુગમાં પૂરતાં પ્રચાર સાધનો, માધ્યમોના અભાવે હાલમાં આવતી ઢગલેબંધ ગુજરાતી ફિલ્મોની યોગ્ય જાણકારી ગુજરાતી લોકોને મળતી નથી એટલે ઓડિયન્સ પણ પૂરતું મળતું નથી. જો ગુજરાતી અખબારો ગુજરાતી ફિલ્મોની સમીક્ષા, પ્રચારમાં સહભાગી થાય તો પરિસ્થિતિ સુધરે અને ગુજરાતી ફિલ્મનિર્માણને બળ, પ્રોત્સાહન પ્રાપ્ત થાય.
કેટલીક ગુજરાતી ફિલ્મો આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરે છે. સરકાર ગુજરાતી ફિલ્મોને ટેક્ષ ફ્રી કરે તો અવશ્ય ટિકીટબારી પર આવકમાં સુધારો થાય. મલ્ટિપ્લેક્ષ થિયેટરોમાં ઉપેક્ષિત સંતાન જેવી હાલતમાં ગુજરાતમાં આવતી ગુજરાતી ફિલ્મ કયારે આવી, કયારે ગઇ તેની નોંધ યોગ્ય રીતે લેવાતી નથી. બંગાળી, મરાઠીભાષી ફિલ્મો જે રીતે પ્રભાવશાળી અને નોંધપાત્ર પ્રદર્શન કરે છે તેનો અફસોસ ગુજરાતી ફિલ્મોના સંદર્ભમાં થાય છે. જે રીતે ગુજરાતી નાટકો ચાલે છે અને તેની નોંધ પણ લેવાય છે તે રીતે ગુજરાતી ફિલ્મોને ન્યાય મળતો નથી. જો અંગ્રેજીભાષી ફિલ્મો સારી રીતે ચાલી શકતી હોય તો ગુજરાતી ફિલ્મો પણ મહત્ત્વ સાથે રસપ્રદ રીતે ચાલે તેની અપેક્ષા અવશ્ય રાખી શકાય.
સુરત યૂસુફ એમ. ગુજરાતી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.