સા વિદ્યા યા વિમુક્તયે ! જે મુક્તિ અપાવે તે વિદ્યા. જ્ઞાન માણસને અજવાળામાં લઈ જાય છે. ભારતીય પરમ્પરામાં તો મોક્ષનો માર્ગ જ્ઞાન દ્વારા ખૂલે છે, પણ આજે આપણે જેને શિક્ષણ કહીએ છીએ… શાળા કોલેજોમાં જે અપાય છે અને જેનું મૂલ્યાંકન થાય પછી પદવી અપાય છે તે શિક્ષણ એ મુક્તિ માટે નથી, તે વ્યવસાય માટે છે. આવક માટે છે. સ્ટેટસ માટે છે. માટે એ વિચારવું જોઈએ કે આ શિક્ષણ અંતે આપે છે શું?
માનવીને અનેક જરૂરિયાતો છે. બજાર આધારિત આધુનિક વ્યવસ્થામાં આ જરૂરિયાતો માટે રૂપિયા ચૂકવવા પડે છે. આ રૂપિયા મેળવવા તેણે કામ કરવું પડે છે અને આ કામ માટે યોગ્યતા કેળવવી પડે છે. માત્ર યોગ્યતા હોવી પૂરતી નથી. આ યોગ્યતા સર્ટિફાઈડ થઈ હોવી જોઈએ. ડિગ્રી જોઈએ… આ ડિગ્રી મેળવવા તેણે નિશ્ચિત શિક્ષણ સંસ્થાઓમાં જવું પડે છે અને માટે શરૂ થાય છે માનવજીવનમાં શિક્ષણયાત્રા.
મૂળમાં તો મારે ખોરાક જોઈએ છે, કપડાં જોઈએ છે, ટી.વી. જોઈએ છે, ફ્રીઝ જોઈએ છે, ગાડી જોઈએ છે. આ બધું રૂપિયા વગર ન મળે માટે રૂપિયા જોઈએ છે. આ રૂપિયા મેળવવા માટે કામ કરવું પડે, નોકરી કરવી પડે, ધંધો કરવો પડે, વ્યવસાય કરવા પડે. હવે, શિક્ષક થઉં તો પગાર મળે પણ શિક્ષક થવા બી.એ., બી.એડ્. થવું પડે. ડૉક્ટર થઉં તો દર્દીઓ ફી ચૂકવે, પણ ડૉક્ટર થવા એમ.બી.બી.એસ., એમ.ડી. થવું પડે. વકીલ બનું તો મારા અસીલ મને રૂપિયા આપે,પણ મારે વકીલ બનવા એલ.એલ.બી. એલ.એલ.એમ.ની ડિગ્રી મેળવવી પડે. જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઉં તો રૂપિયા મળે પણ એ માટે C.A થવું પડે ! સમાજના ઉચ્ચ મોભાવાળા તમામ વ્યવસાય ડૉક્ટર, વકીલ, શિક્ષક, એન્જિનિયર, સી.એ. મેનેજર વગેરે એ વ્યવસાયની ખાસ ડિગ્રી સાથે સંકળાયેલા છે.
આ ડિગ્રી માટેનું ખાસ શિક્ષણ, ખાસ પરીક્ષા અને ખાસ મૂલ્યાંકન થાય છે. માણસ આમાંથી પસાર થાય તો તેને આ ડિગ્રી મળે છે અને ડિગ્રી મળ્યા પછી આ વ્યવસાય કરવાનો હક મળે છે. યોગ્યતા મળે છે. આજના શિક્ષણનું કામ આ વ્યાવસાયિક યોગ્યતા કેળવવાનું છે. શિક્ષણ આપણને યોગ્યતા આપે છે. કુશળતા આપે છે. પણ હજુ ધ્યાનથી જોઈએ તો સમજાશે કે આ યોગ્યતા પણ શેની છે ! તો કહે નિર્ણયની ! શિક્ષણ આપણને નિર્ણયો કરવાની ક્ષમતા આપે છે અને મોટા ભાગના વ્યવસાયો મૂળભૂત રીતે તો નિર્ણયો કરવાના વ્યવસાયો છે. આપણે વારેવારે એક શબ્દ બોલીએ છીએ, સાંભળીએ છીએ… અને તે છે “સ્વતંત્રતા”. પણ કોઈ પૂછે કે ભાઈ આ સ્વતંત્રતા એટલે શું ! તો ? સ્વતંત્રતાનો એક જ અર્થ છે “નિર્ણયની સ્વતંત્રતા!’’
જીવનમાં સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય… વગેરે નિર્ણયો વ્યક્તિ જાતે લઈ શકે છે તો વ્યક્તિ સ્વતંત્ર અને દેશ જાતે લઈ શકે છે તો દેશ સ્વતંત્ર ! આપણા નિર્ણયો જેટલા પરાવલંબી, બીજા પર આધારિત હોય તેટલા આપણે પરતંત્ર. માટે જ અનેક મહાનુભાવો કહી ગયા છે કે સમાનતા અને આત્મનિર્ભરતા, યોગ્યતા વગર સ્વતંત્રતા ટકતી નથી. એટલે શિક્ષણ જ્યારે તમને નિર્ણયો કરવાની યોગ્યતા આપે છે ત્યારે એ તમને સ્વતંત્રતા તરફ લઈ જાય છે. મુક્તિ તરફ લઈ જાય છે. (આજનું શિક્ષણ પણ અંતે તો મુક્તિ તરફ લઈ જાય છે.) પણ તકલીફ એટલી જ છે કે આ શિક્ષણ માત્ર જે તે ક્ષેત્રના નિર્ણયો કરવાની યોગ્યતા આપે છે. એટલે તે સર્વાંગી મુક્તિનો મંત્ર નથી આપતું. સૂક્ષ્મ રીતે તો તે તમને પરાવલંબી બનાવે છે. તમે જે ક્ષેત્રમાં યોગ્યતા કેળવો તેમાં તમે નિર્ણય લો અને બીજા ક્ષેત્રના નિર્ણયો જે તે ક્ષેત્રના નિષ્ણાતો પાસે લો!
આપણે ક્યારેય વિચારીએ છીએ કે ડૉક્ટર, એન્જિનિયર, આર્કિટેક, વકીલ અંતે કામ શું કરે છે? આપણા બદલે નિર્ણય લેવાનું! મને શરીરમાં ગરબડ લાગે છે. એ ગરબડ શાની છે તે ડૉક્ટર નક્કી કરે છે. એ ગરબડ દૂર કરવા કઈ દવા લેવાય તે ડૉક્ટર નક્કી કરે છે. એટલે સમસ્યા અને ઉકેલ બંને માટેનો નિર્ણય ડૉક્ટર કરે છે. કારણ એ નિર્ણય કરવાની તેની પાસે ડિગ્રી છે, યોગ્યતા છે અને હું ડૉક્ટરને આ નિર્ણય કરવાના, મારી નિર્ણય પ્રક્રિયામાં મદદરૂપ થવાના રૂપિયા ચૂકવું છું ! આવું જ વકીલનું છે. મને કાયદાનું જ્ઞાન નથી એટલે કાયદા સંબંધિત સમસ્યાઓ માટે શું કરવું તેનો નિર્ણય વકીલ કરે છે !
અને મને નિર્ણય કરવામાં મદદ કરવા બદલ હું વકીલને રૂપિયા ચૂકવું છું. હવે આ જ માર્ગ પર આગળ ચાલો. મારે ઘર કેવું બનાવવું એની ડિઝાઈન બનાવવાના નિર્ણયમાં મને આર્કિટેક મદદ કરે છે. મારે ટેક્સ કેટલો ભરવો, કેટલો બચાવવો આ નિર્ણયોમાં મને C.A. મદદ કરે છે.જેઓ નિર્ણય કરવાના વ્યવસાયમાં છે તેઓનો ઊંચો મોભો છે. નિર્ણયની શક્તિ કેળવે છે તે શિક્ષણની શાખાઓ અઘરી અને ખર્ચાળ છે. સુથાર, કડિયા, મજૂર એ બધા થયેલા નિર્ણય મુજબ કામ કરે છે. કામ કરવા માટે, મહેનત કરવા માટે ડિગ્રીની જરૂર નથી. એને માટે તો કુશળતા અને તાલીમ જરૂરી છે. આર્કિટેકને જે રૂપિયા મળે છે તે કડિયાને મળતા નથી. C.A.ને જે રૂપિયા મળે છે તે એકાઉન્ટ લખનારાને મળતા નથી.
ઔદ્યોગિક ક્રાંતિએ શ્રમવિભાજન કર્યું અને વિશિષ્ટીકરણ થયું ! ઔઘોગિકીકરણની અસર જીવનના બધા જ ક્ષેત્રોમાં થઈ અને શિક્ષણમાં, જ્ઞાનમાં પણ વિશિષ્ટીકરણ આવ્યું. એક માણસ માત્ર ઈજનેરી કળા જ શીખતો ગયો, એક માણસ માત્ર રોગોનું જ જ્ઞાન મેળવતો રહ્યો. એક માણસ માત્ર ભણાવવું કેવી રીતે તે જ વિચારતો થયો અને વિભાજન સૂક્ષ્મ થયું. પછી તો ભણાવવામાં પણ માત્ર ગણિત જ ભણાવવા લાગ્યો. એક માત્ર ભાષા જ ભણાવતો થયો. મેડિકલ સાયંસમાં તો બાળકોના જુદા, સ્ત્રીઓના જુદા, નાક કાનના જુદા, પેટના જુદા, મગજના નિર્ણયો કરનારા જુદા થયા.
શિક્ષણના વિશિષ્ટીકરણે મુક્તિ અપાવનારા, યોગ્યતા અપાવનારા જ્ઞાનને જ પરાવલંબી બનાવી દીધું. એક માણસ એક જ બાબતમાં યોગ્ય, બીજી બધી બાબતમાં પરાવલંબી. આ ઔદ્યોગિકીકરણની મર્યાદા હતી જે શિક્ષણમાં આવી. ડૉક્ટરે પોતાના હિસાબો માટે C.A.નો આશરો લેવો પડે. વકીલે પોતાના દર્દી માટે ડૉક્ટર પાસે જવું પડે. ટૂંકમાં, આજનું શિક્ષણ કોઈ એક વિશિષ્ટ ક્ષેત્રમાં નિર્ણયો લેવાની યોગ્યતા અને પછી રૂપિયા લઈને નિર્ણયો કરવામાં મદદરૂપ થવાનો વ્યવસાય કરવાનો અધિકાર આપે છે. મુક્તિ અપાવનારું જ્ઞાન તો બાબત જ અલગ છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.