સુરત: આગામી તા.10 જૂન-2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં નવસારીના ચીખલીના ખૂડવેલ ગામે સવારે 10:15 કલાકે ‘સમરસતા સંમેલન’ કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ વડાપ્રધાન મોદી બપોરે 11:15 કલાકે એ.એમ.નાઈક હેલ્થકેર કોમ્પ્લેક્સનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન બપોરે 12:20 કલાકે નિરાલી મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાના પ્રવાસે હોવાથી ભારતનું સૌથી મોટું ઇન્ડિયન એરફોર્સનું વિમાન ગ્લોબ માસ્ટર C-17 બુધવારે સુરક્ષાકર્મીઓને લઈ સુરત આવી પહોંચ્યું હતું. એ ઉપરાંત ઇન્ડિયન એર ફોર્સનું ચોપર હેલિકોપ્ટર પણ સુરક્ષાનાં કારણોસર સુરત એરપોર્ટ પર લેન્ડ થયું હતું. વડાપ્રધાન માટે આ ચોપર સ્ટેન્ડ બાય રાખવામાં આવે એવી શક્યતા છે.
વડાપ્રધાનના આગમનના બે દિવસ પહેલાં સુરક્ષાકર્મીઓને લાવવા ગ્લોબ માસ્ટરનો ઉપયોગ થાય છે. નવસારી જિલ્લાના કાર્યક્રમ બાદ વડાપ્રધાન અમદાવાદ ખાતે પહોંચીને બપોરે ૩.૪૫ કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe (ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડિંગનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
ખુડવેલમાં વડાપ્રધાનના કાર્યક્રમમાં 4.50 લાખથી વધુની જનમેદની ઉમટશે
નવસારી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 10 મી જુને દક્ષિણ ગુજરાતની સંસ્કારી નગરી નવસારી ખાતે પધારી રહ્યા છે. અંદાજીત 4.50 લાખથી વધુની જનમેદની જ્યાં ઉમટી પડનાર છે. ચીખલીના ખુડવેલમાં આયોજીત ‘ગુજરાત ગૌરવ અભિયાન’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લા નવસારી, વલસાડ, સુરત, તાપી, અને ડાંગના અંદાજિત 901 કરોડના વિવિધ વિકાસકામોનાં લોકાર્પણ સાથે, રૂપિયા 2151 કરોડના વિકાસકામોના ખાતમુહૂર્ત કરાશે. આ વેળા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ, પદાધિકારીઓ વિગેરે વિશેષ ઉપસ્થિત રહેશે.
ખુડવેલ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી સ્થિત ‘નિરાલી મલ્ટીસ્પેશ્યાલિટ’ ના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે કલેક્ટર અમિત પ્રકાશ યાદવ, પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપધ્યાય તથા જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે જિલ્લાના મીડિયા કર્મીઓ સાથે કાર્યક્રમ સંદર્ભે માહિતીની આપ-લે કરી હતી. જેમાં નિવાસી અધિક કલેક્ટર કે.પી.જોશી તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી-વ-મીડિયા નોડલ ઓફિસર વિવેક ટાંક, સંયુક્ત માહિતી નિયામક રાજેન્દ્ર રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
ખુડવેલમાં વડાપ્રધાન મોદી જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓ સાથે ‘સંવાદ’ સાધી તેમનો અભિપ્રાય પણ મેળવશે. ત્યારબાદ ઉમટેલા માનવ મહેરામણને સંબોધન કરશે. ખુડવેલના કાર્યક્રમ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 વાગ્યે નવસારીની નિરાલી હોસ્પિટલ પહોંચશે. કલેક્ટરે ઉમટી પડનારી જનમેદનીના આવાગમન માટેની વ્યવસ્થાઓનો ચિતાર આપ્યો હતો. તેમણે વાહનોનાં રૂટ તથા પાર્કિંગ વ્યવસ્થા, મેડિકલ ટીમ, પોલીસ બંદોબસ્ત, સ્વચ્છતા સંબધિત વ્યવસ્થાઓ, ઉપરાંત કાયદો અને વ્યવસ્થા વિષયક સુક્ષ્મ માહિતી રજુ કરી હતી. ખુડવેલમાં 26000થી વધુ વાહનોમાં આવનારી જનમેદની માટે જિલ્લાવાર બેઠક વ્યવસ્થા ગોઠવાઇ હોવાનું જણાવી કલેક્ટરે સાત મેડિકલ ટીમ, ટેમ્પરરી ડીસ્પેન્સરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિત ક્લસ્ટર વાઇઝ આરોગ્ય કર્મીઓને ફરજ ઉપર તૈનાત કરાયાં છે તેમ જણાવ્યું હતુ.
પાંચ જિલ્લાના 2100 કરોડના કામોના ખાતમુહૂર્ત અને 900 કરોડના કામોનું લોકાર્પણ કરાશે
વડાપ્રધાનના કાર્યક્રમમાં સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના રૂ।. 2151.46 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરશે. રૂ।. 1510.66 કરોડના પાણી પુરવઠા વિભાગના, રૂ।. 98.30 કરોડના માર્ગ અને મકાન વિભાગના અને રૂ।. 542.50 કરોડના આરોગ્ય વિભાગના ખાતમુહૂર્ત કરાશે. જ્યારે રૂ।. 901.86 કરોડના કામો પૈકી રૂ।. 749.16 કરોડના પાણી પુરવઠાના કામો, રૂ।. 85.50 કરોડના ઉર્જા વિભાગના, રૂ।. 46.90 કરોડના માર્ગ અને મકાન વિભાગના તેમજ રૂ।. 20.30 કરોડના શહેરી વિકાસના કામોનું લોકાર્પણ કરશે.