સુરતઃ (Surat) શહેરના પુણા પોલીસની (Police) હદમાં આવેલા કેનાલ રોડ ઉપર ગઈકાલે પોલીસ કરફ્યુના સમયે બંધ કરાવવા માટે પહોંચી ત્યારે આમલેટની લારી (Omelette larry) ચાલુ રાખીને બેસેલા દંપત્તિએ પોલીસ સાથે ગાળગાળી કરી પોલીસને તમાચો મારી દીધો હતો. જેને પગલે પુણા પોલીસે સરકારી કર્મચારી ઉપર હાથ ઉઠાવવા અને ધ એપેડેમીક ડીસીઝ હેઠળ ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- પોલીસ બંધ કરાવવા કહ્યું તો મહિલાએ મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ શરૂ કરી દીધું
- મારા પતિને કેમ ગાડીમાં બેસાડો છો, હું તેમને ગાડીમાં નહીં બેસવા દઉં, તમારાથી થાય તે કરી લો કહી બુમો પાડવા લાગી હતી
- બીજા ઉપર કેમ કેસ કરતા નથી કહી પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી તથા ધક્કામુક્કી કરી
પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પુણા પોલીસે ગઈકાલે મનોજકુમાર દિનેશચંદ્ર મોદી (ઉ.વ-૪૫) તથા પૌલીનબેન મનોજકુમાર દિનેશચંદ્ર મોદી (ઉ.વ-૪૫) (બન્ને રહે-ઘરનં-૬૨,યમુનાકુંજ સોસાયટી,મધૂરમ સર્કલ ડીંડોલી) ની સામે ફરિયાદ દાખલ કરી છે. ગઈકાલે રાત્રે પુણા પોલીસ ઇન્સપેક્ટર સહિતનો કાફલો તેમના વિસ્તારમાં રાત્રે 8 વાગ્યાથી કરફ્યુનું પાલન કરાવવા માટે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. દરમિયાન પુણા કેનાલ રોડ પુણા-સારોલી જંકશન બી.આર.ટી.એસ.રોડથી સારોલી તરફ જતા રોડ પર GJ-05- આમલેટ સેન્ટરના નામે એક ટેમ્પો ચાલુ હતું.
પોલીસે મનોજને લારી કરફ્યુના સમયે અત્યારે પોણા નવ વાગ્યા છે તો પણ કેમ ચાલું છે પુછતા એક મહિલા બહાર આવીને કેમ અમારી દુકાન બંધ કરાવો છો કહીને મોબાઈલ ફોનમાં વિડીયો રેકોર્ડ ચાલું કર્યું હતું. જેથી મહિલાને પોલીસે કોરોનાને લીધે કરફ્યુ છે તો દુકાન સમયસર બંધ કરવા સમજાવતો હતો. છતાં તેમના દ્વારા ઉગ્ર રીતે તમે અમને જ હેરાન કરો છો, બીજા ઉપર કેમ કેસ કરતા નથી. જોર જોરથી બુમ બરાડા પાડી પોલીસની કાર્યવાહીમાં અડચણ ઉભી કરી હતી.
પોલીસ મનોજભાઈને ગાડીમાં બેસાડવા જતા મનોજ અને તેની પત્નીએ પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી તથા ધક્કામુક્કી કરી હતી. સાથેના મહિલા પોલીસ કર્મચારી પો.કો ધર્મિષ્ઠાબેન રવિંદ્રભાઈને પૌલીનબેન મોદીએ ગાલ પર તમાચો મારી દીધો હતો. જેથી દંપત્તિની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે તેમની ટેમ્પો, ખુરશી ટેબલ સહિતની કુલ 1.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.