Charchapatra

રોગનો ઉપાય કરો ને

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શ્રી વિજય રૂપાણીએ જાહેર મંચ પરથી એક વખત એવું નિવેદન આપ્યું હતું કે; ગુજરાતમાં બે ખાતાં સૌથી વધારે “ખાતાં” છે. એક મહેસુલ ખાતું અને બીજું પોલીસખાતું.  હમણાં જ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાના વક્તવ્યમાં કહ્યું કે ભ્રષ્ટાચાર દેશને ખોખલો કરી રહ્યો છે. હવે યક્ષ પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, તમે રોગથી સંપૂર્ણ અવગત છો, તમારી પાસે સત્તા અને સંસાધનો છે, કડક નિર્ણય લેવાની અને કામ કરવાની ક્ષમતા અને બહુમતી છે. તો પછી દેશને ઉધઈની જેમ ફોલી ખાતાં ભ્રષ્ટાચારને નાથવા અને ડામવા માટે કડક અને કઠોર હાથથી કામ લેતા તમને કોણ રોકે છે?

તમારા વિરોધીઓનાં મોંઢાં બંધ કરવા માટે અથવા એમને રસ્તામાંથી દૂર કરવા માટે તમે જે રીતે સરકારી સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છો, એના કરતાં દેશને ખોખલો કરતાં અને પીડતા ભ્રષ્ટાચાર, અનાચાર, અરાજકતા, કૌભાંડો, ગુંડાગર્દી જેવા અનિષ્ટને નાબૂદ કરવા માટે સરકારી સંસાધનોનો સદુપયોગ કરો ને! પ્રજા ખોબલે ખોબલે મત આપશે. ઇન્દિરા ગાંધીના શાસનમાં એક સૂત્ર વહેતું થયેલું “ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર” તો આની સામે તમારી “અદ્વિતીય અને બેનમૂન” કહેવાતી સરકારે “ભ્રષ્ટાચાર એ અનાચાર છે.”

એવું સૂત્ર વહેતું મૂકીને દેશના ખૂણે-ખૂણે ઉધઈની જેમ ફેલાયેલા ભ્રષ્ટાચાર પર તૂટી પડતાં તમને કોણ રોકે છે? દેશમાં લહેરાતી ભ્રષ્ટાચારની દરિયાઈ લહેરની ગટરગંગાનાં મૂળ તો ચૂંટણી ફંડમાં રહેલાં છે. સ્વયં જ પ્રામાણિકતાની “તાજપોશી” કરનાર ભાજપ સરકાર પાસે અત્યારે સાડા ચાર હજાર કરોડનું ફંડ છે, એ ક્યાંથી આવ્યું અને એના બદલે કયા કયા “લાભ” અપાયા, એ પ્રામાણિકતાનો ઠેકો લઈને ફરતી ભાજપ સરકાર જાહેર કરશે? કે પછી પોતે જ કાચના ઘરમાં બેઠા છે એટલે પથ્થર ફેંકતા ડરે છે.
સુરત     – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top