Charchapatra

ભ્રષ્ટાચારની મહામારીનો ઈલાજ

ગુજરાત સરકારે ભ્રષ્ટાચારમાં લિપ્ત ઘણાં મોટાં માથાંઓને તેમના માથેથી ઉતારવાનું કાર્ય કર્યું છે. જેમાં, એક કલેક્ટર તથા ઘણાં ક્લાસ વન અધિકારીઓનો સમાવેશ થાય છે. છેલ્લા અમુક સમયથી ગુજરાતની એન્ટી-કરપ્શન બ્યુરો(એસીબી) દ્વારા ઘણી ભ્રષ્ટાચારની ફરિયાદો નોંધી ભ્રષ્ટ કર્મીઓની ધરપકડ કરવામાં આવી છે. આ દરેક કાર્યો સરાહનીય છે, પરંતુ ભ્રષ્ટાચારની મહામારી માટે પૂરતાં તો જરાય નથી.

ભ્રષ્ટાચારના ઘોડાપૂર સામે આ કાર્યો માત્ર બોટ-હોલ-રીપેરીંગ સમાન છે. અમલદારશાહી પર સરકારનો કાનૂની ધાક જરૂરી છે. લાંચિયાઓ સામે સરકારની મૂહિમ સરકારે સમય- સમયાંતરે ચલાવવી જ રહી. આવી મૂહિમો સામાન્ય નાગરિકોને પણ લાંચ વિરુધ્ધ માનસિક રીતે તૈયાર કરતી હોય છે. ભ્રષ્ટાચારની મહામારી એટલી ઊંડે સુધી ઘર કરી ગઇ છે કે તે સાવ અટકવાની નથી. ગુજરાત સરકારનાં કાર્યો સારાં, પણ ભ્રષ્ટાચારને અંકુશિત કરી જાહેર હિતની નીતિઓને, યોજનાઓને જનતા સુધી સન્માન સાથે પહોંચાડવા આવાં કાર્યો સતત અને સતત ચાલુ રહેવાં જ જોઇએ.
પાલ     – રાજકુમાર પટેલ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

આમંત્રણ-નિમંત્રણ
લખવામાં જોડણીની ભૂલો તો જાણે જન્મસિધ્ધ અધિકાર હોય તેમ મોટા ભાગનાં ગુજરાતીઓથી લખાય છે. ભાષાનું ઔપચારિક જ્ઞાન આપવામાં શિક્ષકો નબળાં સાબિત થયાં છે ત્યારે સમાજમાં બહોળા પ્રમાણમાં ખોટો ઉપયોગ કરાય છે. એમાં વળી સોશ્યલ મિડિયા કેમ રહી જાય. સોશ્યલ મિડિયામાં ગ્રુપ બનાવવાની જાહેરાત કરી તેમાં આમંત્રણને બદલે નિમંત્રણ અપાયું. આમંત્રણ શબ્દનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે કોઈ સભા કે કાર્યક્રમ નાના સમૂહમાં મંચ, સભા સેમિનાર વગેરે જેમાં મોટા ભાગે જમવાનું હોતું નથી.

વળી એવા કાર્યક્રમો મોટા ભાગે વ્યક્તિગત હોતા નથી. ઉપરાંત પાસે બોલાવવા માટે આમંત્રણનો ઉપયોગ થાય છે. સભામાં ઉદઘોષક કોઈ વક્તાને વક્તવ્ય આપવા માટે બોલાવે, પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં કોઈને બોલાવવામાં આવે ત્યારે આમંત્રણ, વળી એમાં બોલાવવા પાછળ ચોક્કસ હેતુ વક્તા બોલવા માટે અને શ્રોતાને સાંભળવા માટે અપાય, જ્યારે નિમંત્રણ શબ્દનો ઉપયોગ, સામાજિક, ઘરેલું ધાર્મિક કે હર્ષોલ્લાસનો પ્રસંગ હોય, વળી લગ્નપ્રસંગ કે મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા જેમાં ભોજનની વ્યવસ્થા હોય છે. નિમંત્રણ મોટા પાયા પરનો કાર્યક્રમ હોય છે. એટલે સોશ્યલ મિડિયાના ગ્રુપમાં આમંત્રણ જ યોગ્ય થાત.
 ગંગાધરા – જમિયતરામ હ. શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top