15 માર્ચના ‘ગુજરાતમિત્ર’ના અંતિમ પૃષ્ઠનો અહેવાલ વાંચી દુ:ખ થયું. એકતરફી પ્રેમમાં યુવતીને મોપેડ પરથી પાડી ચપ્પુના ઘા ઝીંક્યા, એની માતાને પણ ઘાયલ કરી. આ કયા પ્રકારની માનસિકતા? આને પ્રેમ કહેવાય? ઘણી વાર અખબારી આલમ દ્વારા યુવકોની હિંસક માનસિકતા જાણવા મળે છે. યુવતી પ્રેમનો એકરાર ન કરે તો એસિડ છાંટવાની ધૃષ્ટતા પણ યુવકો દ્વારા થાય. કોઇ સોશ્યલ મિડિયા પર બદનામ કરવાની ધમકી આપે તો કોઇ યુવક યુવતીના કુટુંબને પરેશાન (મારવાની) ધમકી આપે. કોઇ વળી હત્યા કરીને જ જંપે. આવી ઘટનાઓને શું સમજવું? શું સંસ્કારનો અભાવ હશે? સંતાનોને શૈશવથી જ સ્ત્રી સન્માનની ભાવનાના સંસ્કાર માતા પિતા દ્વારા પ્રાપ્ત થવા જોઇએ.
તો કદાચિત ઉપર્યુક્ત ઘટનાઓ બનવામાં ઓટ આવી શકે. શ્રીમંત પરિવારના નબીરાઓ યુવતીઓને રમકડું જ સમજતા હોય છે. લગ્નની લાલચ આપી વારંવાર શોષણ કરી શારીરિક તથા માનસિક ત્રાસ આપી મોં ફેરવી લેતા હોય છે. નાણાંના જોરે બધું જ શક્ય છે એ માનસિકતા એમના મગજમાં જડબેસલાક બેસી ગઇ હોય છે. શ્રીમંત હોવું ગુનો નથી. પણ અન્યને (યુવતીને) તુચ્છ સમજવાની માનસિકતા સંપૂર્ણ અયોગ્ય છે. સમાજની ભવિષ્યની પેઢી સંસ્કારી બને અને સ્ત્રી સન્માનની ભાવના જાગ્રત થાય એને માટે બાળપણથી જ સંસ્કારસિંચન આવશ્યક છે.
સુરત – નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વેસ્ટઝોનની આ સમસ્યાનું કાયમી નિવારણ કરો
સુરત મહાનગરપાલિકાના ‘વેસ્ટ ઝોન’ હેઠળ પ્રાઈમ મારકેટ કાલુપુર બેંક ચાર રસ્તા ઉપર મહિનામાં બે-ત્રણ વખત કોઈક કારણે મીઠા પાણીની લાઈનમાં ભંગાણ પડે છે અને બે ત્રણ દિવસ સુધી રોડ ઉપર લાખ્ખો લીટર મીઠું પાણી વ્યર્થ વહી જાય છે. પાણીના જબ્બર ફોર્સને કારણે વારંવાર રોડ પર ભંગાણ પડે છે. છેલ્લાં 5/7 વર્ષથી હું નિયમિત દર 15/20 દિવસ આ સમસ્યા જોઉ છું પરંતુ લાગત હાઈડ્રોલિક વિભાગના એન્જીનિયરો શું કરે છે એ સમજાતું નથી. દર થોડા દિવસે અહીં એકની એક સમસ્યા ઉદ્ભવે છે.
અધિકારીઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ કેમ નથી લાવી શકતા? આ શહેરમાં 65 વર્ષથી રહું છું. આવી એકની એક સમસ્યા ક્યાંય જોઈ નથી. ક્યાં તો અધિકારીઓ સમસ્યા ઉકેલવા જેટલા સક્ષમ નથી યા તો જે મટીરિયલ વપરાય છે તે પાઈપ/વાલ્વ કે જોઈન્ટસ હલકી ગુણવત્તાના વપરાતા હોય એવું લાગે છે. સુમપાના કમિશ્નરશ્રી અહીં ઊભા થતા આ ભંગાણની આખી ફાઈલ ઊંડાણથી તપાસાવે તો સત્ય બહાર આવે અને સમસ્યાનું સાચું કાયમી નિવારણ થાય. આજે દેશમાં ટેક્નોલોજી એટલી આગળ વધી છે કે આવી સમસ્યાનું નિવારણ ન થાય એની નવાઈ લાગે છે. મ્યુનિ. કમિશ્નર તપાસ કરાવશે?
સુરત – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.