હમણાં એક ભજન સાંભળ્યું. જે આ પ્રમાણે હતું: ‘‘ખેતી કરો ભાઇ રામનામની. ના રૂપિયા લાગે, ના પૈસા લાગે, ખેતી કરો ભાઇ રામનામની’’ ભજન ખૂબ જ સરસ,સરળ,સહજ છતાં અનેક અર્થછાયાઓથી સભર છે. ભજનમાં વ્યકત તો થાય છે રામનામનો મહિમા પણ એ મહિમા જરા જૂદી રીતે રજૂ થયો છે. ભજનમાં રામનામના સ્મરણની વાત નથી. રામની ભક્તિની વાત નથી. એમાં રામનામની ખેતી કરવાનો આદેશ છે, અનુરોધ છે.

હવે પ્રશ્ન એ થાય કે રામનામની ખેતી કેવી રીતે કજી શકાય? જેમ જમીનમાં બીજ વવાય, તેને પાણીનું સિંચન થાય, એને હળથી , ટ્રેકટરથી જમીનમાં જમીનને ખોદીને એમાં બીજ નાખવા માટે તૈયાર કરવામાં આવે. એમાંથી જે અનાજ પાકે તેના સેવનથી જીવના જીવનને પ્રાણને પુષ્ટિ મળે છે.તેનામાં ચોકકસ પ્રકારની શકિતનું સિંચન થાય છે, અવિર્ભાવ થાય છે. એથી જીવ પોતાના જીવનમાં અવનવા કાર્યો કરવા શકિમાન બને છે. આ ખેતી ખેતરમાં જમીનમાં થાય છે. એના પર વરસાદ વરસવાથી રોપેલાં બીજ ફળ, ફૂલ, અનાજના દાણા વગેરેમાં રૂપાંતરિત થઇને ખેડૂતને પ્રાપ્ત થાય છે. એ માટે ખેડૂત ટાઢ, તાપ, વરસાદ વેઠીને પોતાનું ખેતી કાર્ય કરે છે.
એ જ રીતે આ ભજનમાં ભજનિક જીવને રામનામની ખેતી કરવાનું કહે છે. રામનામની ખેતી કેવી રીતે થાય? રામનામની ખેતી કરવા ખેડૂતની જેમ આપણે આપણાં અંતર -આત્માની ભૂમિ પર રામનામના અંકુર રોપવાના છે. કેવી રીતે? બસ રામનામ જપ, સ્મરણ કરીએ, ખેતરમાં તો અંકુર એક વાર રોપવામાં આવે છે. પણ રામનામની ખેતી કરવા તો રામનામનું સ્મરણ સતત કરવું પડે. કરવું જરૂરી છે. રામનામના સ્મરણના સાતત્યથી અંતર આત્મામાં જન્મોજન્મનાં અસત કર્મોનો ક્ષય થાય છે. પુણ્યનો ઉદય થાય છે. રામની સમીપ પહોંચવાનો માર્ગ મોકળો બને છે. અંતર અસ્તિત્વમાં ધીમે ધીમે દિવ્યતાનો અવિર્ભાવ થવા માંડે છે. ખેતરમાંથી ખેતીનો પાક મળે તેમ આપણા અંતરના ખેતરમાંથી રામનામની એક ઊર્જાનો સ્રોત પ્રકટે છે અને આપણાં અંતર- અસ્તિત્વને માનવતા અને દિવ્યતાનો પાક મળે છે.
રામનામની ખેતી કહેવા પાછળનો આશય એ છે કે જેમ ખેતી માટે પરિશ્રમ કરવો પડે છે અને પાક તૈયાર થાય ત્યાં સુધી રાહ જોવી પડે છે તે રીતે રામનામની ખેતી કરવા માટે પણ પરિશ્રમ કરવો પડે છે. એનું સાતત્ય જાળવવું પડે છે અને રામની કૃપા વરસે, રામ મળે ત્યાં સુધી પ્રતીક્ષા અને સાધના કરવી પડે. ખેડૂત જેમ બીજ રોપ્યા પછી તેની માવજત કરે છે તેમ આપણે પણ રામની ખેતીને પરિપકવ બનાવવા માટે તેની માવજત રૂપે રામના શરણે રહી તેનું સ્મરણ સતત કર્યે રાખવું પડે છે. ત્યારે તેની કૃપા મળે છે.
રામકૃપા મળે તેનો અર્થ એવો નથી કે રામ મનુષ્યની જેમ સામે આવી કહે કે હું રામ છું. આ મારી કૃપા છે. હા, રામ માનવરૂપે મળે ખરા, પણ એ તો બહુ દૂરની વાત છે. કોઇ વિરલને જ એ મળે છે. રામકૃપાના પ્રતાપે અને પ્રભાવે જીવન સરળ, સહજ અને ભર્યુંભર્યું બને છે. સુખ, શાંતિ અને આનંદનો અનુભવ સતત થતો રહે છે. આ રામ ખેતીનો પ્રતાપ અને પ્રભાવ છે.
ભજનિકે રામ સાથે સ્મરણ કે ભક્તિ કે એવો કોઇ શબ્દ વાપરવાના બદલે ‘ખેતી’ શબ્દ વાપર્યો છે. જેનાથી પરિશ્રમ, પ્રતીક્ષા અને પ્રયત્નનો સંદેશ વ્યકત કર્યો છે. જેમ ખેતીનો પાક જીવને તન-મનથી પુષ્ટ બનાવે છે તેમ રામનામ જીવને દિવ્ય બનાવે છે. રામ રાજા છે. પણ એ પરબ્રહ્મ છે. સત્ય અને દિવ્ય તત્ત્વ છે. રામ એક ઊર્જા છે. એ ઊર્જા જીવનને સતત ધબકતું રાખે છે. જયારે માનવીના શ્વાસ થંભી જાય છે અને નનામી ઘરની બહાર નીકળે છે ત્યારે ‘રામ’ બોલવામાં આવે છે. એનું કારણ રામનામનું સ્મરણ કરાવવામાં આવે છે અને હવે પછીના જન્મોમાં પણ તેનું સ્મરણ સતત સાથે રહે તે આશયથી ‘રામ’ બોલવામાં આવે છે. રામની ખેતીનો પરિપાક માત્ર આ જન્મે જ નહીં , જન્મોજન્મ પ્રાપ્ત થતો રહે છે. તેથી ‘રામનામની ખેતી’ નો શબ્દ વિનિયોગ ભજનિકે કર્યો છે તે વિચારણીય છે.
