ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં અહીં સોમવારે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ એકબીજા સામે બાથ ભીડવા માટે મેદાનમાં ઉતરશે ત્યારે બંને ટીમની નજર પોતાની જીતની રિધમ જાળવી રાખવા પર રહેશે. બંને ટીમોએ પોતપોતાની પહેલી મેચ ગુમાવ્યા પછી બીજી મેચમાં જીત મેળવી હતી. ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઇ સુપર કિંગ્સે પંજાબ કિંગ્સ સામે સરળતાથી તો રાજસ્થાન રોયલ્સે અંતિમ ઓવરમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને જીત મેળવી હતી અને હવે બંને ટીમ પોતપોતાનું વિજયી અભિયાન આગળ ધપાવવા માગશે.
કેપ્ટન ધોની બીજી મેચમાં પોતાના બોલરોના પ્રદર્શનથી ખુશ હશે અને તે રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ બોલરો પાસે એવા પ્રદર્શનની આશા રાખે છે. દીપક ચાહરે ફેંકેલા સ્પેશિયલ સ્પેલના કારણે સીએસકે પંજાબ કિંગ્સને 106 રનના સ્કોર સુધી રોકી રાખવામાં સફળ થઇ હતી અને તે પછી પોતાના બેટ્સમેનોના જોરે તેણે મેચ જીતી લીધી હતી. આવતીકાલની મેચમાં દક્ષિણ આફ્રિકન બોલર લુંગી એન્ગીડીનો સમાવેશ થવાની સંભાવના છે.
રાજસ્થાન રોયલ્સ પોતાના કેપ્ટન સંજૂ સેમસનને ટોપ ઓર્ડરના અન્ય બેટ્સમેનોનો પણ સાથ મળે તેવી ઇચ્છા ધરાવતું હશે. બીજી મેચમાં ડેવિડ મિલર અને ક્રિસ મોરિસે કરેલા પ્રદર્શને તેમને જીત અપાવી હતી અને આ બંને વિદેશી ખેલાડીઓ પાસે તેઓ સીએસકે સામે પણ આવા જ પ્રદર્શનની આશા રાખશે.