Sports

ચેન્નાઇએ લખનઉને 12 રને હરાવ્યું

ચેન્નાઇ : ચાર વર્ષ પછી અહીંના ચેપોક મેદાન પર પોતાના ઘરઆંગણે પહેલી મેચ રમી રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સે (CSK) પોતાની ઓપનીંગ જોડી ઋતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેની વિસ્ફોટક બેટીંગની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 217 રનનો (Run) સ્કોર બનાવીને મુકેલા 218 રનના લક્ષ્યાંક સામે લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટે 205 રન સુધી જ પહોંચતા સીએસકેનો 12 રને વિજય થયો હતો.

  • લખનઉ સુપર જાયન્ટ્સ સામે ઋતુરાજ અને કોનવેએ ઓપનીંગ ભાગીદારીની મદદથી પાવરપ્લેમાં 79 રન કરવાનો રેકોર્ડ બનાવ્યો
  • માયર્સે લખનઉને તોફાની શરૂઆત અપાવી પણ મોઇન અલી અને મિચેલ સેન્ટનરે સંકજો કસતા લખનઉ 205 રન જ બનાવી શક્યું

લક્ષ્યાંક આંબવા માટે મેદાને ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સને કાઇલ માયર્સ અને લોકેશ રાહુલે વિસ્ફોટક શરૂઆત અપાવી હતી અને બંનેએ 5.3 ઓવરમાં 79 રન બોર્ડ પર મૂકી દીધા હતા. આ સ્કોર પર જ 22 બોલમાં 53 રન કરીને માયર્સ આઉટ થયો હતો અને તે પછી તેમની રનરેટ લથડી હતી. મોઇન અલી અને મિચેલ સેન્ટનરને સંકજો કસતા 79 રને પહેલી વિકેટ ગુમાવનાર લખનઉએ 130 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, નિકોલસ પૂરને થોડી મહેનત કરી હતી, પણ અંતે તેઓ 7 વિકેટે 205 રન જ બનાવી શક્યા હતા. મોઇને 26માં 4 જ્યારે સેન્ટનરે 21માં 1 વિકેટ ઉપાડી હતી. તુષાર દેશપાંડેએ 2 વિકેટ ઉપાડી હતી.

ટોસ હારીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી સીએસકેની ટીમને ઋતુરાજ અને કોનવેની જોડીએ જોરદાર શરૂઆત અપાવી હતી અને આ બંનેએ મળીને પાવરપ્લેની 6 ઓવરમાં 79 રન ઝુડી કાઢીને ચેપોકના મેદાન પર પાવરપ્લેમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ બનાવી દીધો હતો. ઋતુરાજે 37 બોલમાં 4 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 57 રનની જ્યારે કોનવેએ 29 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 47 રનની ઇનિંગ રમી હતી. આ બે સિવાય શિવમ દુબેએ 16 બોલમાં 27 જ્યારે અંતિમ ઓવરમાં ધોની સતત બે બોલમાં બે છગ્ગા મારીને 3 બોલમાં 12 રન કરીને આઉટ થયો હતો. અંબાતી રાયડુ 14 બોલમાં 27 રને નોટઆઉટ રહ્યો હતો. લખનઉ વતી રવિ બિશ્નોઇએ 28 રનમાં 3 જ્યારે માર્ક વુડે 49 રનમાં 3 વિકેટ ઉપાડી હતી.

Most Popular

To Top