ચેન્નાઇ : આઇપીએલમાં (IPL) આવતીકાલે બુધવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) પોતાના હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સ (DC) સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેની નજર પ્લેઓફમાં સ્થાન મેળવવાની નજીક પહોંચવા પર મંડાયેલી હશે. મુંબઇ ઇન્ડિયન્સ સામે અહીં ચેપોક પર જીત મેળવીને સીએસકે ફરી એકવાર જીતના માર્ગે પરત ફર્યું છે અને દિલ્હી કેપિટલ્સ સામે પોતાની એ રિધમ જાળવી રાખવા માગશે. આ તરફ દિલ્હી માટે તમામ મેચ કરો યા મરો સમાન છે તેથી તેના માટે આ મેચ જીતવા સિવાય બીજુ કંઇ જરૂરી નથી.
ટૂર્નામેન્ટમાં મોટાભાગે સંઘર્ષ કરતી રહેલી દિલ્હી કેપિટલ્સની ટીમે પોતાની છેલ્લી પાંચમાંથી ચાર મેચ જીતીને પોતાની સંભાવનાને જીવંત રાખી છે. આરસીબી સામેની મેચમાં ફિલ સોલ્ટે જોરદાર બેટીંગ કરીને ટીમના અન્ય બેટ્સમેનોને પ્રોત્સાહિત કર્યા છે. દિલ્હીની ટીમ આવતીકાલે અહીં ચેન્નાઇ સુપર કિંગ્સને તેમના ગઢમાં અચંબિત કરવાનો ઇરાદો ધરાવે છે, જો કે તેના માટે ટીમના સ્ટાર બેટ્સમેનોએ ઉમદા પ્રદર્શન કરવાની જરૂર છે. સીએસકે માટે તેની બેટીંગ અને બોલિંગ બંને જોરદાર પ્રદર્શન કરી રહ્યા છે પણ ઓપનીંગ જોડી નિષ્ફળ જાય તો તેમનું મિડલ ઓર્ડર યોગ્ય પ્રદર્શન કરી શકતું નથી અને તેમાં તેમણે સુધારો કરવાની જરૂર છે.
એમએસ ધોનીએ સુરેશ રૈનાને કહી દીધું : હું આ વર્ષે ટ્રોફી જીત્યા પછી વધુ એક વર્ષ રમીશ
મુંબઇ : આઇપીએલની હાલની સિઝનનો બીજો તબક્કો શરૂ થઇ ગયો છે અને તેની સાથે જ ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગેની અટકળો સતત આગળ ધપતી રહી છે, થોડા સમય પહેલા એક મેચમાં ટોસ દરમિયાન ધોનીએ કોમેન્ટેટર ડેની મોરિસનને સીધું કહી દીધું હતું કે આ સિઝન પછી પણ તે રમવાનો છે. ચેન્નાઈના ચાહકોને પણ ડર છે કે ધોનીની નિવૃત્તિ બાદ ચેન્નાઈનો કેપ્ટન કોણ હશે અથવા તો સીએસકેને કોણ સંભાળશે. હવે ચેન્નાઈના માજી બેટ્સમેન અને ‘ચિન્ના થાલા’ તરીકે પ્રખ્યાત સુરેશ રૈનાએ ધોનીની નિવૃત્તિ પર વાત કરી છે.
રૈના તાજેતરમાં જ મેદાનમાં ધોનીને મળ્યો હતો. આ દરમિયાન બંને એકબીજાના ખભા સાથે ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો ઉલ્લેખ કરતા રૈનાએ કહ્યું કે ધોનીએ તેની સાથે નિવૃત્તિ અંગે વાત કરી હતી. આ દરમિયાન ધોનીએ રૈનાને કહ્યું હતું કે હું ટ્રોફી જીતીશ અને વધુ એક વર્ષ રમીશ. એટલે કે ધોની આ સિઝન પછી આઇપીએલમાંથી નિવૃત્તિ નથી લેવાનો એ નક્કી થઇ ગયું છે. જો કે ધોની ગમે ત્યારે સરપ્રાઇઝ આપવા માટે જાણીતો છે એટલે તેના માટે કોઇપણ ચોક્કસતાથી કંઇ કહી શકે તેમ નથી.