આખરે ક્રિપ્ટો કરન્સીનો ફુગ્ગો ફુટવા જ માંડ્યો. જ્યારથી ક્રિપ્ટો કરન્સી શરૂ થઈ ત્યારથી આ ભીતિ રહેતી હતી. એક સમયે ક્રિપ્ટો કરન્સીની કોઈ નોંધ લેતું નહોતું પરંતુ સરકાર દ્વારા નોટબંધી લાવવામાં આવતા લોકો દ્વારા રોકડ રકમનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવામાં આવ્યું. એક-બે કરોડ નહીં પરંતુ હજારો કરોડો રૂપિયા ક્રિપ્ટો કરન્સીમાં રોકવામાં આવ્યા. જે બિટકોઈન હજારોની કિંમતોમાં હતો તે લાખોની કિંમતમાં આવી ગયો. બિટકોઈનની સાથે અન્ય ક્રિપ્ટો કરન્સીમાં પણ ભાવોમાં ભારે વધારો થયો. ક્રિપ્ટો કરન્સીમાં જે રીતે ભાવોમાં વધારો થતો હતો તેણે અનેક લોકોને તેમાં રોકાણ કરવા માટે પ્રેર્યા. સુરત સહિત અનેક શહેરોમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે અબજો રૂપિયાની ઠગાઈ પણ કરવામાં આવી. ત્યાં સુધી કે ક્રિપ્ટો કરન્સીના નામે સતીષ કુંભાણી તેમજ દિવ્યેશ દરજી સહિતના દ્વારા અમેરિકા તેમજ અન્ય દેશોમાં પણ ઠગાઈ કરવામાં આવી. અમેરિકાની એફબીઆઈ એજન્સી પણ સતિષ કુંભાણીને શોધવા માટે નીકળી તે લેવલે ક્રિપ્ટો કરન્સીમાં કૌભાંડો કરવામાં આવ્યા હતા.
જો કે, આ તમામ પરિસ્થિતિને ક્રિપ્ટો કરન્સી વળોટી ગઈ હતી. કૌભાંડો થવા છતાં પણ ક્રિપ્ટો કરન્સીના ભાવો વધતા જ રહ્યા હતા. બિટકોઈનના ભાવ લાખોમાં પહોંચી જતાં લોકો નાની રકમના રોકાણની આશાએ અન્ય ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા લાગ્યા અને અન્ય ક્રિપ્ટો કરન્સીના ભાવો પણ વધવા માંડ્યા. છેલ્લા કેટલાક સમયથી ક્રિપ્ટો કરન્સીના ભાવોમાં વધારો જ થતો રહેતો હતો પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને કારણે ક્રુડના ભાવો વધ્યા, શેરબજારો તૂટ્યા અને મોંઘવારી વધી તેમાં ક્રિપ્ટો કરન્સીનો ફુગ્ગો પણ ફૂટી જવા પામ્યો. ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં જાણે વેચાણની સુનામી આવી. ટેરા લુના નામની ક્રિપ્ટો કરન્સીમાં એટલી હદે ધોવાણ થયું કે જે ટેરા લુનાનો ભાવ સાત હજાર હતો તે ઘટીને સીધો 50 પૈસા થઈ ગયો. માત્ર 24 જ કલાકમાં આ ક્રિપ્ટો કરન્સીના ભાવમાં 99.66 ટકાનો ઘટાડો થઈ ગયો. જ્યારે મોટાભાગની ક્રિપ્ટો કરન્સી 25થી 30 ટકા તૂટીને વેચાઈ રહી છે. કેટલીક કરન્સી તો 50થી 60 ટકા સુધી તૂટી ગઈ છે અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરનારાઓ રાતે પાણીએ રડી રહ્યા છે.
માર્કેટના જાણકારો એવું કહી રહ્યા છે કે, ગ્લોબલ રેગ્યુલેશન પ્રેશર, ટેક્સ હિટ સહિતની અસરોને કારણે ક્રિપ્ટો કરન્સી તૂટી રહી છે. છેલ્લા એક સપ્તાહથી ક્રિપ્ટો કરન્સી તૂટી રહી છે અને ઘણા ક્રિપ્ટો એક્સચેન્જ પર તો વોલ્યુમમાં ભારે ઘટાડો થયેલો પણ જોવા મળી રહ્યો છે. એક સમય હતો કે જ્યારે તા.9મી નવે., 2021ના રોજ ક્રિપ્ટો કરન્સીના વૈશ્વિક માર્કેટ તેના ઉચ્ચત્તમ સ્તરે પહોંચી ગયું હતું. ત્યાં સુધી કે તે સમયે ક્રિપ્ટો માર્કેટએ 2.93 ટ્રિલિયન ડોલરનો રેકોર્ડ પણ બનાવ્યો હતો પરંતુ તેમાં હાલમાં 60 ટકાનો ઘટાડો થઈ ગયો છે. ક્રિપ્ટો કરન્સીનું માર્કેટ કેપ હાલમાં ઘટીને 1.23 ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. બિટકોઈનમાં 30 ટકાનો ઘટાડો થઈ ગયો છે. જ્યારે ઈથેરિયમ કોઈન 32 ટકાથી વધુ ઘટી ગયો છે. મેટિક કોઈન 21 ટકાથી વધારે ઘટી ગયો. ક્રિપ્ટો કરન્સીમાં આવેલા આ ઘટાડાએ બતાવી આપ્યું છે કે ક્રિપ્ટો કરન્સી સ્હેજેય ભરોસાપાત્ર નથી. હકીકતમાં ક્રિપ્ટો કરન્સીનું ફીઝિકલી કોઈ અસ્તિત્વ જ નથી. જેને કારણે તેમાં રોકાણ કરવામાં સાવધ રહેવું જોઈએ.
ક્રિપ્ટો કરન્સીમાં જે રીતે ધોવાણ થઈ રહ્યું છે તેનાથી રોકાણકારોએ સાવધ રહેવું જ જોઈએ પરંતુ સાથે સાથે ભારત સરકારે પણ ક્રિપ્ટો કરન્સીના માર્કેટ પર ધ્યાન આપવાની ખાસ જરૂર છે. મોટાભાગની ક્રિપ્ટો કરન્સી વિદેશોની છે. આ સંજોગોમાં ભારતીય રોકાણકારોના નાણાં આ ક્રિપ્ટો કરન્સી દ્વારા વિદેશોમાં જઈ રહ્યાં છે. જેની સીધી અસર વિદેશી હુંડિયામણ પર પણ પડી રહી છે. ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે પણ થઈ રહ્યો હોવાની આશંકાઓ અનેક વખત વ્યક્ત કરવામાં આવી છે. જે રીતે ક્રિપ્ટો કરન્સી તૂટી રહી છે તે જોતાં આગામી દિવસોમાં જો સરકાર દ્વારા તેની પર ધ્યાન નહીં અપાય તો સૌથી મોટું નુકસાન ભારતીયો ઉઠાવશે તે નક્કી છે.