સુરત: (Surat) ભાજપ કાર્યાલય (BJP) ખાતે ગુજરાતના (Gujarat) નાણામંત્રી (Finance Minister) કનુભાઇ દેસાઇ તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારા શહેરના બુદ્ધિજીવીઓ સમક્ષ યુનિયન બજેટ (Union Budget) પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સંમેલનને સંબોધતા પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સીઆર.પાટીલે (CRPatil) જણાવ્યું હતું કે, કાપડ (Textile) પર ફરી 12 ટકા જીએસટી (GST) દર લાગુ નહીં થાય. ‘કોઈ ચિંતા કરવાની જરૂર નથી, નરેન્દ્ર મોદી (Narendra Modi) દિલ્હીમાં બેઠા છે.
કાપડ ઉદ્યોગનું હીત તેમને ખબર છે. જીએસટી 5 ટકા જ રહેશે, ચિંતા નહીં કરો, કોઇએ પણ ડરવાની જરુર નથી. સી.આર.પાટીલે કાપડ ઉદ્યોગકારોને સંબોધતાં જણાવ્યું હતું કે, હીરા (Diamond) ઉદ્યોગ માટે બજેટમાં જાહેરાત થઈ પણ ટેક્સટાઈલ માટે કોઈ જાહેરાત થઈ નહીં. પણ ટેક્સટાઈલને જે જોઈતું હતું તે બજેટ પહેલાં જ આપી દેવાયું છે. હવે કેટલાંક લોકો ડરાવે છે કે ૩ મહિના થયા છે. ૧૨ ટકા જીએસટી કાપડ પર ફરી લાગી જશે. વડાપ્રધાન દિલ્હી બેઠા હોય ત્યારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી.
ટેક્સટાઇલ માટે કેન્દ્રએ ફાળવેલા 12382 કરોડમાંથી 70 ટકા રકમ કોટન ઇન્ડસ્ટ્રીને અપાઇ
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણએ નાણાંકીય વર્ષ 2022-23 માટે ટેક્સટાઇલ સેક્ટર માટે અંદાજપત્રની ફાળવણીમાં 12,382.14 કરોડની જાહેરાત કરી છે. પણ તે પૈકી 8,439.88 કરોડ રૂપિયાની ફાળવણી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મારફત ફાળવણી કરી છે. એટલે કે ટેક્સટાઇલનું 70 ટકા બજેટ કોટન ઇન્ડસ્ટ્રીને ફાળવી દીધું છે. મેન મેઇડ ટેક્સટાઇલ, ટેકનિકલ ટેક્સટાઇલ માટે કોઈ મોટી રકમ ફાળવી નથી.
આ વર્ષે સરકારે પાવરલૂમ પ્રમોશન સ્કીમ માટે કોઈ ફંડ ફાળવ્યું નથી. ગયા વર્ષે તેના માટે 47.88 રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. ટેક્સટાઇલ ક્લસ્ટર ડેવલપમેન્ટ સ્કીમ માટે આશરે રૂ. 133.83 કરોડની ફાળવણી કરી છે. 2022-23 માટે 478.83 કરોડ રિસર્ચ માટે આપ્યાં છે.
પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમ અને PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ (PM MITRA) સ્કીમમાં પણ 2022-23 માટે પ્રત્યેક એકમ દીઠ 15 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.
કોટન બેઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટું ફંડ ફાળવવાથી ખેડૂતોને લાભ થશે : જયેશ દેલાડ
કોટન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રાજ્યના ડિરેક્ટર જયેશ એન.પટેલ (દેલાડ)એ જણાવ્યું હતું કે,સરકારે કેન્દ્રીય બજેટમાં કોટન બેઝ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટું ફંડ ફાળવવાથી ખેડૂતોને લાભ થશે.સરકારે 8,439 કરોડનું ફંડ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા હસ્તક ફાળવવાની જોગવાઈ કરી છે.દેશમાં આ વર્ષે 330 લાખ કપાસની ગાંસડીનું ઉત્પાદન થયું છે જેમાં 90 લાખ ગાસડીનું ગુજરાતના ખેડૂતોએ વેચાણ કર્યું છે.સરકારે કપાસના ટેકાના ભાવ 5500 રૂપિયા ક્વિન્ટલ જાહેર કર્યા છે.
ખેડૂતોએ 10,000 રૂપિયા કવીંટલના ભાવે બજારમાં વેચાણ કર્યું છે.ગુજરાતના કપાસ પકવતા 30 લાખથી વધુ ખેડૂતોને બજેટની જોગવાઈથી લાભ થશે. વર્ષ 2022-23 માટે, સરકારે આશરે રૂ. 9,243.09 “પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI) દ્વારા કપાસની ખરીદી માટે ફાળવ્યા છે જે ગયા વર્ષની સુધારેલી ફાળવણી કરતા લગભગ 9.5% વધારે છે. સરકારે વર્ષ 2022-23 માટે “રો મટિરિયલ સપ્લાય સ્કીમ” માટે રૂ. 105 કરોડની ફાળવણી પણ કરી છે.