SURAT

ગુજરાતીઓ ભાજપને સમર્થન કરે છે તેનું કારણ નરેન્દ્ર મોદી છે: સીઆર પાટીલ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપને મળેલી ભારે સફળતાંને પગલે આજે સુરતમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનું રેલવે સ્ટેશને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટ્રેનથી અમદાવાદથી સુરત આવેલા સીઆર પાટીલના સ્વાગતમાં સીઆર પાટીલની સાથે ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા વાહન રેલી પણ કાઢવામાં આવી હતી.

સુરત પહેલા સીઆર પાટીલનું બરોડા, નડિયાદ, ભરૂચ રેલ્વે સ્ટેશન ખાતે પણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સુરતમાં રેલવે સ્ટેશન ખાતે સ્વાગત બાદ સી.આર.પાટીલે સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવી વંદન કરી જન અભિવાદન રેલીમાં જોડાયા હતા. રેલી સ્ટેશનથી ચોકબજારમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાને તથા મકકાઈ પુલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને હાર પહેરાવી પુરી કરાઈ હતી.

બાદમાં મક્કાઈપુલ ખાતે જ સીઆર પાટીલના અભિવાદન માટે જાહેરસભા પણ યોજવામાં આવી હતી. જેમાં સીઆર પાટીલે ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિને પુણ્ય સલિલા તાપી મૈયાની સાક્ષીએ સુરત શહેરના ઉત્કૃષ્ટ સર્વાંગી વિકાસ માટેના સંકલ્પ લેવડાવ્યા હતા. આ ઉપરાંત ચૂંટાયેલા પ્રતિનિધિઓને પાર્ટીના સિનિયર આગેવાનોને મળીને તેમના આશીર્વાદ અને માર્ગદર્શન લેવાની શીખ આપી હતી.

સીઆર પાટીલે કાર્યકર્તાઓનું પૂરેપૂરૂં માન સન્માન જાળવવા, તેમનું ખાસ ધ્યાન રાખવા માટે પણ ટકોર કરી હતી. સીઆર પાટીલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના લોકો સૌથી વધુ ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે. તેનું કારણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે. તેમની વર્ષો સુધી ગુજરાતની માવજત અને તનતોડ મહેનત કરીને લોકોના દિલ જીતી લીધા છે તેનું જ આ પરિણામ છે. લોકો નરેન્દ્રભાઈને લીધે આપણી ભૂલોને પણ માફ કરીને આપણને સમર્થન કરે છે.

કેટલાક લોકો મફતની વાતો કરી જનતાને ગેરમાર્ગે દોરે છે : આપ સામે સીઆર પાટીલનો કટાક્ષ
અગાઉ અમદાવાદમાં આપને સોનાની થાળીમાં લોઠાની મેખ કહેનારા સી.આર.પાટીલે આજના અભિવાદન સમારોહમાં પણ આપ વિશે ટકોર કરી હતી કે કેટલાક લોકો ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા માટે મફતની લહાણી કરવા માટે નીકળી પડ્યાં હતાં. પરંતુ તેઓ ભૂલી જાય છે કે ગુજરાતની ખમીરવંતી જનતા ક્યારેય મફતમાં માનતી નથી. જો ગુજરાતની જનતા મફતનું ખાવામાં માનતી હોત તો સદાવ્રતની આ ભૂમિ પર આકરા તડકામાં મહેનત જ ન કરતી હોત. ગુજરાતની જનતા હંમેશા આપવા માટે હાથ લંબાવે છે નહીં કે લેવા માટે. આ સિવાય તેમણે આપનો ‘અધુરો ઘડો છલકાઈ ઘણો’ એમ કહીને કટાક્ષ પણ કર્યો હતો.

સીઆરની અભિવાદન રેલી માટે બે બ્રિજ બંધ કરી દેવાતાં હજારો લોકો અટવાયા
સીઆર પાટીલ માટે રેલી યોજનારા ભાજપ માટે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓએ બપોરે ચાર વાગ્યાથી જ સુરતમાં નહેરૂ બ્રિજ અને મક્કાઈપુલ બંધ કરી દેતાં આશરે એક લાખ લોકો અટવાઈ ગયાં હતાં. આ રેલી ટ્રાફિકના પીકસમયે યોજવામાં આવી હતી. પોલીસે પણ બંને બ્રિજ બંધ કરી દેતા રાંદેર-અડાજણ-પાલથી આવનારા લોકો અટવાઈ ગયાં હતાં. બંને બ્રિજ બંધ હોવાને કારણે લોકોએ મોટો ચકરાવો મારીને સરદાર બ્રિજ પરથી આવવું પડ્યું હતું અને ત્યાંથી પણ મક્કાઈપુલ સુધી આવી નહીં શકતાં ચોકબજાર સુધી પહોંચવા માટે મોટો રાઉન્ડ મારવો પડ્યો હતો. લોકો બે કલાક બાનમાં રહ્યાં તેવી સ્થિતિ થઈ ગઈ હતી. ટ્રાફિકના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એસી ઓફિસમાં બેસીને જ કરેલા આયોજનનો ભોગ લોકો બન્યાં હતાં.આટલું જ નહીં રેલીમાં સતાના મદમાં ભાન ભૂલેલા નેતાઓ તેમજ કાર્યકરો દ્વારા રેલીના રૂટ પર પણ પોલીસ અને લોકો સાથે માથાકૂટ કરવામાં આવી હતી. આખરે આ અંગે પો.કમિ. તોમરને જાણ કરવામાં આવતાં પો.કમિ.એ ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો. આ રીતે પો.કમિ.ને પણ બાજુ પર મુકીને બ્રિજ બંધ કરી દેતા અધિકારીઓ મામલે ખુદ પો.કમિ.એ પગલા લેવા જોઈએ.

ભાજપીનેતાઓએ કાયદાના લીરા ઉડાવી ફરી એક વખત સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્કના નિયમનો ઉલાળીયો કર્યો
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું હોવાં છતાં આજે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ માટેની અભિવાદન રેલીમાં પણ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા કોરોનાની ગાઈડલાઈનનો છેદ ઉડાડી દેવામાં આવ્યો હતો. અનેક આગેવાનો તેમજ કાર્યકરો દ્વારા માસ્ક પહેરવામાં આવ્યો નહોતો. સાથે સાથે કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવામાં આવ્યું નહોતું. આજની રેલીને પગલે સુરતમાં ફરી કોરોના વકરે તો નવાઈ નહીં હોય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top