SURAT

ચૈત્રી નવરાત્રિની આઠમે સુરતના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી

આજે શનિવારે ચૈત્ર નવરાત્રિની આઠમના શુભ દિવસે વહેલી સવારથી જ સુરત શહેરના મંદિરોમાં ભક્તોની ભીડ ભેગી થઈ હતી. માતાજીના દર્શન કરવા પડાપડી જોવા મળી હતી. માતાની મૂર્તિની એક ઝલક જોઈ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

ચૈત્ર મહિનાના પ્રારંભથી લઈને આજે નવરાત્રિની આઠમ છે. જેથી માતાજીના ઉપાસકો મોટી સંખ્યામાં દર્શને મંદિરમાં ઉમટી રહ્યાં છે. સુરતના અંબિકાનિકેતન મંદિરમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે. મંદિરમાં માતાજીનો અદભૂત શૃંગાર કરવામાં આવ્યો છે. જેના દર્શન કરીને ભાવિકો આજે ધન્યતાની લાગણી અનુભવી રહ્યાં છે. મંદિરમાં પણ ભાવિકોની સુવિધાને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યાં છે.

પાર્લે પોઈન્ટ ખાતે આવેલા અંબિકા-નિકેતન મંદિરમાં ચૈત્રી નવરાત્રિના પર્વ નિમિત્તે દર્શન માટે ભાવિકો વહેલી સવારથી ઉમટી રહ્યાં છે. મંદિરમાં હવન-યજ્ઞ સહિતના કાર્યક્રમની ઝાંખી જોવા મળી રહી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા કહેવાયું કે, નવ દિવસ સુધી બ્રહ્મમુહૂર્તથી લઈને દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. રેલિંગ પણ રખાઈ છે. તકલીફ ન પડે તે માટે પાણી અને સ્વયંસેવકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

ચૈત્ર નવરાત્રિની આઠમ અંગે મેનેજિંગ ટ્રસ્ટી ચંદ્રિકાબેને કહ્યું કે, દર્શન વહેલી સવારથી ભાવિકો કરી રહ્યાં છે. આ સમયમાં ઉપાસના કરવામાં આવે છે. આરોગ્ય- રિદ્ધિ-સિદ્ધિની કામના માતાજી પાસે કરવામાં આવે છે. મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. ત્યારે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવે છે. માતાજી તેમના ભાવિકોને સારા આશિર્વાદ આપીને કલ્યાણ કરે છે.

Most Popular

To Top