નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. જોકે, ચાલુ વર્ષે કોરોના સંક્રમણની ગંભીર પરિસ્થિતીને પગલે મંદિર પ્રશાસન દ્વારા ફાગણી પૂનમે મંદિર બંધ રાખવામાં આવ્યું હતું.
કોવિડનું કારણ આગળ ધરીને મંદિર બંધ રાખનાર સંચાલકો રવિવારે ઉમટી પડેલી દર્શનાર્થીઓની ભીડને કાબુમાં કરવામાં નિષ્ફળ ગયા હતા. જેને કારણે ડાકોર મંદિરમાં કોવિડના નિયમોના ધજાગરા થતાં જોવા મળ્યા હતા. સેનિટાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું ઉલ્લંઘન થયું હતું.
ડાકોરના શ્રી રણછોડરાયજીના મંદિરમાં રવિવારે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. ફાગણી પૂનમે મંદિર બંધ હોવાથી શ્રધ્ધાળુઓ દર્શનનો લાભ લઇ શક્યા ન હતા. જેને પગલે રવિવરે સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ડાકોર મંદિરમાં પહોંચતા, કોવિડના નિયમોના ધજાગરા થતાં જોવા મળ્યા હતા.
કોરોના સંક્રમણની અને કોવિડના નિયમોના પાલનની વાતો કરનાર મંદિર પ્રશાસન રવિવારે સ્થિતીને કાબુમાં લેવામાં નિષ્ફળ ગયું હતું. મંદિર પરિસરમાં અને મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડવાની સાથે સાથે માસ્ક વગર પણ લોકો ફરતાં જોવા મળ્યા હતા. વ્હાલા-દવલાંની નિતી અપનાવતા મંદિર પ્રશાસન સામે શ્રધ્ધાળુઓમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી.