વડોદરા: અતિ આધુનિક સુવિધાથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ગાંધીનગરથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપ્યા બાદ આ ટ્રેન વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેને જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જોકે ટૂંકું રોકાણ બાદ આ ટ્રેન સુરત જવા રવાના થઈ હતી. ગાંધીનગર ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અતિ આધુનિક સુવિધાથી સજ્જ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દાખવી પ્રસ્થાન કરાવી હતી. આ ટ્રેન ગાંધીનગરથી શનિવારથી નિયત સફર શરૂ કરશે.
ત્યારે શુક્રવારે આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ જતા બપોરે આશરે ત્રણ કલાકેની આસપાસ વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.વડોદરા રેલવે સ્ટેશન ખાતે લોકોની ભારે ભીડ જામી હતી અને અને કેટલાક તો ટ્રેન સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.વંદે ભારત ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન ખાતે એક મિનિટ માટે થોભી હતી અને બાદમાં સુરત જવા માટે રવાના થઈ હતી.આ ટ્રેનમાં અમદાવાદ થી વડોદરા આવેલા યાત્રી મિહિરભાઈએ જણાવ્યું હતું કે આ ટ્રેનમાં મેં મુસાફરી કરી છે અને અનુભવ ખૂબ જ સારો રહ્યો છે અને અંદરથી જે ટ્રેન બનાવવામાં આવી છે એ એકદમ આરામદાયક છે.
સુવિધા ખૂબ જ સારી રાખવામાં આવી છે.મહત્વની બાબત તો એ છે કે આ ટ્રેનમાં સમય ઓછો લાગે છે.જેથી કરીને લોકો એને પહેલા પસંદ કરશે.આ ટ્રેનમાં જે પણ કાંઈ સુવિધા કરવામાં આવી છે તે તમામ સુવિધા નવી છે અને ખુબ જ સરસ છે.નોંધનીય છે કે આરામદાયક અને ઉન્નત રેલ મુસાફરીના અનુભવના નવા યુગની શરૂઆત કરતા પશ્ચિમ રેલવેએ નવી વંદે ભારત એક્સપ્રેસ માટે લાલ- જાજમ પાથરી છે.વંદે ભારત એક્સપ્રેસનું આ નવું અને અપગ્રેડેડ વર્ઝન ગાંધીનગર કેપિટલ અને મુંબઈ વચ્ચે દોડશે.જે ગુજરાત અને મહારાષ્ટ્રની રાજધાનીઓને જોડશે.આરામદાયક અને ઉચ્ચતમ સુવિધા સાથે આ ટ્રેન મુસાફરો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ રહેશે.આધુનિક સેમી હાઈ સ્પીડ ટ્રેન ભારતીય રેલવે માટે ઉચ્ચતમ ડિઝાઇન આંતરિક અને ઝડપના માપદંડો પરની એક હરણફાળ છે.જે મુસાફરોને મુસાફરીનો સુખદ અનુભવ કરાવશે.ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસમાં આવી અસંખ્ય ઉચ્ચતમ સુવિધાઓ હશે.જે મુસાફરોને વિમાન જેવી મુસાફરીનો અનુભવ અને કવચ ટેકનોલોજી સાઈઝ સુરક્ષા સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.