SURAT

હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ માટે ઑક્સીજન લેવા સચિન GIDC માં ભીડ

surat : સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના ગામોમાં અનેક દર્દીઓ ઘરે રહી કોરોનાની સારવાર લઇ રહ્યા છે. કોરોના પોઝિટિવ ( corona positive) નો રિપોર્ટ આવ્યા પછી ઘણા દર્દીઓ ઘર બેઠા તબીબોના સહયોગથી સારવાર લઇ રહ્યા છે. આવા દર્દીઓનું ઓક્સિજન લેવલ ( oxyen level) ઓછુ થતા ઓક્સિજન મેળવવા માટે તેમના સગાઓ સુરતની જીઆઇડીસીમાં રઝળપાટ કરે છે, આવા દર્દીઓને મદદરૂપ થવા સચિન જીઆઇડીસી ( sachin gidc) ઇન્ડસ્ટ્રિઝ એસોસિયેશન દ્વારા 14 એપ્રિલથી વિનામુલ્યે ઓક્સિજન સિલિન્ડર વિતરણ કરવાની સેવા ચાલી રહી છે. માત્ર 9 દિવસમાં 400 જેટલા સિલિન્ડર ઉપડી જતા એસોસિયેશને આજે 45 લાખના ખર્ચે જીઆઇડીસીમાં જ ઉત્પાદિત થતા ઓક્સિજન સિલિન્ડરની 400 જેટલી બોટલો ખરીદી છે.

સચિન ઇન્ડસ્ટ્રિઝ એસો.ના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 9 દિવસ દરમિયાન છેક નવસારી, વાપી, વાંસદા, વ્યારા, ચીખલી, ખેરગામ, ઓલપાડ, દેલાડ, કીમ અને માંગરોળથી દર્દીઓ આવતા તેમની પાસે દર્દીનું આધારકાર્ડ,આરટીપીસીઆર રિપોર્ટ અને ડોક્ટરનો ભલામણ પત્ર લઇ ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. હોમ ક્વોરન્ટાઇન થયેલા દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરની ડિમાન્ડ રાત દિવસ રહેતા એસોસિએશને હવે 24 કલાક આ સેવા કાર્યરત રાખવા આયોજન કર્યુ છે. હવે આવા દર્દીઓને દિવસે કે રાતે જ્યારે સિલિન્ડરની જરૂરત પડશે તેમને જીઆઇડીસીથી આપવામાં આવશે. તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ( vijay rupani) દ્વારા રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સને ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવા માટે અપીલ કરી હતી. જોકે તે પહેલાથી સચિન જીઆઇડીસીએ ઓક્સિજન સિલિન્ડર વિતરણ કરવાનું શરૂ કરી દીધુ હતુ. ચેમ્બરે સરસાણા કોવિડ કેર સેન્ટર માટે 400 સિલિન્ડરની અલગથી વ્યવસ્થા કરી છે.



ચેમ્બર ઓફ કોમર્સ 100 સિલિન્ડરની ઓક્સિજન બેંક શરૂ કરશે

ચેમ્બર દ્વારા ૧૦૦ ઓક્સિજન સિલિન્ડરથી ઓક્સિજન બેંક શરૂ થવા માટે જઈ રહી છે. લોકફાળામાંથી શરૂ થનાર આ બેંક માટે એક ઓક્સિજન સિલિન્ડરની કિંમત રૂ.૧૫,૦૦૦ નિર્ધારિત કરવામાં આવી છે. આગામી સોમવારથી ચેમ્બર ઓક્સિજન બેંક શરૂ કરશે દાતાનું તથા સંસ્થાનું નામ ઓક્સિજન સિલિન્ડર પર પ્રિન્ટ કરવામાં આવશે અને ઉપયોગ પૂરો થયા બાદ આ ઓક્સિજનના બાટલા ધર્માર્થ અથવા ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને દાન કરી દેવામાં આવશે

Most Popular

To Top