દેશમાં નોકરી કરનાર વ્યક્તિ એવી આશા રાખે છે કે જ્યારે તે નિવૃત્ત થાય ત્યારે તેને મોટી રકમ મળે. જેના આધારે તે પોતાની બાકીની જિંદગી સારી રીતે વ્યતિત કરી શકે. જે તે નોકરીયાતની આ સ્થિતિ સમજીને સરકાર દ્વારા પ્રોવિડન્ટ ફંડની જોગવાઈ કરવામાં આવી છે. આ એવું ફંડ છે કે જેમાં જે તે કર્મચારીના પગારમાંથી નાણાં જમા થાય અને તેટલી જ રકમ જે તે સંસ્થા દ્વારા પણ આ ફંડમાં જમા કરવામાં આવે છે.
આ રકમ પર સરકાર દ્વારા નિયત વ્યાજ આપવામાં આવે છે. જે મોટાભાગે બેંકના વ્યાજદર કરતાં વધારે હોય છે. વધુ વ્યાજનો લાભ જે તે કર્મચારીને મળે છે. સરકાર દ્વારા તેને ઈપીએફ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઈપીએફમાંથી ચાલુ નોકરીએ પણ નાણાં ઉપાડી શકાતા હોવાથી કર્મચારી પોતાની અનેક જવાબદારીઓ પૂરી કરી શકે છે પરંતુ જો તેને નિવૃત્તિના અંતે એવું જાણવા મળે કે તેના ઈપીએફના ખાતામાં નાણાં જ નથી તો તેની હાલત શું થાય. તાજેતરમાં આવી ઘટના બહાર આવી હતી કે જેમાં કર્મચારીઓના ખાતામાં ખોટા આધાર કાર્ડના નંબરો લિંક કરાવીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા.
ઉપાડી લેવામાં આવેલા નાણાંની રકમ કરોડોમાં હતી અને તેને કારણે સરકાર અને જે તે વિભાગની બેદરકારી છતી થઈ જવા પામી હતી. આ કૌભાંડ બહાર આવતા જ સીબીઆઈ દ્વારા તાકીદના ધોરણે 8 રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યા છે અને કૌભાંડીઓને પકડી લેવા માટે તજવીજ પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને કારણે ઈપીએફમાં ખાતા ધરાવનારા આશરે 1.10 કરોડ ખાતાધારકો ચિંતામાં મુકાઈ ગયા છે.
એવું માનવામાં આવે છે કે હાલમાં દેશભરમાં ઈપીએફના આશરે 1.10 કરોડ જેટલા ખાતાઓ છે. આ ખાતાઓમાં આશરે 1 લાખ કરોડની રકમ જમા છે. જે ખાતાઓને કૌભાંડીઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા તે એવા ખાતાઓ હતા કે જેમાં મોબાઈલ નંબર કે આધાર કાર્ડ લિંક કરવામાં આવ્યો નહોતો. કૌભાંડીઓ દ્વારા આનો જ ગેરલાભ લેવામાં આવ્યો. કૌભાંડીઓએ પહેલા ઈપીએફનો ડેટા હેક કરીને આવા ખાતાઓની માહિતી મેળવી લીધી. ત્યારબાદ આ લોકોના નામ અને જન્મતારીખ સાથે નકલી દસ્તાવેજોના આધારે પોતાનો આધાર નંબર અપડેટ કરાવી દીધો અને બાદમાં આજ નામથી બેંકોમાં ખાતા ખોલાવીને તેને ઈપીએફના ખાતાઓ સાથે લિંક કરી લીધા. ત્યારબાદ ઓનલાઈન અરજી કરીને આવા ખાતાઓમાંથી કરોડો રૂપિયા કાઢી લીધા.
જ્યારે એક કર્મચારી નિવૃત્ત થયા પછી પોતાના ઈપીએફના ખાતામાંથી નાણાં કઢાવવા માટે ગયા ત્યારે ખબર પડી કે તેમાં નાણાં હતા જ નથી. તપાસ કરી તો ખબર પડી કે પૈસા તેમના દ્વારા જ તેમના બેંક ખાતામાં ગયા છે. જ્યારે વધુ તપાસ કરી તો ખબર પડી કે ખાતાની માહિતી તેમની જ છે પરંતુ તેમાં બેંક ખાતું અને યુએએન અને આધાર કાર્ડના નંબર તેમના નથી. આખરે આખો મામલો સીબીઆઈ પાસે ગયો અને તપાસ શરૂ કરવામાં આવી.
મોટાભાગે દિલ્હી, પંજાબ, હિમાચલ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ચંડીગઢ અને ઝારખંડમાં આવેલા ઈપીએફના ખાતાઓમાંથી રકમ કાઢી લેવામાં આવી હતી. જેને પગલે સીબીઆઈએ આ રાજ્યોમાં દરોડા પાડીને એક કૌભાંડીને પકડી પણ લીધો છે પરંતુ આ કૌભાંડ દ્વારા ઈપીએફમાં ખાતા ધરાવનારા કરોડો કર્મચારીઓએ હવે સતર્ક રહેવું પડે તેમ છે. કર્મચારીઓએ અત્યાર સુધી પોતાના ઈપીએફના ખાતાને રેઢું મુકી રાખતા હતા પરંતુ હવે તેવું ચાલી શકે તેમ નથી.
માત્ર ઈપીએફ જ નહીં પરંતુ જે પણ ખાતાઓ કે જેમાં આધારકાર્ડ કે મોબાઈલ ફોન લિંક કરવાની જરૂરીયાત હોય તેમાં લિંક કરાવી લેવા પડે તેમ છે. આગામી દિવસોમાં આ કૌભાંડીઓની આખી ગેંગ પકડાશે અને કર્મચારીઓને રકમ પણ મળશે પરંતુ આનાથી સરકારની નિષ્ફળતા છતી થઈ જવા પામી છે. સરકારે આની તલસ્પર્શી તપાસ કરવી જરૂરી છે અન્યથા અન્ય બેંક ખાતાઓમાંથી પણ આવી જ રીતે મોડસ ઓપરેન્ડી રાખીને કૌભાંડીઓ તેમાંથી પણ નાણાં ઉઠાવી જશે તે નક્કી છે.