વડોદરા : ચોમાસુ શરૂ થતાની સાથે જ વડોદરાની માનવ વસ્તી માં મગર દેખાવાનુ શરુ થઈ ગયુ છે. એમ. એસ. યુનિવર્સિટીના બોટનિકલ ગાર્ડનમાં શનિવારની રાત્રે મગર ઘૂસી જતા દોડધામ મચી. ગઈ હતી યુનિવર્સિટીના બે બોટનિકલ ગાર્ડન પૈકી એક આર્ટસ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટી વચ્ચે આવેલો છે. જ્યારે અન્ય એક ગાર્ડન યુનિવર્સિટી હેડ ઓફિસની પાછળ આવેલો છે.ગાર્ડનની હદ જ્યાં પુરી થાય છે તેને અડીને ભૂખી કાંસ પસાર થાય છે. આ ભૂખી કાંસ પાસે હાલમાં બુલેટ ટ્રેનના ટ્રેકનુ કામ ચાલી રહ્યુ છે. આ બોટનિકલ ગાર્ડનની હદ જ્યાં પુરી થાય છે ત્યાં ઝાડી ઝાંખરાની બાયોવોલ હતી.યુનિવર્સિટીના સૂત્રોનુ કહેવુ છે કે, અત્યારે અહીંયા અનેક જગ્યાએ ગાબડા પડી ગયા હોવાથી શક્ય છે કે, સાંજે મગર ગાર્ડનમાં પ્રવેશી ગયો હોય.
મગર પ્રવેશ્યો હોવાની જાણકારી બાદ રેસ્ક્યુ ટીમને યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી તેમજ બોટની વિભાગના સત્તાધીશોએ જાણ કરી હતી.રેસ્ક્યુ ટીમ આવ્યા બાદ ખબર પડી હતી કે, આ મગર બોટનિકલ ગાર્ડનમાં બનાવાયેલા નાનકડા તળાવમાં છે.એ પછી તળાવનુ પાણી મોટર મુકીને ખાલી કરવામાં આવ્યુ હતુ અને મગરને બહાર કાઢવામાં આવ્યો હતો. મગર ચાર થી પાંચ ફૂટ લાંબો હતો. આ કામગીરી પૂરી થતા મધરાત થઈ ગઈ હતી. જોકે બોટનિકલ ગાર્ડનમાં મગર આવી ચઢ્યાની આ પહેલી ઘટના છે અને તેના કારણે સત્તાધીશો ચિંતામાં છે. બોટનિકલ ગાર્ડનને અડીને બોયઝ હોસ્ટેલ કેમ્પસ પણ આવેલુ છે.આમ હોસ્ટેલ કેમ્પસમાં પણ મગર પ્રવેશવાનો ખતરો ઉભો થયો છે.આ ઘટના બાદ બોટનિકલ ગાર્ડનની ભૂખી કાંસને અડીને આવેલી બોર્ડર પર ફેન્સિંગ કરવાની જરુરિયાત છે.