Charchapatra

આલોચના

આલોચનાનો સાદો અર્થ અવલોકન, નિરીક્ષણ અને વિવેચન, સમીક્ષા. આલોચનામાં હકારાત્મકતા હોય તો સુંદર પરિણામો મળી શકે. નકારાત્મક હોય તો ધારેલ પરિણામ ન મળે એમ પણ બને. આલોચના પોતાની સાથે અથવા બીજાની કરી શકાય છે. સામાન્ય અને વ્યવહારમાં કોઈનાં વખાણ કરીએ તેને પ્રશંસા કહેવામાં આવે છે. જે તે વ્યક્તિનું મહિમાગાન, અનુમોદન થયું ગણાય. (જૈન ધર્મમાં આલોચના (પ્રાકૃત શબ્દ આલોયણ)માં વ્યક્તિએ પોતાના સ્થૂળ કે સૂક્ષ્મ દોષોનું જાતે ઝીણવટભર્યું અવલોકન કરવું અને ગુરુ મહારાજ સમક્ષ સ્વીકાર કરવાનો ઉલ્લેખ છે.

અહીં દોષોની કબૂલાત કરીને પ્રાયશ્ચિત કરવાની વાત છે.) શુદ્ધ આલોચના કરવાથી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે તેની વાત કરવી છે. દરેક સફળ વ્યક્તિના કોઈ ને કોઈ પ્રેરણાસ્રોત હોય છે અથવા કોઈ વખાણ કરનાર હોય, જેને કારણે પ્રોત્સાહિત થઈ વ્યક્તિ જીવનમાં આગળ વધી હોય. એમાં મા-બાપ, શિક્ષકો, ભાઈ-બહેન, સગાં-સંબંધીઓ, વડીલો હોઈ શકે. મિત્રોનો પણ સમાવેશ થાય. બાળકોને પ્રોત્સાહિત કરી તેઓ આગળ વધે તે માટે સારી આલોચના કરવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિમાં તે આગળ વધે તે માટે રાહબર બનીએ.

તેઓની ખામીને ખૂબીઓમાં બદલી શકાય છે. ભવિષ્યમાં સારા નાગરિક બની શકે છે. અલબત્ત, પ્રેમથી,વ્હાલથી સમજ આપીએ અને તેમના જીવનઘડતરમાં માર્ગદર્શક બનવા સદા તત્પર રહીએ એ આવકાર્ય છે. હા, અન્ય બાળકો સાથે ખોટી સરખામણીમાં સમયનો બગાડ પણ એક પ્રકારનો અન્યાય છે. સંતાન યોગ્ય અનુકરણ કરે તેવી વર્તણૂક રાખી સાચા રાહબર બનીએ.મને એવું લાગે છે કે, સહિત્યજગતમાં પણ નવોદિત માટે સુંદર સમીક્ષા કરીને, માર્ગદર્શક બનીએ તો અતિ ઉત્તમ.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top