પલસાણા(Palsana): પલસાણા તાલુકાના સાંકી ગમે એક સોસાયટીમાં (Society) રહેતી 62 વર્ષીય વૃદ્ધ મહિલાની હત્યા (Murder) કરાયેલી લાશ (Dead Body) મળી આવી છે. એટલું જ નહીં મહિલાના શરીર ઉપર જ્વલનશીલ પદાર્થ નાખી સળગાવવાની કોશિશ કરી છે. જો કે, કયાં કારણોસર અજાણ્યા વ્યક્તિઓએ મહિલાની હત્યા કરી એ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાની જાણ થતાં જ એફ.એસ.એલ, ડોગ સ્ક્વોડ તેમજ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી સુરત જિલ્લામાં એક પછી એક હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. તે જોતાં લાગી રહ્યું છે કે જિલ્લામાં ગુનેગારોને હવે પોલીસનો ખૌફ જ ન રહ્યો હોય તેમ બિનધાસ્ત હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. થોડા દિવસ અગાઉ જ પલસાણાના વરેલીમાં વિધવા મહિલાની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ ઓલપાડ તાલુકાના કીમ ગામે પરિણીતાની હત્યા કરવામાં આવી હતી. તે વાતને હજુ માંડ માંડ એક સપ્તાહ થયું નથી, ત્યાં તો ગતરોજ પલસાણાના સાંકી ગામે આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી જઈ કોઈ અજાણ્યાએ વૃદ્ધ મહિલાની હત્યા કરી નાંખ્યા બાદ તેને સળગાવવાની કોશિશ કરી હતી.
વાત એવી છે કે, સાંકી ગામે આવેલી આનંદી માં રેસિડન્સીમાં રહેતા આશિષ રામલાલ શર્મા કે જેઓ નોકરી કરી ગુજરાન ચલાવે છે. તેઓ તેમની માતા, મોટાભાઇ અને ભત્રીજી સાથે રહે છે. ગતરોજ બંને ભાઈઓ નિત્યક્રમ મુજબ સવારે 11 વાગ્યાની આસપાસ નોકરીએ ગયા હતા. જ્યારે તેમની ભત્રીજી સ્કૂલે ગઈ હતી. ત્યારે તેમની માતા કમલાદેવી રામલાલ મૂલચંદ શર્મા ઘરે હાજર હતાં. તે સમયે સવારે 11થી 3 વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યો શખ્સ ઘરમાં આવ્યો હતો અને કમલાદેવીને માથાના ભાગે કોઈ હથિયાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ કોઈ અજાણ્યો હત્યારો કમલાદેવીના શરીર ઉપર જ્વલંતશીલ પદાર્થ નાથી સળગાવી ભાગી ભાગી છૂટ્યો હતો. ત્યારબાદ કમલાદેવીની પૌત્રી સ્કૂલેથી ઘરે આવતાં ઘરનો દરવાજો બંધ હોવાથી તે ઘરના પાછળના જઈ તપાસ કરતાં ઘરમાંથી ધુમાડો નીકળતો હતો. જેથી તેણે સોસાયટીના રહીશોને બોલાવ્યા હતા. ત્યારબાદ કમલાદેવીના બંને પુત્રો પણ નોકરીએથી ઘરે આવ્યા હતા અને જોયું તો કોઈ અજાણ્યા વ્યક્તિઓએ કમલાદેવીની હત્યા કરી સળગાવી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ પલસાણા પોલીસની ટીમ, એફ.એસ.એલ. તેમજ ડોગ સ્ક્વોડની ટીમ પણ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતક મહિલાનો મૃતદેહ લઈ તેનું સુરત ખાતે પેનલ પી.એમ. કરાવવાની તજવીજ હાથ ધરી છે. પીએમ રિપોર્ટ બાદ જ વધુ વિગતો સામે આવશે. હાલ પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.