રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્રના રાજકારણમાં જાણીતા બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા બાબા સિદ્દીકી ૨૦૦૪ થી ૨૦૦૮ સુધી મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી હતા. બાબા સિદ્દીકી એટલા માટે પણ જાણીતા હતા કારણ કે તેમણે શાહરૂખ અને સલમાન ખાન વચ્ચે સમાધાન કરાવ્યું હતું.
મુંબઈ પોલીસે પુષ્ટિ કરી છે કે સિદ્દીકીની હત્યામાં જે ત્રણ શૂટર્સ સામેલ હતા, તેમનો સંબંધ લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ સાથે હતો. મુંબઈમાં દાઉદ ઇબ્રાહિમ, છોટા રાજન અને અરુણ ગવલી જેવી ગેન્ગો પોલીસે ખતમ કરી તે પછી તેમના શૂન્યાવકાશમાં લોરેન્સ બિશ્નોઇની ગેન્ગ ગોઠવાઈ ગઈ છે. રવિવારે જ્યારે પત્રકારોએ મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દત્તા નલાવડેને બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેન્ગની સંડોવણી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તમામ એંગલથી તપાસ કરવામાં આવશે.
લોરેન્સ વિરુદ્ધ લગભગ ૫૦ ફોજદારી કેસો નોંધાયેલા છે. પોલીસનું કહેવું છે કે મોટા ભાગની ઘટનાઓને લોરેન્સ બિશ્નોઈ જેલની અંદરથી જ અંજામ આપે છે. તેના પર જાણીતા પંજાબી ગાયક સિદ્ધુ મુસાવાલાની હત્યાનું કાવતરું ઘડવાનો પણ આરોપ છે. લોરેન્સ બિશ્નોઈએ જેલમાંથી એક ખાનગી ટી.વી. ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘‘જ્યારે હું પહેલી વાર જેલમાં ગયો ત્યારે હું એક વિદ્યાર્થી હતો. પછીથી હું જેલની અંદર ગેન્ગસ્ટર બની ગયો હતો. ’’
ટેલિવિઝન ચેનલે દાવો કર્યો હતો કે આ ઈન્ટરવ્યુ લોરેન્સ બિશ્નોઈએ જેલની અંદરથી આપ્યો હતો, પરંતુ પંજાબ પોલીસે દાવો કર્યો હતો કે ન તો આ ઈન્ટરવ્યુ ભટિંડા જેલનો હતો અને ન તો તેને પંજાબની અન્ય કોઈ જેલમાંથી શૂટ કરવામાં આવ્યો હતો. ૩૩ વર્ષીય લોરેન્સ બિશ્નોઈ પર હત્યા, ચોરી, લૂંટ ઉપરાંત એક વ્યક્તિ પર ઈરાદાપૂર્વક હુમલો કરવાના અનેક આરોપો છે. આ કેસો પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં નોંધાયેલા છે.રાજસ્થાન પોલીસે એમ પણ કહ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈનો આ ઈન્ટરવ્યુ રાજસ્થાન રાજ્યની કોઈ પણ જેલમાંથી લેવામાં આવ્યો નથી.
પંજાબના ફાઝિલ્કાના ધત્રાંવાલી ગામમાં જન્મેલા બિશ્નોઈ પરિવારના લોરેન્સનું નામ પણ અચરજનો વિષય છે. પોલીસ રેકોર્ડ મુજબ લોરેન્સ બિશ્નોઈનું સાચું નામ સતવિંદરસિંહ છે. તેના પરિવારે તેને સ્નેહથી લોરેન્સ કહેવાનું શરૂ કર્યું, જે પાછળથી તેના વાસ્તવિક નામ કરતાં વધુ પ્રખ્યાત બન્યું. લોરેન્સ બિશ્નોઈના પિતા લવેન્દ્રસિંહ હરિયાણા પોલીસમાં કોન્સ્ટેબલ હતા. તેમણે ૧૯૯૨માં નોકરી શરૂ કરી હતી પરંતુ પાંચ વર્ષ પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને ખેતી શરૂ કરી હતી. લોરેન્સે પંજાબના અબોહરથી ૧૨મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો અને તે વધુ અભ્યાસ માટે ૨૦૧૦માં ચંદીગઢ પહોંચ્યો હતો. વર્ષ ૨૦૧૧માં તેણે ચંદીગઢની ડીએવી કોલેજમાં એડમિશન લીધું.
અહીંથી તેણે વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો. અહીં જ તેની મિત્રતા ગોલ્ડી બ્રાર સાથે થઈ. કહેવાય છે કે આ એ જ ગોલ્ડી બ્રાર છે, જે વિદેશથી લોરેન્સ બિશ્નોઈ ગેન્ગ માટે કામ કરે છે અને આ ગેન્ગને મેનેજ કરી રહ્યો છે. લોરેન્સે પોતે વર્ષ ૨૦૧૧-૧૨માં પંજાબ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઈઝેશનની રચના કરી. લોરેન્સ બિશ્નોઈ સમુદાયનો છે જે પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ઘણા ભાગોમાં સ્થાયી છે. વિદ્યાર્થીકાળ દરમિયાન શાળા અને કોલેજમાં તેની સાથે રહેલા અન્ય વિદ્યાર્થીઓ કહે છે કે તે પંજાબી, બાગરી અને હરિયાણવી ભાષાઓ જાણે છે.
લોરેન્સ બિશ્નોઈ સામે તેના વિદ્યાર્થીજીવનના અંતમાં નોંધાયેલ પ્રથમ કેસ હત્યાના પ્રયાસમાં સંડોવણી બદલ હતો. વિદ્યાર્થી રાજકારણમાં હારનો સામનો કર્યા બાદ નારાજ થયેલા લોરેન્સના સાથી વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી નેતા પર ગોળીબાર કર્યો હતો. તે ઘટના પછી નોંધાયેલા કેસમાં પોલીસ એફઆઈઆરમાં પ્રથમ વખત લોરેન્સના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈની ૨૦૧૪માં રાજસ્થાનમાં પહેલી વાર ધરપકડ કરવામાં આવી હતી અને તેને ભરતપુર જેલમાં મોકલવામાં આવ્યો હતો. જ્યારે તેને ભરતપુરથી મોહાલી લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે તે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો. વર્ષ ૨૦૧૬માં તેની ફરી ધરપકડ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૨૧ માં તેને MCOCA (મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ) ના કેસમાં સુરક્ષાનાં કારણોસર તિહાર જેલમાં લાવવામાં આવ્યો હતો. તિહાર લાવવામાં આવતાં પહેલાં તેને પંજાબની ભટિંડા જેલમાં રાખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૨માં પંજાબ પોલીસે સિદ્ધુ મુસાવાલા હત્યા કેસમાં તેની જેલમાંથી જ ધરપકડ કરી હતી. પંજાબ પોલીસનું કહેવું છે કે લોરેન્સ એ કેટેગરીનો ગેન્ગસ્ટર છે. સિદ્ધુ મુસાવાલાની હત્યાના થોડા દિવસો બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીના મામલામાં બિશ્નોઈનું નામ ખૂલતાં તે બોલિવૂડમાં પણ જાણીતો થઈ ગયો હતો.
ગુજરાતમાં તાજેતરનાં વર્ષોમાં ડ્રગ્સની હેરાફેરી વધી ગઈ છે. તેની પાછળ પણ બિશ્નોઈ ગેન્ગનો હાથ હોવાનું મનાય છે. વર્ષ ૨૦૨૨માં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડે લોરેન્સ બિશ્નોઈનું નામ ડ્રગ સ્મગલિંગ કેસમાં જાહેર કર્યું હતું. આ મામલો કચ્છમાં પાકિસ્તાની જહાજમાંથી ડ્રગ્સના મોટા કન્સાઈનમેન્ટ જપ્ત કરવા સાથે સંબંધિત હતો. પોલીસને શંકા હતી કે તે માલ મંગાવવામાં લોરેન્સનો હાથ હતો. ત્યાર બાદ ગુજરાત પોલીસ લોરેન્સને દિલ્હી જેલમાંથી બહાર કાઢીને ૨૩ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ગુજરાતની સાબરમતી જેલમાં લઈ ગઈ હતી. ત્યારથી તે આ સાબરમતી જેલમાં બંધ છે.
૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લોરેન્સ બિશ્નોઈ પર CrPCની કલમ ૨૬૮ (૧) પણ લગાવી હતી, જેથી કોઈ પણ સંજોગોમાં તેને એક વર્ષ માટે સાબરમતી જેલમાંથી બહાર ન લાવી શકાય. આ જ કારણ છે કે અલગ અલગ કોર્ટમાં પેન્ડિંગ કેસોમાં તેની હાજરી હવે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઈ રહી છે. પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં તેની વિરૂદ્ધ ડઝનબંધ કેસ નોંધાયેલા છે, પરંતુ લોરેન્સ ચાર કેસમાં દોષી સાબિત થયો છે. હાલમાં લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ ૨૨ કેસ પેન્ડિંગ છે અને તેની વિરુદ્ધ ૭ કેસમાં તપાસ ચાલી રહી છે.
કહેવાય છે કે બિશ્નોઈની ગેન્ગમાં લગભગ ૭૦૦ સભ્યો છે. મોટા ભાગના યુવાનો બેકારીથી કંટાળીને બિશ્નોઈની ગેન્ગમાં જોડાયા છે. આ ગેન્ગ આજે કેનેડાથી ચલાવવામાં આવે છે અને તેના લીડરનું નામ ગોલ્ડી બ્રાર છે. પોલીસ સિદ્ધુ મુસાવાલા હત્યાના મુખ્ય કાવતરાખોર સાથે અન્ય ઘણા કેસમાં ગોલ્ડી બ્રારને શોધી રહી છે. કહેવાય છે કે લોરેન્સ બિશ્નોઈની આ ગેન્ગમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના લોકો સામેલ છે. આ ગેન્ગ ત્રણ રાજ્યોમાં સક્રિય છે. એક ટેલિવિઝન ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લોરેન્સ બિશ્નોઈ પોતાની ગેન્ગ વિશે કહે છે કે આ કોઈ ગેન્ગ નથી. આ એક સમાન પીડા ધરાવતાં લોકોનું જૂથ છે. ભૂતકાળમાં સૌરાષ્ટ્રમાં બહારવટિયા રાજામહારાજા સામે રણે ચડતા હતા તેમ બિશ્નોઈ ગેન્ગના સભ્યો વર્તમાન વ્યવસ્થા સામે જંગે ચડ્યા છે.
સામાન્ય રીતે ગુનેગાર ગુનો કર્યા પછી પોલીસ અને કાયદાથી છૂપાઈ જાય છે. લોરેન્સ બિશ્નોઈ અને તેની ગેન્ગ એવી છે કે કોઈ પણ મોટી ઘટના પછી તેની જવાબદારી તે પોતે જ લે છે. દેશનાં અલગ અલગ રાજ્યોમાં લોરેન્સ બિશ્નોઈના સનસનાટીભર્યા અપરાધોની વાત કરીએ તો પંજાબી ગાયક સિદ્ધુ મુસાવાલાની હત્યા કેસ અને ત્યાર બાદ ગયા વર્ષે જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવસિંહ ગોગામેડીની હત્યાનો મામલો ચર્ચામાં રહ્યો છે. અન્ડરવર્લ્ડમાં પણ દાઉદ કે છોટા રાજન જેવી ગેન્ગોની તાકાત વધવાનું કારણ એ હતું કે આર્થિક ઝઘડાના મામલામાં કોર્ટમાં વર્ષોનાં વર્ષો સુધી ચુકાદા નથી આવતા, પણ માફિયાઓ તેનો ઉકેલ ચપટી વગાડતાં લાવી દે છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.