સુરત: શહેરના પ્રખ્યાત બિલ્ડર ગ્રુપ મુકેશ પટેલ (Builder) પાસેથી 12 કરોડની ખંડણી કેસમાં ક્રાઈમ બ્રાંચે દમણથી (Daman) ત્રણ આરોપીઓની ધરપકડ (Arrest) કરી હતી. ત્રણેય આરોપીઓ બનાવના દિવસે જ દમણ ભાગી ગયા હતા.
- સાજીદ સહિતના ત્રણેય આરોપીઓ ખંડણી માંગી સીધા દમણ ભાગી ગયા હતા
- સાજીદે દલાલી કરેલા સેવન સીઝ નામના રેસીડેન્ટ ફ્લેટમાં જઈને ત્રણેય છુપાયા હતા
આ કેસમાં ક્રાઈમ બ્રાંચની ટીમને ત્રણ આરોપી દમણમાં છુપાયા હોવાની બાતમી મળી હતી. દમણ જજીરા હોટલ સામે આવેલા સેવન સીઝ નામના રેસિડેન્ટ ફ્લેટના ફ્લેટ નંબર બી / 106માંથી આરોપી સાજીદ નસીમખાન પઠાણ (ઉ.વ.47, રહે ૧૦૩ / રત્નચિંતામણી એપાર્ટમેન્ટ આઇ.પી.મિશન સ્કૂલની બાજુમાં, મુગલીસરા રોડ, ચોકબજાર), રવિ શીશુપાલ ગૌર (જાતે રાજપુત) (ઉ.વ.33, રહે. ૬ / ૬૩૬૪, દિલ્હીગેટ વૈરાગીની વાડી, સુરત તથા મુળ કાનપુર, ઉત્તરપ્રદેશ) તથા અવિનાશ ઉર્ફે લાલુ શ્રવણકુમાર નાયક (ઉ.વ.30, રહે ઘર નં. ૯/૧૮૪૫ જે.પી.જ્યુશની ગલીમાં લીમડા ચોક ઘંટી શેરી ડબગરવાળની સામે ભાગળ મેઇનરોડ સુરત તથા એક્તા એપાર્ટમેન્ટ ઘાસવાલાનો ટેકરો પુતળી સકર્લ પાસે નવસારી બજાર) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓની પુછપરછ દરમ્યાન તેઓ ત્રણેય જણા જમીન દલાલીના ધંધા સાથે સંકળાયેલા હોવાનું જણાવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે ત્રણેયની ધરપકડ કરી ઉમરા પોલીસને સોંપ્યા હતા.
સાજીદ ચોક બજારમાં હત્યાના ગુનામાં ઝડપાયો હતો
સાજીદ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખુનના ગુનામાં તથા અડાજણ પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં ભયજનક રીતે વાહન હાંકવાના ગુનામાં પકડાયો છે. જ્યારે રવિ ગૌર વર્ષ 2015 માં ગેસ બાટલામાંથી ગેસ ચોરી કરવાના ગુનામા વરાછા પોલીસ સ્ટેશનમાં ઝડપાયો હતો.
આ અગાઉ શહેરના જાણીતા બિલ્ડર (Builder) ગ્રુપ હેપ્પી હોમના ભાગીદાર મુકેશ પટેલની તેમની જ ઓફિસમાં ગત રવિવારે માથાભારે જમીન દલાલ તરીકે જાણીતા મુકેશ સવાણીએ પોતાના સાગરીત સાજીદ સાથે ધસી આવીને અન્ય પાર્ટી સાથે થયેલા આરજો-મારજોના વ્યવહારમાં 12 કરોડ રૂપિયાની ખંડણી (Ransom) માંગતા આ મામલે મુકેશ પટેલે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા બિલ્ડર આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં મુકેશ સવાણીએ કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર કરાઇ હતી.