જાણીતી સુરભિ ડેરીના માલિકો દ્વારા દૂધમાં એસિડ અને અન્ય કેમિકલો ભેળવી નકલી પનીર બનાવી વેચી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાના કૌભાંડનો પર્દાફાશ થયા બાદ હવે રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના સેમ્પલ ફેઈલ થતા આખરે એસઓજી પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક શૈલેષ છગનભાઈ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ સાથે જ શૈલેષ પટેલની ધરપકડ કરાઈ છે. પોલીસે સુરભિ ડેરીમાંથી 754 કિલો પનીર જપ્ત કર્યું છે. આ પનીર હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાતું હતું.
ગઈ તા. 11 નવેમ્બર 2025ના રોજ એસઓજીએ સુરભિ ડેરીમાંથી નકલી પનીર પકડી પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. એસઓજીએ સુરભિ ડેરીના બે મેન્યુફેક્ચરીંગ યુનિટ પર રેઈડ કરતા ત્યાં નકલી પનીરનું ઉત્પાદન થતું હોવાનું ખુલ્યું હતું. એસઓજીએ 955 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો જપ્ત કર્યો હતો.
દરમિયાન ડેરીના માલિકે પ્રાથમિક પૂછપરછમાં જ પોતે રોજ 200 કિલો નકલી પનીર વેચતો હોવાની બેશરમ કબૂલાત કરી દીધી હતી. આ નકલી પનીર અડધાથી ઓછી કિંમતે લગભગ 250થી 270 પ્રતિ કિલોના ભાવે તેઓ વેચતા હતા. આ નકલી પનીર ગ્લેશિયલ એસેટિક એસિડના ઉપયોગથી બનાવાતું હતું. એસિડથી દૂધ ફાડી ઝડપથી પનીર બનાવાતું હતું.