Charchapatra

ક્રિકેટની પહેલી ટેસ્ટ મેચ

જ્યારે ફક્ત ટેસ્ટ મૅચો જ રમાતી હતી ત્યારે જે સૌ પ્રથમ ટેસ્ટ મેચ રમાઈ હતી તે અંગે અહીં વાત કરવી છે. ૧૪૮ વર્ષ પહેલા ૧૫ માર્ચ ૧૮૭૭ને દિવસે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેંડ વચ્ચે જે મેચ રમાઈ હતી તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મંડળે સત્તાવાર ટેસ્ટ મેચ જાહેર કરી છે. તે મેચમાં બંનેમાંથી એક પણ ટીમ પૂરેપૂરી ન હતી. આ મેચમાં ઇંગ્લેન્ડનાં દિગ્ગજ ખેલાડી ગ્રેસ નહોતા. એ તો ઠીક નિયમિત વિકેટકીપર ટેડ પુલી પણ નહોતા કારણ કે ન્યૂઝીલેન્ડમાં જુગાર રમવાના એક કૌભાંડમાં તેઓ ન્યૂઝીલેન્ડની જેલમાં હતા. બેનમેને ક્રિકેટ જગતની પહેલી સદી ફટકારી હતી. ટચલી આંગળી પર ઈજા થતાં મેદાન છોડતા પહેલા ૧૬૫ રન ફટકારી ચૂક્યા હતા.

ઓસ્ટ્રેલિયાના કુલ રનમાંથી ૬૭.૩ ટકા રન તેમના હતા જે આજે પણ એક વિક્રમ છે. એ મેચ ઓસ્ટ્રેલિયા ૪૫ રને જીત્યું હતું. વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા અહેવાલ પ્રમાણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એવી જાહેરાત કરી છે કે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે માર્ચ ૨૦૨૭માં ટેસ્ટ ક્રિકેટને 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે એક ટેસ્ટ રમાશે જે ડે-નાઇટ રહેશે અને ગુલાબી બોલથી 11 થી 15 માર્ચ દરમ્યાન રમાશે. જે ૧૮૭૭માં આ જ મેદાન પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચના 150 વર્ષ પૂર્ણ થયાનું પ્રતિક રહેશે.
સુરત     – સુરેન્દ્ર દલાલ    – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

નવરાશની પળ
માનવજીવનમાં નવરાશની પળો હોવી જોઈએ. કંઈ કેટલાયે લોકો કહે, અરે ભાઈ મરવાની પણ ફુરસદ નથી. કામકાજ ન હોય એવો વખત, કંઈ કામ કરવાનું ન હોય અથવા કામ બંધ કરવું હોય અથવા કામ બંધ રાખ્યું હોય તે વખતને નવરાશ કહે છે. નવરાશ એ કામનો અભાવ જણાવે છે. ફુરસદ કામનો અભાવ જણાવતી નથી. ફુરસદ વાળાને કામકાજ છે જ પણ નવરાશવાળાને કામ બિલકુલ નથી. ફુરસદ એટલે અવકાશ, નવરાપણું. કોઈ વ્યક્તિ નવરો બેઠો છે એમ કહેવામાં આવે. ટૂંકમાં નવરું એટલે આળસુ, બેકાર, કામકાજ વિનાનું કહેવાય.

આજકાલની સંપત્તિની દોડમાં શાંતિનો સંપૂર્ણ અભાવ જણાય છે. અધધ નાણાંની કમાણી કરી હોય પછી પણ ભાગદોડ ભરી જિંદગીમાં નિરાંત નથી, નવરાશની પળો નથી. જ્યારે આપણે આપણા મનની વાતો કોઈ અંગત મિત્ર કે સ્નેહીજનને કહી શકાય એવું બને ત્યારે હળવાશ અનુભવી શકાય. દરેક મૂંઝવણનો ઉકેલ મળે ત્યારે જીવનને હળવાશ, નવરાશ અને ફુરસદનો અહેસાસ થાય છે. જીવને નિરાંત હોય ત્યારે હળવાશ અનુભવી શકાય છે. જીવનને નિરાંત મળે એવું ભાવાવરણ ઊભું કરીએ તો ય ઘણું!
નવસારી – કિશોર આર. ટંડેલ         – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top