Sports

ક્રિકેટર રિંકુ સિંહે કરી લીધી સગાઈ, સમાજવાદી પાર્ટીની સાંસદ સાથે કરશે લગ્ન

ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણી પહેલા સ્ટાર ક્રિકેટર રિંકુ સિંહે સમાજવાદી પાર્ટીના સાંસદ સાથે સગાઈ કરી લીધી છે. રિંકુની મંગેતર સમાજવાદી પાર્ટી (SP)ની સાંસદ પ્રિયા સરોજ છે. રિંકુ સિંહ અને પ્રિયા સરોજ ટૂંક સમયમાં લગ્ન કરશે.

રિંકુ સિંહના કોચ મસૂદુઝ ઝફર અમીનીએ કહ્યું કે ગઈકાલે તા. 16 જાન્યુઆરીએ પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ અલીગઢ આવ્યા હતા. આ કાર્યક્રમ અલીગઢ ઓઝોન સિટીમાં યોજાયો હતો. જ્યાં પરિવારજનોની હાજરીમાં આ કાર્યક્રમ થયો હતો.

26 વર્ષીય સરોજે 2024ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર મછિલિશહર બેઠક પરથી જીત મેળવી હતી. તેમણે બીપી સરોજને 35850 મતોની સરસાઈથી હરાવ્યા હતા. પ્રિયા સરોજનો જન્મ 23 નવેમ્બર 1998ના રોજ વારાણસીમાં થયો હતો. પ્રિયાએ તેનું સ્કૂલિંગ એરફોર્સ ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટ્યૂટ, નવી દિલ્હીમાંથી પૂર્ણ કર્યું છે. આ પછી તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ તેણે નોઈડાની એમિટી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી મેળવી હતી.

પ્રિયા સરોજના પિતા તુફાની સરોજ પણ ત્રણ વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. તુફાની સરોજ હાલમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર કેરાકટ સીટથી ધારાસભ્ય છે.

રિંકુનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
27 વર્ષીય રિંકુ સિંહે ભારત માટે 2 ODI અને 32 T20 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન તેણે ODIમાં 27.50ની એવરેજથી 55 રન બનાવ્યા છે. જ્યારે ટી20 ઈન્ટરનેશનલમાં રિંકુના નામે 46.09ની એવરેજથી 507 રન નોંધાયેલા છે.

રિંકુએ કુલ 50 ફર્સ્ટ ક્લાસ, 62 લિસ્ટ-એ અને 150 ટી20 મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રિંકુએ 54.68ની એવરેજથી 3336 રન બનાવ્યા છે, જેમાં સાત સદી અને 22 અડધી સદી સામેલ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રિંકુનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 163 રન રહ્યો છે. જ્યારે લિસ્ટ-એમાં રિંકુએ 47.54ની એવરેજથી 1997 રન બનાવ્યા હતા. લિસ્ટ-એ ક્રિકેટમાં રિંકુ સિંહના નામે 1 સદી અને 18 અડધી સદી છે. રિંકુએ ટી20 મેચમાં 17 અડધી સદીની મદદથી 2976 રન બનાવ્યા હતા.

Most Popular

To Top