નવી દિલ્હી: (New Delhi) વિરાટ કોહલીએ (Virat Kohli) ટ્વિટર (Twitter) પર એક પોસ્ટ શેર કરીને ટેસ્ટ ટીમની કેપ્ટનશીપ (Test Team Captaincy) છોડવાની જાહેરાત કરી છે. તેણે T20 વર્લ્ડ કપ પહેલા T20 ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, જ્યારે તેને ODI ટીમની કેપ્ટનશિપમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તેણે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાં હારના બીજા દિવસે ટ્વિટર પર આની જાહેરાત કરી છે. તેની આ જાહેરાતના પગલે તેના પ્રશંસકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.
વિરાટ કોહલીએ પોતાની ટેસ્ટ મેચ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાની વાત જાહેર કરતાં ટ્વીટર પર લખ્યું કે ‘મેં સાત વર્ષની મહેનત અને સંઘર્ષ સાથે ટીમને સાચી દિશામાં લઈ જવાનો પ્રયાસ કર્યો. મેં મારું કામ પૂરી ઈમાનદારીથી કર્યું છે. અને મેં કોઈ કસર છોડી નથી. દરેક વસ્તુ અમુક સમયે અટકી જવી જોઈએ. અને મારા માટે ભારતની ટેસ્ટ કેપ્ટનશિપ છોડવાનો સમય આવી ગયો છે.’ ઉલ્લેખનીય છે કે વિરાટે દ.આફ્રિકા સામે ટેસ્ટમાં મળેલી કારમી હાર પછી આ નિર્ણય લેતા બધા ચોંકી ગયા છે. કોહલીએ આ અંગે શનિવારે ટ્વીટ કરી માહિતી આપી છે.
તેણે લખ્યું, ‘આ સફરમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે, પરંતુ મારા પ્રયત્નો અને વિશ્વાસ ક્યારેય ડગ્યા નથી.’ વિરાટના ટ્વીટ પર બીસીસીઆઈએ ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનનો આભાર માન્યો છે. બોર્ડે ટ્વીટ કર્યું, ‘બીસીસીઆઈ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને તેની પ્રેરણાદાયી નેતૃત્વ ક્ષમતા માટે અભિનંદન આપે છે જેણે ટીમને ઉંચાઈઓ પર પહોંચાડી છે. તેણે 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી ટીમ ઈન્ડિયાએ 40માં જીત મેળવી હતી.