પુણે : આઇપીએલની (IPL) 15મી સિઝનની આજે અહીં રમાયેલી પાંચમી મેચમાં (Match) રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સંજૂ સેમસનની આક્રમક અર્ધસદી તેમજ અંતિમ ઓવરોમાં શિમરોન હેટમાયરની 13 બોલમાં 32 રનની ઇનિંગની મદદથી 20 ઓવરમાં છ વિકેટે 210 રનનો વિશાળ સ્કોર બનાવીને મુકેલા 211 રનના લક્ષ્યાંક સામે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 149 રન સુધી જ પહોંચતા રાજસ્થાનનો 61 રને વિજય થયો હતો.
211 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની શરૂઆત જ ખરાબ રહી હતી અને 9 રનના સ્કોરે 3 વિકેટ ગુમાવી દીધી હતી અને તે પછી 37 રનના સ્કોર સુધીમાં તેમની અડધી ટીમ પેવેલિયનમાં બેઠી હતી. એડન માર્કરમ અને રોમારિયો શેફર્ડે મળીને 41 રનની ભાગીદારી કરી હતી અને સ્કોર 78 પર પહોંચ્યો ત્યારે શેફર્ડ 18 બોલમાં 24 રનની ઇનિંગ રમીને આઉટ થયો હતો. માર્કરમ સાથે રમતમાં જોડાયેલા વોશિંગ્ટન સુંદરે 14 બોલમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 40 રનની ઇનિંગ રમીને સ્કોર 133 પર પહોંચાડ્યો હતો અને આ બંને વચ્ચે 55 રનની ભાગીદારી થઇ હતી. માર્કરમ 57 રને નોટઆઉટ રહ્યો હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદનો સ્કોર 7 વિકેટે 149 રન થયો હતો.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની ટીમને પહેલી ઓવરમાં જ જોસ બટલરની વિકેટ ગુમાવી હતી, જો કે ભુવનેશ્વરનો એ બોલ નો બોલ જાહેર થયો હતો અને તેના કારણે બટલરને જીવતદાન મળ્યું હતું. બટલર અને યશસ્વી જયસ્વાલની જોડીએ તે પછી પહેલી વિકેટની 58 રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. યશસ્વી 20 રન કરીને આઉટ થયો હતો અને બટલર 35 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 75 રન થયો હતો.
સંજૂ સેમસન અને દેવદત્ત પડ્ડીકલે તે પછી 73 રનની ભાગીદારી કરીને ટીમના સ્કોરને 148 પર મુક્યો હતો. પડ્ડીકલ 41 રન કરીને આઉટ થયો હતો. જો કે સંજૂ સેમસને પોતાની ગેમમાં કોઇ બદલાવ ન કરીને 25 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી હતી. તે 27 બોલમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગાની મદદથી 55 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 163 રન થયો હતો. હેટમાયરે તે પછી આક્રમક અંદાજમાં બેટીંગ કરીને 13 બોલમાં 3 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 32 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત રિયાન પરાગે 9 બોલમાં 12 રન કર્યા હતા. હૈદરાબાદ વતી ટી નટરાજન અને ઉમરાન મલિકે 2-2 જ્યારે રોમારિયો શેફર્ડ અને ભુવનેશ્વરે 1-1 વિકેટ ઉપાડી હતી.