Sports

ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ રમાવું ન જોઈએ, અંગ્રેજ દિગ્ગજની નિડર કોમેન્ટ, ICC પર આરોપ મુક્યો

ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવા મામલે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટને નિડર કોમેન્ટ કરી છે. માઈકલ આથર્ટને કહ્યું કે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ઈરાદાપૂર્વક ભારત-પાકિસ્તાન વચ્ચે મેચોનું આયોજન કરે છે. કારણ કે આ બંને દેશો વચ્ચેની મેચ કમાઉ દીકરા સમાન છે. આ પડોશી દેશો વચ્ચે મેચો રમાડીને આઈસીસી તગડી કમાણી કરે છે.

તેમણે અહીં જ ન અટકીને કહ્યું કે હવે બંને દેશો વચ્ચે ક્રિકેટ સંપૂર્ણપણે બંધ થઈ જવું જોઈએ, કારણ કે આ રમત હવે વ્યાપક તણાવ અને પ્રચારનું માધ્યમ બની ગઈ છે.

‘ધ ટાઇમ્સ’ ની પોતાની કોલમમાં આથર્ટને તાજેતરના એશિયા કપના બનાવો ટાંકતા લખ્યું કે એશિયા કપમાં ભારતીય ટીમે પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પાકિસ્તાની વડા મોહસીન નકવી વિજેતા ટ્રોફી લઈને ચાલ્યા ગયા હતા કારણ કે ભારતીય ટીમે તેમની પાસેથી તે સ્વીકારી ન હતી.

આથર્ટનના મતે, 2013 થી ભારત અને પાકિસ્તાન દરેક ICC ઇવેન્ટના ગ્રુપ સ્ટેજમાં એકબીજાનો સામનો કરી ચૂક્યા છે, જેમાં ત્રણ 50-ઓવરના વર્લ્ડ કપ, પાંચ T20 વર્લ્ડ કપ અને ત્રણ ચેમ્પિયન્સ ટ્રોફીનો સમાવેશ થાય છે. ભલે તે શરૂઆતની સિંગલ રાઉન્ડ-રોબિન હોય કે મલ્ટી-ગ્રુપ મેચ, ભારત-પાકિસ્તાન મેચ સુનિશ્ચિત કરવા માટે મેચો શેડ્યૂલ કરવામાં આવી છે.

તેમણે કહ્યું કે તાજેતરના પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશો વચ્ચે તણાવ ખૂબ જ વધી ગયો છે, જેમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ 26 ભારતીયોની હત્યા કરી હતી અને ભારતે મે મહિનામાં લશ્કરી કાર્યવાહી કરી હતી.

આથર્ટને લખ્યું છે કે આ મેચનું આર્થિક મહત્વ ખૂબ જ મોટું છે. ICC ટુર્નામેન્ટના પ્રસારણ અધિકારો આશરે USD 3 બિલિયનના છે. દ્વિપક્ષીય મેચોનું મહત્વ ઘટતાં ICC ઇવેન્ટ્સનું મહત્વ વધ્યું છે.

તેમણે કહ્યું કે આ “પાવર સિસ્ટમ” નો અંત લાવવાનો સમય આવી ગયો છે, જ્યાં બે હરીફો ICC ઇવેન્ટ્સમાં એકબીજા સામે ટકરાશે. એશિયા કપમાં ત્રણ અઠવાડિયાની ટૂર્નામેન્ટ દરમિયાન બંને ટીમો દર રવિવારે એકબીજા સામે ટકરાતી હતી.

આથર્ટને કહ્યું, જો ક્રિકેટ એક સમયે રાજદ્વારી પ્રવૃત્તિનું માધ્યમ હતું, તો હવે તે તીવ્ર તણાવ અને પ્રચારનું સાધન બની ગયું છે, કોઈ ગંભીર રમત માટે નાણાકીય સગવડના આધારે ટુર્નામેન્ટ મેચો નક્કી કરવી યોગ્ય નથી. આગલી વખતે પ્રસારણ અધિકારો માટે મેચોનું આયોજન કરવાની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ અને જો બંને ટીમો દર વખતે ન મળે તો પણ કોઈ વાંધો નથી.

Most Popular

To Top