Sports

આ કારણે રવિન્દ્ર જાડેજા T20 વર્લ્ડકપમાંથી બહાર

T20 વર્લ્ડ કપ (World Cup) માટે ટીમની જાહેરાત પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો (Team India) સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયો હોવાના અહેવાલ છે. પીટીઆઈના ટ્વિટર હેન્ડલ પર જાડેજાની ઈજાની ગંભીરતાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે તે T20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં. બીસીસીઆઈ (BCCI)એ એક મીડિયા એડવાઈઝરી જારી કરીને ટીમના સ્ટાર ઓલરાઉન્ડરની ઈજા અંગે માહિતી આપી હતી. ભારતીય બોર્ડે કહ્યું હતું કે જાડેજા જમણા ઘૂંટણમાં ઈજાને (Injury) કારણે એશિયા કપમાં આગળ રમી શકશે નહીં.

  • T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત પહેલા જ ભારતને મોટો ઝટકો
  • જાડેજા જમણા ઘૂંટણમાં ઈજાને કારણે એશિયા કપમાં આગળ રમી શકશે નહીં
  • આ ઓલરાઉન્ડરનું સ્થાન લેવું અન્ય કોઈ ખેલાડી માટે આસાન નહીં હોય

T20 વર્લ્ડકપમાં રમવાનો અનુભવ
રવિન્દ્ર જાડેજા આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શકશે નહીં. ભારત માટે આ એક મોટો આંચકો છે જેમાંથી બહાર આવવું તેના માટે આસાન નહીં હોય. તેની પાસે T20 વર્લ્ડ કપ રમવાનો જબરજસ્ત અનુભવ છે. તેણે 2009થી આ વૈશ્વિક ટુર્નામેન્ટમાં કુલ 22 મેચ રમીને 21 વિકેટ લીધી છે અને તેની બોલિંગ એવરેજ પણ 25.19ની ઉત્તમ છે.

ટીમ ઈન્ડિયાને ટી-20 વર્લ્ડ કપમાં જાડેજાની ખોટ
તાજેતરના સમયમાં જાડેજા બોલિંગની સાથે મિડલ ઓર્ડરમાં બેટિંગથી પણ મેચના નિર્ણયને પ્રભાવિત કરી રહ્યો છે. એશિયા કપ 2022માં કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની જીતનો તે મોટો હીરો હતો. આ રોમાંચક મેચમાં તે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ચોથા નંબર પર આવ્યો હતો અને તેણે 29 બોલમાં 35 રન બનાવ્યા હતા. તેણે ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. બીજી તરફ બોલર તરીકે વિકેટ લેવા ઉપરાંત તેની સારી બોલિંગ ટીમ માટે એક મોટો પ્લસ પોઈન્ટ છે. આવી સ્થિતિમાં આ ઓલરાઉન્ડરનું સ્થાન લેવું અન્ય કોઈ ખેલાડી માટે આસાન નહીં હોય.

બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન છાપવાની શરતે જણાવ્યું હતું કે, ”જાડેજાના જમણા ઘૂંટણની ઈજા ખૂબ જ ગંભીર છે. તેના ઘૂંટણની મોટી સર્જરી થવાની છે અને તે અનિશ્ચિત સમય માટે ક્રિકેટમાંથી બહાર રહેશે. જોકે એનસીએની મેડિકલ ટીમના મૂલ્યાંકન મુજબ કોઈ પણ વ્યક્તિ તેના નિકટવર્તી આંતરરાષ્ટ્રીય પુનરાગમન પર નિશ્ચિત સમયરેખા ન દોરી શકે.

Most Popular

To Top