સિડની/કોલંબિયા : આજે સોમવારે સિડનીની સ્થાનિક કોર્ટે મહિલા દ્વારા લગાવાયેલા બળાત્કારના (Rape) કેસના શ્રીલંકન ક્રિકેટ ટીમના ખેલાડી (Player) દાનુષ્કા ગુનાથિલકાના જામીન નકારી કાઢ્યા હતા, આ ઉપરાંત શ્રીલંકન ક્રિકેટે (Cricket) તેને તાત્કાલિક અસરથી રમતના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ (Suspend) કરી દેતા તેને બીજો મોટો ફટકો લાંગ્યો હતો.
- દાનુષ્કા ગુણાતિલકા બળાત્કાર કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી કોઇપણ ફોર્મેટમાં ટીમ સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે નહીં : શ્રીલંકા ક્રિકેટ
- ગુણાતિલકાના વકીલ આનંદ અમરનાથે કોર્ટનો નિર્ણય નિરાશાજનક ગણાવીને હવે ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનું જણાવ્યું
- તાત્કાલિક અસરથી રમતના તમામ ફોર્મેટમાંથી સસ્પેન્ડ કરી દેતા તેને બીજો મોટો ફટકો લાંગ્યો
- દાનુષ્કા ગુણાતિલકા હવે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમી શકશે નહીં
બળાત્કારના આરોપમાં રવિવારે સવારે તેની ધરપકડ કરવામાં આવી હતી અને એક દિવસ પછી તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી. શ્રીલંકાની ટીમ તેના વિના જ સ્વદેશ પરત ફરી હતી. 31 વર્ષીય શ્રીલંકાના ડાબોડી બેટ્સમેને સોમવારે તેના જામીન માટે અરજી કરી હતી જેને મેજિસ્ટ્રેટ રોબર્ટ વિલિયમ્સે નકારી કાઢી હતી. કોર્ટે તેની જામીન અરજી પર વર્ચ્યુઅલ સુનાવણી કરી હતી અને એ દરમિયાન ગુણાતિલકા હાથમાં હથકડી સાથે બ્લ્યુ જીન્સ અને ગ્રે ટી શર્ટમાં જોવા મળ્યો હતો. તેના વકીલ આનંદ અમરનાથે કહ્યું કે આ નિર્ણય તેમના માટે નિરાશાજનક છે અને હવે અમે ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરીશું. તેના પર સંમતિ વિના સેક્સ કરવાના ચાર ગુના નોંધાયા છે.
આ તરફ કોલંબોમાં સોમવારે બપોરે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધો હતો. એસએલસીનું કહેવું છે કે દાનુષ્કા ગુણાતિલકા હવે કોઈ પણ પ્રકારનું ક્રિકેટ રમી શકશે નહીં અને બળાત્કારના કેસમાં ચુકાદો ન આવે ત્યાં સુધી કોઈપણ ફોર્મેટમાં ટીમ સિલેક્શન માટે ઉપલબ્ધ રહેશે નહીં.