Sports

રોહિતનો નિષ્ણાતોને વળતો જવાબ : કોહલીની ક્વોલિટી પર સવાલ ન ઉઠાવી શકાય

નોટિંઘમ: ભારતીય કેપ્ટન (Indian Caption) રોહિત શર્માએ ટી-20 ટીમમાં વિરાટ કોહલીના સ્થાન પર સવાલ (Question) ઉઠાવનારા નિષ્ણાતોને વળતો જવાબ (Answer) આપતા કહ્યું હતું કે આ સ્ટાર બેટ્સમેનની ક્વોલિટી પર શંકા કરી શકાય તેમ નથી અને ટીમ મેનેજમેન્ટ (Team Managment) તેનું સમર્થન કરવાનું ચાલુ રાખશે. કોહલીએ નવેમ્બર 2019 પછી કોઇપણ ફોર્મેટમાં સદી ફટકારી નથી અને હાલમાં ઇંગ્લેન્ડ સામેની ટી-20માં પણ તે અસરકારક રહ્યો નથી. ભારતના વર્લ્ડકપ વિજેતા કેપ્ટન કપિલ દેવ અને ઇંગ્લેન્ડના માજી કેપ્ટન માઇકલ વોન સહિતના કેટલાક નિષ્ણાતોએ કોહલીના લાંબા સમયથી ચાલતા ખરાબ ફોર્મ સામે સવાલ ઉઠાવ્યા હતા.

  • વિરાટ કોહલીની ક્વોલિટી પર શંકા ન કરી શકાય અને ટીમ મેનેજમેન્ટ તેનું સમર્થન કરવાનું ચાલુ રાખશે: રોહિત શર્મા
  • રોહિતનો કટાક્ષ, સવાલ કરનારા કયા નિષ્ણાત છે અને તેમને નિષ્ણાત કેમ કહેવામાં આવે છે તે મને સમજાતુ નથી


રવિવારે ત્રીજી ટી-20 પછી પત્રકારો સાથે વાત કરતાં રોહિતે કહ્યું હતું કે નિષ્ણાતોને એ ખબર નથી કે ટીમની અંદર શું ચાલી રહ્યું છે. કોહલીના ફોર્મ અંગે ટીમ શું વિચારે છે એવા સવાલના જવાબમાં રોહિતે કહ્યું હતું કે અમારા માટે એ કોઇ મુશ્કેલીની વાત નથી કારણકે અમે બહારની વાતો પર ધ્યાન નથી આપતા. સાથે જ મને એ ખબર નથી કે આ કોણ નિષ્ણાતો છે અને તેમને નિષ્ણાત શા માટે કહેવાય છે તે મને સમજાતું નથી. રોહિતે કહ્યું હતું કે તેઓ બાબતોને બહારથી નિહાળે છે. અમારી વિચારવાની એક પ્રક્રિયા છે. અમે ટીમ બનાવીએ છીએ, અમે ચર્ચા કરીએ છીએ અને એ બાબતે ઘણું વિચારીએ છીએ.
રોહિતે કહ્યું હતું કે જે બેટ્સમેને 70 ઇન્ટરનેશનલ સદી ફટકારી હોય તેના લેવલ કે ક્વોલિટી અંગે સવાલ કરી ન શકાય. તેનાથી વધુ 71 ઇન્ટરનેશનલ સદી રિકી પોન્ટીંગ અને 100 સદી સચિન તેંદુલકરે જ ફટકારી છે. ફોર્મમાં ઉતારચઢાવ બધાને જ આવે છે, તેનાથી કંઇ ખેલાડીનું લેવલ ખરાબ નથી થઇ જતું. આ પ્રકારની ટીપ્પણી કરતાં પહેલા આપણે એ ધ્યાન રાખવાનું હોય છે. આવું મારી સાથે પણ થયું છે અને બધા સાથે જ થાય છે. તેમાં કંઇ નવું નથી.

Most Popular

To Top