પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે ક્રિકેટની વૈશ્વિક સંસ્થા ICC પાસેથી સ્પષ્ટતા માંગશે. ICCએ તાજેતરમાં PCBને જાણ કરી હતી કે ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન નહીં જાય. જો કે હાઈબ્રિડ મોડલના પ્રસ્તાવ અંગે આઈસીસીએ કંઈ કહ્યું નથી.
ICCએ PCBને કહ્યું હતું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા વર્ષે યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે પોતાની ટીમ પાકિસ્તાન નહીં મોકલે. ન્યૂઝ એજન્સી પીટીઆઈને ટાંકીને પીસીબીના એક સૂત્રએ કહ્યું કે હજી સુધી હાઈબ્રિડ મોડલની તર્જ પર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાની કોઈ ચર્ચા થઈ નથી. એવા અહેવાલો છે કે BCCI ICC પાસે હાઇબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાની માંગ કરી શકે છે જેમાં ભારતની મેચ UAE અથવા શ્રીલંકામાં યોજવામાં આવી શકે છે.
ગયા વર્ષે એશિયા કપનું પણ હાઇબ્રિડ મોડલ હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું અને ભારતે તેની ફાઇનલ સહિતની તમામ મેચો શ્રીલંકામાં રમી હતી જ્યારે અન્ય ટીમોની મેચો પાકિસ્તાનમાં યોજાઇ હતી. એવી ચર્ચા છે કે દુબઈ શહેર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની મેચોનું આયોજન કરી શકે છે. ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરીમાં યોજાવાની છે.
સૂત્રએ જણાવ્યું કે PCB તેના કાનૂની સલાહકારોની સલાહ લીધા પછી ICCને એક ઈ-મેલ મોકલીને ભારતના નિર્ણય અંગે સ્પષ્ટતા માંગશે. હાલમાં પીસીબી દ્વારા સમગ્ર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. આગળના પગલા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. જો જરૂર પડશે તો પીસીબી સલાહ અને દિશા માટે સરકારના સંપર્કમાં રહેશે.
સૂત્રએ જણાવ્યું હતું કે PCB ભારતને લગતી સરકારની નીતિ માર્ગદર્શિકાની રાહ જોઈ રહ્યું છે જેનો ઉલ્લેખ કરીને તે ICC પાસેથી ભારતના ભાગ લેવાના ઇનકાર અંગે સ્પષ્ટતા માંગશે. તેમણે એ પણ ધ્યાન દોર્યું કે જો પાકિસ્તાન સરકાર ભારત સાથે ક્રિકેટ સંબંધો પર કડક પગલાં લેવાનો નિર્ણય કરે છે તો ICC માટે કાયદાકીય અસરો થઈ શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે વ્યાપારી ભાગીદારો તરફથી કાનૂની પરિણામો ભોગવવા પડી શકે છે કારણ કે ICC એ બ્રોડકાસ્ટર્સ અને પ્રાયોજકોને કહ્યું છે કે તમામ ટોચના ક્રિકેટ રમતા રાષ્ટ્રો ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
2008ના મુંબઈ આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની મુલાકાત લીધી નથી. બંને ટીમો વચ્ચે લાંબા સમયથી દ્વિપક્ષીય શ્રેણી પણ રમાઈ નથી. ભારત અને પાકિસ્તાનની ટીમો માત્ર ICC અથવા એશિયા કપ જેવી બહુરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં જ એકબીજા સામે રમે છે.