Sports

ભારતના હાથ નહીં મિલાવવાથી પાકિસ્તાન બોખલાયું, ICC ને આપી દીધી આ ખુલ્લી ધમકી

ભારત-પાકિસ્તાન મેચ પછી હાથ ન મિલાવવાનો વિવાદ ગરમાઈ રહ્યો છે. અગાઉ સમાચાર આવ્યા હતા કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ આ મામલે ACC ને ટીમ ઈન્ડિયા સામે ફરિયાદ કરી છે. PCB એ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને સીધા નિશાન બનાવ્યા છે, તેણે માંગ કરી છે કે એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપના મેચ રેફરી પેનલની યાદીમાંથી દૂર કરવામાં આવે. જો આવું ન થાય તો પાકિસ્તાન બોર્ડે એશિયા કપમાંથી ખસી જવાની ધમકી આપી છે.

PCB એ આરોપ લગાવ્યો છે કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને બંને કેપ્ટનોને ટોસ દરમિયાન હાથ ન મિલાવવા કહ્યું છે. ક્રિકબઝે અહેવાલ આપ્યો છે કે પાકિસ્તાને આગામી મેચનો બહિષ્કાર કરવાની ધમકી પણ આપી છે.

ભારત સામેની હાર બાદ પાકિસ્તાન UAE માં યોજાઈ રહેલા એશિયા કપમાંથી ખસી શકે છે. રવિવારે દુબઈમાં યોજાયેલી મેચ પછી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો. ટોસ દરમિયાન પણ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવ્યો ન હતો.

પાકિસ્તાને મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને આ અંગે ફરિયાદ કરી હતી. ભારતીય ટીમે ખેલદિલીનો ભાવ ન દાખવ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. PCBનો આરોપ છે કે રેફરીએ બંને કેપ્ટનોને હાથ મિલાવવાની મનાઈ ફરમાવી હતી. પાયક્રોફ્ટનું વર્તન પક્ષપાતી રહ્યું છે અને તેમને ટુર્નામેન્ટમાંથી દૂર કરવા જોઈએ.

પાકિસ્તાને ફરિયાદ કરી
PCBના ચેરમેન મોહસીન નકવીએ સોમવારે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું, “PCBએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને મેચ રેફરી અંગે ફરિયાદ કરી છે, જેમણે MCCના નિયમો વિરુદ્ધ ખેલદિલીની ભાવનાનું ઉલ્લંઘન કર્યું છે. બોર્ડ તાત્કાલિક અસરથી મેચ રેફરીને બરતરફ કરવાની માંગ કરે છે.”

Cricbuz અનુસાર જો મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને એશિયા કપના રેફરી પેનલમાંથી દૂર કરવામાં નહીં આવે તો પાકિસ્તાને 17 સપ્ટેમ્બરે UAE સામેની મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી છે. બીજી તરફ એક પાકિસ્તાની સમાચાર એજન્સીએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે જો એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવામાં નહીં આવે તો પાકિસ્તાન ટીમ એશિયા કપની બાકીની મેચોમાંથી ખસી શકે છે. એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે PCB હાથ મિલાવવાના વિવાદ પર મોટી કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે.

પાયક્રોફ્ટ નિશાના પર છે કારણ કે તે PCBની ફરિયાદ પર કાર્યવાહી કરી શક્યા નથી. ભારત-પાકિસ્તાન મેચમાં ખેલ ભાવનાથી આગળ વધીને નિર્ણયો લેવાનો તેમના પર આરોપ છે.

Most Popular

To Top