અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલ તારીખ 27 અને 29મી મેના રોજ આઈપીએલની (IPL) બે મેચ યોજાનાર છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ પણ ગુજરાતની (Gujarat) મુલાકાતે હોવાથી સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. મેચને તથા વડાપ્રધાનના અન્ય કાર્યક્રમોને લઇને દસ હજારથી વધુ પોલીસકર્મીઓને (Police) સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવતીકાલે અને 29મીના રોજ આઈપીએલની ફાઈનલ મેચ યોજાનાર છે. આ મેચ માટે સુરક્ષા વ્યવસ્થાને લઈ ગુરૂવારે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઇ હતી. સ્ટેડિયમ અને સ્ટેડિયમની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં પાંચ ડીજીપી, સાત એસીપી, દસ પોલીસ ઇન્સ્પેક્ટર, 15 સબ ઇન્સ્પેક્ટર, મહિલા પોલીસકર્મીઓ, એસઆરપીની ટુકડીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડની ટીમો સહિત દસ હજારથી વધુ પોલીસ કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે.
મોટેરા સ્ટેડિયમની મેચ ઉપરાંત વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના વિવિધ કાર્યક્રમોને લઈને 4 ડી.આઇ.જી, 47 એસપી, 28 એસઆરપી કંપનીઓ, 28 બોમ્બ સ્કવોર્ડની ટીમ, 222 પોલીસ ઈન્સ્પેકટરો, 686 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, 3346 પોલીસ કોન્સ્ટેબલનો, 824 મહિલા પોલીસ કોન્સ્ટેબલ સહિતનો કાફલો ફરજ પર તૈનાત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત અમદાવાદની મુલાકાતે આવનાર છે ત્યારે 29મીને રવિવારના રોજ આઈપીએલની ફાઈનલ મેચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ હાજરી આપે તેવી સંભાવનાને જોતાં પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને લઈ તમામ તૈયારીઓ હાથ ધરી છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઇપીએલની બે મેચ તેમજ વડાપ્રધાન અને કેન્દ્રિય ગૃહમંત્રીના વિવિધ કાર્યક્રમોને લઈને પણ સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત બનાવવામાં આવી છે. મેચ દરમિયાન અને વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ નહીં તે માટે ટ્રાફિક વિભાગ દ્વારા ખાસ તકેદારી હાથ ધરવામાં આવી છે. મેચ દરમિયાન પાર્કિંગ સુવિધાને પણ ધ્યાને લેવામાં આવી છે. જેમાં 8 જેટલા ખાલી પ્લોટો ફોર વ્હીલર વાહનો માટે, જ્યારે 30 જેટલા નાના-મોટા ખાલી પ્લોટ ટુ વ્હીલર પાર્કિંગ માટે અલાયદા રાખવામાં આવ્યા છે. ટ્રાફિકમાં જો કોઈ વાહન અડચણરૂપ જણાશે તો તે વાહનને ટોઇંગ કરવામાં આવશે, અને તેનો દંડ વસૂલવામાં આવશે.