સુરતના આંગણે આજે પહેલીવાર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પધાર્યા હતા. ISPLની ત્રીજી સિઝનનો આજે બોલિવુડના મહાનાયક અને ક્રિકેટના મહાનાયકની હાજરીમાં સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે શરૂઆત થઈ હતી.
આજે સવારથી જ સુરતમાં સેલિબ્રિટીઓનો જમાવડો જોવા મળ્યો હતો. સવારે સૌથી પહેલાં ક્રિકેટના ગોડ સચિન તેંડુલકર ત્યાર બાદ સદીના મહાનાયક બીગ બી અમિતાભ બચ્ચન, સાઉથના સુપર સ્ટાર સૂર્યા આવી પહોંચ્યા હતા. સાંજે સાઉથના બીજા સુપર સ્ટાર રામચરણ પણ આવી પહોંચ્યા હતા.
સાંજે અક્ષય કુમાર પણ પોતાના અંદાજમાં સુરત આવ્યા હતા. આ મહાન હસ્તીઓની હાજરીમાં અનુપમા ફેઈમ રૂપાલી ગાંગુલીના હોસ્ટિંગમાં આઈએસપીએલની ત્રીજી સિઝનનો શુભારંભ થયો હતો. અપેક્ષા કરતા પ્રેક્ષકોની હાજરી થોડી ઓછી હતી, પરંતુ કલાકારોએ રંગ રાખ્યો હતો.
બીગ બીએ પ્રેઝન્ટેશન સેરેમનીમાં કહ્યું કે, નાના શહેરોમાં ગલી ક્રિકેટ રમતા ક્રિકેટરોને પણ તક મળે તે હેતુથી આઈએસપીએલનું ત્રણ સિઝનથી આયોજન થાય છે. ગલીમાં રમતા ક્રિકેટરોને પણ મોટું પ્લેટફોર્મ મળે તે જ આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ છે. આ ટુર્નામેન્ટના આયોજન પાછળ સચિન તેંડુલકરનું મોટું યોગદાન હોવાનું અમિતાભ બચ્ચને કહ્યું હતું.
સચિન તેંડુલકરે કહ્યું કે, સુરતમાં આઈએસપીએલનું આયોજન કરવાથી તેઓ ખૂબ ખુશ છે. સચિન તેંડુલકરે વધુમાં કહ્યું કે, ક્રિકેટને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં આઈએસપીએલનું પ્લેટફોર્મનો મોટો ફાળો છે.
અક્ષય કુમારે પ્રેક્ષકોનું પોતાના અંદાજમાં મનોરંજન કર્યું હતું.
મોંઘી કારમાં સચિન તેંડુલકરની એન્ટ્રી
સ્ટેડિયમ પર સચિન તેંડુલકરે બે કરોડથી વધુ કિંમતની પોર્શે કારમાં ગ્રાન્ડ એન્ટ્રી કરી હતી. આઈએસપીએલ સિઝન ત્રણની ચમચમાતી ટ્રોફી પણ સચિન જ લાવ્યા હતા. આ પ્રસંગે રામચરણ, સૂર્યા સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.