Sports

નવા વર્ષના પહેલા જ દિવસે ઓસ્ટ્રેલિયન સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે ODIમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

સિડની: (Sydney) ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન ડેવિડ વોર્નરે (David Warner) સોમવારે તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની (Retirement) જાહેરાત કરી હતી. જો કે તે ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટમાં રમવાનું ચાલુ રાખશે. 37 વર્ષીય ઓપનિંગ બેટ્સમેને નિવૃત્તિની જાહેરાત સાથે જ સ્પષ્ટતા કરી છે કે જો ઓસ્ટ્રેલિયન ટીમને 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની જરૂર પડશે તો તે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. તેના હોમ ગ્રાઉન્ડ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર તેની અંતિમ ટેસ્ટ મેચ રમતા પહેલા વોર્નરે ખુલાસો કર્યો હતો કે નવેમ્બરમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ ફાઇનલ 50 ઓવરના ફોર્મેટમાં તેની છેલ્લી મેચ હતી.

ડેવિડ વોર્નરે કહ્યું- મેં વર્લ્ડ કપમાં છેલ્લી વનડે ઇનિંગ્સ રમી લીધી
વોર્નરે કહ્યું કે હું ચોક્કસપણે વન-ડે ક્રિકેટમાંથી પણ નિવૃત્તિ લઈ રહ્યો છું. ભારતમાં વર્લ્ડ કપ જીતવા સાથેજ મેં કહ્યું હતું કે આ ખરેખર એક મોટી ઉપલબ્ધિ છે. તેથી આજે હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કરી રહ્યો છું જે મને વિશ્વભરની અન્ય લીગમાં રમવાની તક પણ આપશે. હું જાણું છું કે ચેમ્પિયન્સ ટ્રોફી ટૂંક સમયમાં યોજાશે. જો હું આ બે વર્ષમાં સારું ક્રિકેટ રમીશ અને તેઓ મારી જરૂરિયાત અનુભવશે તો હું પસંદગી માટે ઉપલબ્ધ થઈશ.

ડેવિડ વોર્નરની ODI કારકિર્દી
વિશ્વના વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક વોર્નરના નામે બે ODI વર્લ્ડ કપ ટાઇટલ છે જેમાં વર્લ્ડ કપ 2023માં ભારત સામેની અંતિમ જીત પણ સામેલ છે. આ ટૂર્નામેન્ટમાં તેણે ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. ડાબોડી ઓપનિંગ બેટ્સમેન વોર્નરે 2009માં હોબાર્ટમાં સાઉથ આફ્રિકા સામે તેની ODI કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની કારકિર્દીમાં 161 ODI મેચ રમી જેમાં તેણે 45.30ની એવરેજથી 6932 રન બનાવ્યા. આ ફોર્મેટમાં તેના નામે 22 સદી અને 33 અડધી સદી પણ છે.

ડેવિડ વોર્નરની ટેસ્ટ કારકિર્દી
ઓસ્ટ્રેલિયા માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં તે છઠ્ઠા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા માટે સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડીઓની યાદીમાં તે રિકી પોન્ટિંગ પછી બીજા ક્રમે છે. પોન્ટિંગે વોર્નર કરતા 205 વધુ ઇનિંગ્સ રમી હતી. વોર્નરે અત્યાર સુધી 111 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેના નામે 44.58ની એવરેજથી 8695 રન છે.

ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 26 સદી અને 36 અડધી સદી નોંધાયેલી છે. તે ઓસ્ટ્રેલિયા માટે T20 ક્રિકેટ રમવા માટે ઉપલબ્ધ રહેશે અને તેને જૂનમાં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં યોજાનાર વર્લ્ડ કપમાં તેના દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મળવાની આશા છે. વોર્નર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમી રહ્યો છે અને ટેસ્ટ અને ODIમાંથી નિવૃત્તિ લીધા બાદ તે વિશ્વભરની T20 લીગમાં રમે તેવી શક્યતા છે.

Most Popular

To Top