ભારતીય ટીમ આવતીકાલે અહીં જ્યારે ઇંગ્લેન્ડ સામે બીજી વન ડે રમવા માટે મેદાને ઉતરશે ત્યારે તેમની નજર મેચ જીતીને સીરિઝમાં અજેય સરસાઇ પ્રાપ્ત કરી લેવા પર હશે. એવું માનવામાં આવે છે કે અસાધારણ પ્રતિભા ધરાવતા સૂર્યકુમાર યાદવને આ મેચમાં વન ડે ડેબ્યુ કરવાની તક મળી શકે છે.
શ્રેયસ ઐય્યરના ખભાનું હાડકું ખસી જવાના કારણે તે વન ડે સીરિઝમાંથી આઉટ થઇ ગયો છે, ત્યારે હવે ફોક્સ સૂર્ય કુમારના વન ડે ડેબ્યુ પર છે. તેણે ટી-20માં જોરદાર રમત દાખવીને પોતાનો દાવો મજબૂત બનાવ્યો છે.
ટીમ ઇન્ડિયા માટે સૌથી મોટી રાહત ઓપનર શિખર ધવન ફોર્મમાં પાછો ફર્યો તે છે. રોહિત શર્માને પહેલી મેચમાં કોણીમાં થયેલી ઇજાને કારણે જો તે નહીં રમી શકે તો ટીમ ઇન્ડિયા તેના સ્થાને શુભમન ગીલને ઓપનર તરીકે ઉતારી શકે છે. આ સિવાય કેએલ રાહુલ અને ધવનની જોડી પાસે ઓપનીંગ કરાવીને ઋષભ પંતને બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરી શકે છે.
પહેલી મેચમાં 9 ઓવરમાં 68 રન આપનાર કુલદીપ યાદવને સ્થાને લેગ સ્પિનર યજુવેન્દ્ર ચહલનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે. ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણા અને શાર્દુલ ઠાકુરની ત્રિપુટીએ 10માંથી 9 વિકેટ ખેરવી હતી અને તેમને સંભવત: જાળવી રખાશે, જો કે શાર્દુલ સતત રમી રહ્યો હોવાથી તેના સ્થાને ટી નટરાજન અથવા મહંમદ સિરાજનો સમાવેશ સંભવ છે.
જાડેજા-બુમરાહ પાછા ફરશે ત્યારે ટીમ સિલેક્શન મોટી દુવિધા બની જશે
હાલમાં ભારતીય ટીમની બેન્ચ સ્ટ્રેન્થ એટલી મજબૂત છે કે આંખ બંધ કરીને જે ખેલાડીને અંતિમ ઇલેવનમાં સામેલ કરવામાં આવે તે જોરદાર પ્રદર્શન કરે છે. હવે ટીમ મેનેજમેન્ટ માટે સમસ્યા એ ઊભી થઇ શકે છે કે ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ જ્યારે પાછા ફરશે ત્યારે ટીમ પસંદગી કેવી રીતે કરવી. કારણ જો તેમને સામેલ કરવા હોય તો પ્રસિદ્ધ કૃષ્ણા અને કૃણાલ પંડ્યાએ બેન્ચ પર બેસવું પડી શકે છે.
કેપ્ટન મોર્ગન અને બિલિંગ્સની ઇજા બની ઇંગ્લેન્ડ માટે મુશ્કેલી
શુક્રવારે રમાનારી બીજી વન ડેમાં જીત મેળવીને સીરિઝને જીવંત રાખવાનુ ઇંગ્લેન્ડ પર પ્રેશર હશે. જો કે કેપ્ટન ઇયોન મોર્ગન અને મિડલ ઓર્ડર બેટ્સમેન સેમ બિલિંગ્સની ઇજાને કારણે તેમની મુશ્કેલી વધી છે. આ બંને રમશે કે કેમ તે અંગે હજુ કોઇ જાહેરાત કરવામાં આવી નથી. તેમના માટે જોની બેયરસ્ટો અને જેસન રોયે સારું પ્રદર્શન કર્યું છે અને તેમની પાસે એવા જ પ્રદર્શનની તેમને આશા હશે. મિડલ ઓર્ડરમાં બેન સ્ટોક્સ, જોસ બટલર અને મોઇન અલી પાસે મોટી ઇનિંગની તેઓ આશા રાખશે.