Charchapatra

ક્રેડીટ કાર્ડ અને સોના સામેની લોન

છેલ્લા થોડા સમયથી એ જોવા મળે છે કે આપણા દેશમાં રોજગારીના અભાવને કારણે વધતી જતી બેકારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગમાંના મોટા ભાગનાં લોકોની ખરીદશક્તિ ઓછી થવાથી  નાના–મોટા ઉદ્યોગ–ધંધાની લોનની ડીમાન્ડ ઓછી થતાં ઘણી ખાનગી અને અમુક અંશે જાહેર ક્ષેત્રોની બેન્કો, વેપાર ધંધા અને ઉદ્યોગો માટે અપાતી લોન કરતાં  ક્રેડીટ કાર્ડ અને સોના સામે અપાતી લોન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોય એવું દેખાઇ રહ્યું છે. આ બંને પ્રકારની લોન લેતાં ગ્રાહકોમાં પણ વધારો થતો હોય એવું જણાઇ રહ્યું છે.

વર્ષોવર્ષ સહેલાઇથી મળતી આ લોનનું પ્રમાણ પણ વધતું રહ્યું હોય એવું જણાઇ રહ્યું છે. ૨૦૨૪ સુધીમાં આ પ્રકારની લોનમાં અનુક્રમે ૨૩% અને ૩૦% નો વધારો થયો છે. ક્રેડીટ કાર્ડ લોન પર અલગ અલગ બેન્કો  વાર્ષિક લગભગ ૪૦ થી ૪૪ ટકા જેટલું વ્યાજ લે છે. જ્યારે ગોલ્ડ લોન પર બેન્કો દ્વારા  લગભગ ૮% થી ૧૦% જેટલું વ્યાજ લેવામાં આવે છે. ક્રેડીટ કાર્ડ સામેની લોન જે લોકોને સહેલાઇથી મળી જાય છે એ લોન સમયસર ચૂકવવામાં નિષ્ફળતાનું   પ્રમાણ પણ વર્ષોવર્ષ વધતું જતું  જોવા મળી રહ્યું છે.  ૨૦૨૨માં આ લોનનું પ્રમાણ ૩૧૨૨ કરોડ હતું એ ૨૦૨૩માં વધીને ૪૦૭૩ કરોડ જેટલું થયું જેમાં ડીફોલ્ટનું પ્રમાણ  લગભગ ૯૫૧ કરોડ જેટલું  થયું છે.

રીઝર્વ બેન્કે થોડા સમય પહેલાં વધતી જતી ગોલ્ડ લોન અંગે બેન્કોને આ પ્રકારની લોન અંગે સાવધાન રહેવા મૌખિક ચેતવણી પણ આપી છે. અલબત્ત આ પરિસ્થિતિનો ઉકેલ અર્થતંત્રની ગતિશીલતા પર જ છે જે અંગે સરકાર દ્વારા જાહેર કામોમાં રોકાણ વધે તો આ કામોમાં જોડાતાં લોકોના હાથમાં પૈસા આવતાં એમની ખરીદશક્તિમાં વધારો થતાં વધેલી માંગને પહોંચી વળવા આપોઆપ નાના–મોટા ઉદ્યોગ ધંધાનો વિકાસ થતાં રોજગારીમાં પણ વધારો થઇ શકે અને લોકો દ્વારા એમની જરૂરિયાતો પૂરી કરવા ક્રેડીટ કાર્ડ અને સોના સામે લેવાતી લોનના પ્રમાણમાં પણ ઘટાડો થઇ શકે અને એમાં થતા ડીફોલ્ટનું પ્રમાણ પણ ઘટી શકે. જરૂર છે રોજગારીના વધારાની જેને કારણે લોકોના હાથમાં પૈસા આવતાં એમની ખરીદશક્તિમાં વધારો ધંધા–ઉદ્યોગમાં પણ પ્રાણ પૂરવાનું કામ કરે છે જે  સમય જતાં સોના કે ક્રેડીટ કાર્ડ સામેની લોનમાં પણ ઘટાડામાં પરિણમી શકે અને લોકો આવકને અભાવે થતા બિનઉત્પાદક દેવાના વમળમાંથી બહાર આવી શકે.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ       – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top