ગલી, મહોલ્લા, શેરી અને સોસાયટીનાં કૂતરાંઓ ટોળામાં જોવા મળે છે. તેઓનું વર્તન હિંસક હોય છે. તેઓ ‘ગલીના શેર’ની જેમ વર્તે છે. આવતાં જતાં રાહદારીઓને ભસી ડરાવે છે. પૂરપાટ જતાં વાહનોની પાછળ દોડે છે. ભસીને પોતાનું સામ્રાજ્ય ઊભું કરે છે ત્યારે જોખમ ઊભું થાય છે. નાનાં બાળકોને પોતાના ગુસ્સાનો શિકાર બનાવે છે. બાળકોને શેરીમાં રમવાનું બંધ કરવું પડ્યું છે. આ બધું સર્વત્ર થવા માંડ્યું છે. મળ, મૂત્ર કરી ગંદકી ફેલાવે છે. વર્તમાનપત્રો પણ કૂતરાંઓના કિસ્સા છાપી લોકોને જાગૃત કરે છે જ્યારે વધુ પડતાં ટોળામાં જોવા મળતાં કૂતરાંઓનો ત્રાસ પ્રજાજનો માટે કાયમી બની ગયો છે ત્યારે ‘ગૌશાળા’ ની જેમ કૂતરાંઓનું અભયારણ્ય બનાવી કૂતરાંઓને રહેવાનું, ખાવાનું અને માંદગી માટે દવા-સારવાર પણ એક જ જગ્યાએ થઈ શકે. શહેરની કોઈ સેવાભાવી સંસ્થા આ કાર્ય હાથમાં લે તો એ પુણ્યનું કાર્ય ગણાશે. કૂતરો માણસનો મિત્ર છે. કૂતરાને વ્હાલ કરતાં લોકોને નજરઅંદાજ ન કરી શકાય. મોટા પ્રમાણમાં રસ્તે રખડતાં કૂતરાંઓની જાહેરમાં થતી ગંદકી દૂર થઈ શકે. સુરત નં. 1 ની સ્વચ્છતામાં ‘કૂતરા અભિયાન’ મોરપિચ્છ બની રહેશે.
સુરત – ગોપાળ આર. પરમાર – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
જીવનની ક્ષણોને શણગારીએ
પરમકૃપાળુ પરમાત્માએ આપણને માનવની અણમોલ ભેટ બક્ષી છે તેનો સદ્ યોગે કર્મ, ધર્મથી યોગ્ય રીતે સમજીએ અને આચરણ કરી, જીવનમાં ધન્યતા અનુભવીએ. આ ઉપરાંત સૌને પ્રેમરૂપી પોત આપીએ, વ્યવહારમાં આવતા નાનામાં-નાના વ્યક્તિને પણ આદર-સન્માન પ્રશંસા કરીએ. એકબીજા વચ્ચે સ્વભાવ, રુચિ, કુરુચિ જાણી સરકારની ભાવનાથી કાર્યને સફળતાપૂર્વક સંપન્ન કરીએ. અંતમાં વાણી, પાણી અને કમાણીનો સુચારુ રૂપે ઉપયોગ કરીએ અને જીવનને આનંદથી માણીએ તથા અન્ય વ્યક્તિઓને પણ ખુશીની લ્હાણી કરીએ.
અડાજણ, સુરત- દીપક બી. દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.