Comments

લોકશાહીમાં ચૂંટણીને રમત માનનારાં લોકો અને પક્ષોને કાબૂમાં રાખવાનો કાયદો બનાવો

નાનાં બાળકો “ઘર ઘર રમે” તેમ હવે અતિ જવાબદાર પદ ઉપર બેઠેલાં ધારાસભ્યો ચૂંટણી-ચૂંટણી  લડવાની વાતો કરતા થયા છે. તેમની જવાબદાર રાષ્ટ્રીય પાર્ટીના આગેવાનો પણ તેમને આવો વાણીવિલાસ કરતા રોકતા નથી અને ચૂંટણીલક્ષી રાજ રમતમાં રાજીનામાંનો ખેલ  છેલ્લાં વર્ષોમાં  ગુજરાતમાં બીજા કોઈ પણ રાજ્ય કરતાં ખૂબ ઊંચા દરે  ચાલ્યો છે  અને આ આખી ઘટનામાં પ્રજા તો બિચારી લાચાર નયને તાયફા જ જુવે છે. એ તો પ્લેન દુર્ઘટનાના આઘાત ભૂલે કે પુલ તૂટવાના દુ:ખડાં રોવે? એક બીજાને ચેલેન્જ આપનારા ધારાસભ્યો અત્યારે વરસાદમાં અને પૂરની સ્થિતિમાં પોતપોતાના વિસ્તારમાં પ્રજાકીય કામ કરવાની સ્પર્ધા કેમ નહીં કરતા હોય?

તેમના આકાઓ તેમને મતવિસ્તારમાં ફરવાની વાત કેમ નહીં કરતા હોય? કોઈ નાના મુદ્દા પર ચર્ચાઓ, આંદોલનો, પોલીસ કેસ કરનારા આ લોકશાહીને રમત બનાવી દેનારા સામે ચૂપચાપ તમાશો જુવે છે. વાત માત્ર અત્યારે રાજીનામાં માટે થયેલા હોકારા પડકારાની નથી. ગુજરાતમાં આ રોગ લાગુ થયો છે. છેલ્લાં વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાયા પછી વિપક્ષમાં ચુંટાયેલા નેતા પોતાની બેઠક પરથી રાજીનામું આપી સત્તા પક્ષમાં જોડાય અને ખાલી પડેલી બેઠક પર ફરી ચૂંટણી યોજાય! સત્તા પક્ષ આ જ નેતાને ,આ જ બેઠક પર ચૂંટણીની ટીકીટ આપે અને સમર્થકો આ જ બેઠક પર તેને ફરી જીતાડે. જીતે પણ કદાચ એ જ તો પ્રશ્ન એ થાય કે આ એક જ માણસને માત્ર આ પાર્ટીમાંથી આ પાર્ટીના ધારાસભ્ય બનાવવા આ ચૂંટણી કરવાની? આ ખર્ચ કોણ ભોગવે? શું કામ ભોગવે? આવા ખેલ પ્રજાએ મૂક પ્રેક્ષક બનીને ક્યાં સુધી જોયા કરવાના? આમાં પ્રજાનો શું વાંક? પ્રજા તો ધારે ત્યારે પોતાના પ્રતિનિધિને પાછો નથી બોલાવી શકતી.

વર્ષો પહેલાં ભારતમાં ચુંટાયેલા પ્રતિનિધિ રાતોરાત પક્ષપલટો કરતાં સરકારો પડી જતી અને  લોકશાહીમાં લોકોના અધિકારો જ ગળી જવામાં આવતા. આ આયારામ ગયારામની નીતિ અટકાવવા કાયદો લાવવામાં આવ્યો કે ચુંટાયેલા ધારાસભ્યો, સંસદસભ્યો રાતોરાત  પક્ષપલટો કરી શકશે નહિ.  તેમણે પહેલાં પદ ઉપરથી રાજીનામું આપવું પડશે પછી પક્ષ બળવાનો અને પછી ફરી ચૂંટણી લડવાની. આ કાયદામાં એક છૂટ રાખવામાં આવી કે જો કોઈ પાર્ટીના એક ચુંટાયેલા સભ્યોમાંથી એક તૃતિયાંશ સભ્યો એક સાથે બીજી પાર્ટીમાં જશે તો તેમનું ધારાસભ્યપદ ચાલુ રહી શકશે. વ્યક્તિગત પક્ષપલટા પર  કાબૂ લાવવા બનેલા કાયદાએ સામુહિક પક્ષપલટાની દિશા બતાવી અને અનેક પાર્ટીઓ મોટા પાયે તૂટી! ગુજરાતમાં ભાજપ આવા મોટા પલાયનનો ભોગ બનેલો  પણ ભાજપ સત્તામાં આવ્યા પછી શિવસેના સહિત અનેક પક્ષો આ બહુમત પલાયનનો ભોગ બન્યા અને લાભ ભાજપને મળ્યો.

એક સમયે કહેવાતું કે ઇન્દિરા ગાંધી થાંભલો ઊભો રાખે તો તે પણ ચૂંટણી જીતી જાય. તેવું જ હવે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વિષે બોલાય છે અને અનુભવાય છે. અનેક યોગ્ય લોકો મોદીના નામે ચુંટાઇ આવે છે  અને માટે જ સતત જીતતી ભારતીય જનતા પાર્ટીમાં ઘણાં લોકો હવે ચૂંટણીને રમત માનતા થઇ ગયા છે. તેમને મન લોકોના મત તો ખિસ્સામાં પડેલા છે. જ્યારે ઈચ્છે ત્યારે વાપરી શકાય તેમ છે. આ અટકવું જોઈએ. આમાં તે શું થઇ શકે તેનો વિચાર થવો જોઈએ.

જો આ રમત અટકાવવી હોય, નેતાઓની નફ્ફટાઈ રોકવી હોય તો પ્રથમ તો પ્રજાએ નક્કી કરવું પડશે કે ચૂંટણી સમયે આપણે જે ધારાસભ્ય મત માંગવા આવે તેને પૂછવું પડશે કે તું જીતી ગયા પછી પાંચ વર્ષ સુધી સ્થિર મક્કમ રહીશ ને? તારે રાજીનામું આપવાનું થાય તો અમને પૂછીશ? ફરી મત માંગવા આવવાનું નહીં. જો ઉમેદવાર જીત્યા પછી રાજીનામું આપે અને ફરી ચૂંટણીમાં ઊભો રહે તો પ્રજાએ તેને વોટ આપવો જ નહીં. પણ આ ઉપાયો આદર્શ અને કાલ્પનિક છે. આ ચુંટાયેલા ધારાસભ્યો ચૂંટણી-ચૂંટણી રમવાની નફ્ફટાઈ બંધ ત્યારે જ કરે જો કાયદો બને કે ચુંટાયેલા ધારાસભ્ય ચાલુ ટર્મમાં રાજીનામું આપે તો બીજાં પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં. કારણ કે પ્રજાએ તો તમને ચૂંટ્યા જ હતા.

 રાજીનામું તમે આપ્યું છે તો થોડો આરામ કરો. પાર્ટી બદલો તેનો વાંધો નહીં. લોકસેવા કરો. ચૂંટણી પાંચ વર્ષ પછી જ લડી શકશો. આમ પણ દેશમાં વન નેશન વન ઇલેક્શનની વાત થાય છે . તો એક વિધાનસભા સીટ માટે એક જ વાર ચૂંટણીનો નિયમ કરવામાં શું વાંધો છે. જો રાજીનામું આપ્યા પછી તરત ચૂંટણી લડવાની વાત પર કાયદેસર પૂર્ણવિરામ મુકાઈ જાય તો આ આવી કોનામાં કેટલી હિમ્મત છે ના હોકારા પડકારા અને જીતેલાં ઉમેદવારોને લાંચ કે ડર દ્વારા પક્ષપલટાની પ્રજાને લાચાર બનાવી દેનારી રમત બંધ થાય.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top