વિશ્વ ડાહ્યાં અને ગાંડાં લોકોનું બન્યું છે. ડાહ્યાં એટલે જે કોઈને નડે નહીં. ગાંડાં લોકોમાં પાછાં બે પ્રકારનાં ગાંડાં હોય છે; 1. જે ખરેખર મનોચિકિત્સા માંગે. 2. જે પોતાની સમજ અને મરજીને આધારે મનગમતી પ્રવૃત્તિઓમાં લીન હોય છે. આ બંને પ્રકારનાં ગાંડાં લોકોને વ્યવહારિક જગત સાથે કોઈ લેવા દેવા હોતી નથી. હોમો ઇરેક્ટસમાંથી હોમો સૈપિયન થયેલ મનુષ્ય જાતિમાં કાળક્રમે એવાં એવાં ગાંડાં પાક્યાં જેમણે જગતને અદભુત સોગાતોની લહાણ કરી. કોઈ તત્ત્વચિંતક, કોઈ લેખક, કોઈ કવિ, કોઈ ચોસઠ કળામાંથી બે-પાંચનો જાણકાર, કલાકાર, કોઈ વૈજ્ઞાનિક, કોઈ એથલીટ કે કંઇ પણ બન્યું. આ સૌ નિજ ક્ષેત્રમાં ગાંડાં હતાં. કામને પાર પાડવાનું ઝનૂન હતું. થોમસ એડિસન ગાંડો, ત્યારે જ 2774 વાર (ગૂગલ ઉવાચ) નિષ્ફળતા મળવા છતાં પ્રયોગો કરતો રહેલો. એ ગાંડપણે જગતને અજવાળ્યું. આ ગાંડાં લોકોથી જગતને એક લાભ છે. એટલા ટકા લોકો તો પોતપોતાની પ્રવૃત્તિમાં મશગુલ હોય, જગે શાંતિ જળવાયેલી રહે છે. સમાજને ફાયદો થાય કે ના થાય, જાતને ફાયદો થાય છે. નામ અને દામ બંને મળે છે. જેમનાંમાં સકારાત્મક ગાંડપણ નથી હોતું તેઓ મૂર્ખ હોય છે. પુટીન, ઝીલેન્સ્કી, હમાસવાળા ને ઇઝરાએલના સુપ્રીમો સાંપ્રત સમયના મૂર્ખ માણસો છે. જો દરેક નાગરિક ભિન્ન ભિન્ન ક્ષેત્રે વધતે ઓછે અંશે ગાંડપણ ધરાવે તો વિશ્વમાં શાંતિનું શાસન પ્રવર્તે.
બારડોલી – વિરલ વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
બૂરા ના માનો હોલી હૈ!
હોળીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને બાળકોએ એ વાત સમજવાની છે કે દરેક તહેવાર અને ઉત્સવમાંથી કંઇક પ્રેરણા લેવાની છે. પ્રહલાદના જીવન વિશે જાણી પ્રહલાદ જેવા મોટા ભક્ત તો ના બની શકીએ, પરંતુ કોઈને તકલીફમાં મુકે એવું ન કરવું જોઈએ. આજના બાળકો ધાબા પરથી છુપાઇને રસ્તે જતા આવતા લોકોને, વાહનોવાળા કે સીટી બસો પર પાણીની પોટલી મારતા હોય છે. જેમ જેમ હોળી નજીક આવતી જાય તેમ તેમ પ્રમાણ વધતું જાય છે. જે વાલીઓ નિયમિત ગુજરાતમિત્રમાં ચર્ચાપત્ર વાંચતા હોય અને તેમના વાંચવામાં આ આવે તો તેમના સંતાનોને એ જરૂર સલાહ આપે. છૂપાઇને અજાણ્યા રાહદારી કે વાહનચાલક પર પાણીની પોટલી કે રંગ ન નાખે. કોઈ માણસ અગત્યના કામે જતો હોય, કોઇના ઘરે કોઇ સીરીયસ પ્રોબ્લેમ ચાલતો હોય તો એવા વ્યક્તિ કે વાહનચાલક પર પાણી છાંટવાથી એ ગુસ્સે થઈ શકે અને ઝઘડો થાય અને મોટું સ્વરૂપ ધારણ કરી શકે. શાળાના શિક્ષકોએ પણ શાળાના બાળકોને આ વાત સમજાવવી જોઈએ. મારી આ સલાહ ના ગમી હોય તો બૂરાનામાનો હોલી है.
સુરત – પ્રવિણ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
