Vadodara

VIP રોડ પર છાશવારે પાણીની લાઇનમાં ભંગાણ

વડોદરા : વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલ પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે.જોકે કહેવાતી અને કાગળ પરની પાલિકા તંત્રની પોલ ઉઘાડી પડી હતી.વીઆઈપી રોડ અયોધ્યાનગર ખાતે એક જ જગ્યા ઉપર છાશવારે પાણીની લાઈનમાં ભંગાણ પડવાની સમસ્યા યથાવત રહેતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.

આ અંગે સ્થાનિક કોર્પોરેટરો, વોર્ડ કચેરી તેમજ પાલિકામાં રજુઆત છતાં પણ યોગ્ય કામગીરી નહીં થતા વધુ એક વખત લાઈનમાં ભંગાણ પડતા માર્ગ પર પાણી પાણી થઈ જવા પામ્યું હતું. વડોદરા શહેરમાં ઉનાળાના પ્રારંભેથી જ પાણીની બુમરાણ મચી હતી.જે આજેપણ યથાવત છે.એક તરફ નગરજનોને પીવાના ચોખ્ખા પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.તો બીજી તરફ પાણીની લાઈનમાં લીકેજની સમસ્યાને કારણે પાણી ગટરમાં વેડફાઈ રહ્યું છે.ગુરુવારે પણ શહેરના પૂર્વ વિસ્તારમાં પાણીની લાઈનમાં લીકેજ થતા માર્ગ પર પાણીની નદી વહેતી થઈ હતી.વડોદરા શહેરના કારેલીબાગ વીઆઈપી રોડ પર આવેલા અયોધ્યા નગર પાસે એક જ જગ્યા ઉપર વારંવાર પાણીની લાઈનમાં લીકેજ સર્જાઈ રહ્યું છે.

ગુરુવારે પણ સમગ્ર વિસ્તારમાં વગર વરસાદે પાણી પાણીના દ્રશ્યો સર્જાયા હતા.જે જગ્યા ઉપર લીકેજ હતું તે જગ્યા ઉપર ફરીથી લીકેજ થતા હજારો ગેલન પાણી રોડ વહી ગયું હતું. વોર્ડ નંબર-7 ના અધિકારીઓ તેમજ કોન્ટ્રાકટર દ્વારા તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવામાં આવે સાથે વડોદરા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણીના લીકેજ તેમજ અન્ય કામગીરી કરવામાં આવે છે.જોકે પાણીની મુખ્ય લાઇનમાં શીશુ ભરવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરો દ્વારા સણ વાપરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેમ ચોક્કસ લાગી રહ્યું છે. ત્યારે વડોદરા શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર,સ્થાયી સમિતિના ચેરમેનને આવા ભ્રષ્ટાચારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને તેઓને બ્લેક લિસ્ટ કરવામાં આવે તેવી માંગણી સામાજીક કાર્યકર કમલેશ પરમારે કરી હતી.

Most Popular

To Top