આણંદ : ખંભાતમાં અકીકના ઉદ્યોગ સાથે સંકળાયેલા કામદારોનું સીલીકોસીસથી મૃત્યુ થાય તો રૂ.ત્રણ લાખ ચુકવવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આમ છતાં તેની અમલવારી થતી નથી. જેના કારણે પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા ખંભાત ધારાસભ્યને પત્ર લખી આ બાબતે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા માગણી કરી છે. પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટર ઘણા વર્ષથી અકીક કામદારોને થતા જીવલેણ રોગ સીલીકોસીસ મુદ્દે કામ કરે છે. આ સંસ્થાએ ખંભાતના ધારાસભ્ય મયુર રાવલને પત્ર લખી વિધાનસભાના સત્રમાં ખંભાતની આ સળગતી સમસ્યા પર સરકાર પાસે માહીતી માગવા માગણી કરી છે. સુપ્રીમ કોર્ટે સીલીકોસીસને કારણે મૃત્યુ થાય તો રૂ. ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ 2017માં કર્યો હોવા છતાં સરકાર તેનો અમલ કરતી નથી. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ દ્વારા 2017માં અકીક કામદારોના ક્લ્યાણ અને સીલીકોસીસ પીડીતોના પુનઃસ્થાપન માટે નીતી ઘડી અમલમાં મુકવા ભલામણ કરી છે, તેનો પણ અમલ સરકાર કરતી નથી. આ બે મુખ્ય મુદ્દા છે. જેનો અમલ કરાવવા માંગ કરી છે.
આ અંગે પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રીસર્ચ સેન્ટરના નિયામક જગદીશ પટેલે જણાવ્યું છે કે, મેં ધારાસભ્યને પત્ર લખી જણાવ્યું છે કે સીલીકોસીસને કારણે મૃત્યું પામેલા કારીગરોના પરીવારોને સહાય પેટે રૂ 3 લાખ ચુકવવાના સુપ્રીમ કોર્ટના હુકમને પાલન કરાવવા બાબત સરકારને વિધાનસભામાં પ્રશ્ન પૂછવો જરૂરી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા 23મી ઓગષ્ટ, 2016 અને 11મી એપ્રિલ, 2017ના રોજ જે હુકમો કર્યાં છે તે ગુજરાત રાજ્યને પણ લાગુ પડે છે અને તે મુજબ રાજય સરકારે સીલીકોસીસને કારણે મૃત્યુ પામતા કારીગરોના પરીવારોને વળતર ચુકવવાનું રહે છે. ગુજરાત સરકાર આ હુકમનું પાલન કરવાને બદલે પોતાની એક લાખ ચુકવવાની યોજનાનો અમલ ચાલુ રાખ્યો છે. આથી, તાત્કાલિક કોર્ટના આદેશ મુજબ સહાય ચુકવવા માગણી ઉઠી છે.
રશિયાના પ્રમુખને અકીકના બે વાટકા આપ્યાં
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રશીયાના પ્રમુખ પુતીન ભારતની સત્તાવાર મુલાકાત લેવા આવ્યાં હતાં ત્યારે તેમને અકીકના બે વાટકા ભેંટ આપ્યાં હતાં. હવે જે કારીગરો આવી સુંદર કલાત્મક ચીજો બનાવી દેશ અને દુનીયામાં ખંભાત-ગુજરાત અને ભારતનું નામ રોશન કરે છે તેને વળતર પેટે નાણા મળી રહે તે જરૂરી છે.
કારીગરોને યોજનાઓનો લાભ અપાવવો જોઈએ
સીલીકોસીસએ ખંભાતના અકીક ઉદ્યોગની એક સળગતી સમસ્યા છે. અકીકની ચીજો આજે પણ લોકપ્રીય છે. જોકે, અકીકના કારીગરોના નસીબમાં સીલીકોસીસને કારણે અકાળે મોત લખાયું હોય છે. આથી, આ કારીગરના પરિવારને મદદરુપ થવું અને તેમને લાગુ પડતી યોજનાઓનો લાભ અપાવવો અને નવી યોજનાઓ બનાવવા સરકારને સુચવવું જોઈએ.