Gujarat

સીઆર પાટીલની પેજ પ્રમુખની મહેનતે આખા ગુજરાતમાં ભગવો લહેરાવી દીધો

SURAT : જ્યારે સીઆર પાટીલ ( C R PATIL) ભાજપના ( BJP) પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારે જ તેમણે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત અને કોંગ્રેસના સફાયાની આગાહી કરી હતી. સીઆર પાટીલે એમને એમ આગાહી નહોતી કરી. સીઆર પાટીલે આ આગાહીને સાચી કરવા માટે ભારે જહેમત પણ ઉઠાવી હતી. સીઆર પાટીલે પહેલા આખા ગુજરાતનો પ્રવાસ કર્યો. ઠેકઠેકાણે આગેવાનો સાથે મીટિંગો કરી અને બાદમાં આખા રાજ્યના તમામ કાર્યકરોને કામે લગાડી દીધા. આખા રાજ્યમાં કાર્યક્રમો કર્યાં અને ચૂંટણી નજીક આવતાં જ પેજ પ્રમુખ ( PAGE PRESIDENT ) ની પ્રથા શરૂ કરી. આ મહેનતનો સરવાળો એ થયો કે આજે જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થયાં ત્યારે રાજ્યમાં અનેક જગ્યાએથી કોંગ્રેસ નાબુદ થઈ ગઈ અને ભાજપનું કમળ ખીલી ઉઠ્યું. પેજ પ્રમુખ બનાવવાની મહેનત લેખે લાગી અને આખા રાજ્યમાં ભાજપનો ભગવો ફરી વળ્યો.

એક સમય હતો કે જ્યારે આખા ગુજરાતમાં કોંગ્રેસનો ડંકો વાગતો હતો. ગુજરાતમાં ભાજપ ગણતરીની બેઠકો પર હતી. હિન્દુત્વના જુવાળમાં ભાજપે કાઠું કાઢ્યું અને બાદમાં મોદીએ એવું મતોનું ધ્રુવીકરણ કર્યું કે ભાજપ છેલ્લા બે દાયકાથી સતત ગુજરાતમાં સત્તા ભોગવી રહ્યું છે. શહેરોમાંથી કોંગ્રેસ ક્યારની નાબુદ થઈ ગઈ હતી. કોંગ્રેસ માટે એકમાત્ર ગામડાઓમાં આશા હતી પરંતુ તે આશા પણ હવે જતી રહી છે. આખા રાજ્યમાં સમખાવા પુરતી એકપણ જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી શકી નથી. કોંગ્રેસના નેતાઓ માટે આ ભારે શરમજનક સ્થિતિ છે. સીઆર પાટીલે કોંગ્રેસના કોફિનમાં આ છેલ્લો ખીલો માર્યો છે તેમ કહી શકાય.

પ્રદેશ પ્રમુખ બનતાં જ સીઆર પાટીલે એવો ફુંફાડો માર્યો કે કોઈ નેતા જુથબંધી કરી શકે જ નહીં. જો કરે તો તેનું પરિણામ ખરાબ આવશે તેવી બીક ભાજપના નેતાઓ પેસી ગઈ અને તેનો સીધો ફાયદો આ વખતે ચૂંટણીમાં જોવા મળ્યો. એકમાત્ર સુરત મહાપાલિકામાં જ આપ 27 બેઠકો જીતી શક્યું. બાકી આપે અનેક હોંકારા પડકારા કર્યાં પરંતુ સૌરાષ્ટ્રમાં પણ સફાયો થયો અને અન્યત્ર તો આપની એટલી નોંધ પણ લેવામાં નથી આવી. એકલદોકલ બેઠક જીતીને આપે કેજરીવાલનો સુરતનો ફેરો પણ ફોગટ કર્યો. સીઆર પાટીલે એવો સપાટો બોલાવ્યો કે આજે આખા ગુજરાતમાં કોંગ્રેસ વિપક્ષમાં પણ બેસવા લાયક રહી નથી. સીઆર પાટીલની આગેવાનીમાં ભાજપે મેળવેલી આ જીતની મોટી અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે.

જે રીતે આખા ગુજરાતમાં ભાજપે જીત મેળવી છે તે જોતાં હવે ભાજપ માટે 149 સીટનો કોંગ્રેસના માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડવો દૂર નથી. નરેન્દ્ર મોદીએ અનેક પ્રયત્નો કર્યાં પરંતુ તેઓ આ રેકોર્ડ તોડી શક્યા નહોતા. આ વખતે ગત વખતની જેમ વિધાનસભામાં પાટીદાર ફેકટર પણ નથી. આ સંજોગોમાં કોંગ્રેસ માટે મોઢું છુપાવવાનો પણ કોઈ જ મુદ્દો નથી. આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી આવશે ત્યાં સુધી સીઆર પાટીલ પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષ હશે અને કોંગ્રેસ સરખી મહેનત નહીં કરે તો કોંગ્રેસ વિધાનસભામાં પણ 20-25 બેઠક પર જ સમેટાઈ જાય તો નવાઈ નહીં હોય.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top