સુરત: મેન મેઇડ ફાઇબરની (MMF) વેલ્યુ ચેઇન પર જીએસટીનો (GST) દર 5 ટકાથી વધારી 12 ટકા કરવા મામલે માત્ર સુરતના (Surat) નહીં પરંતુ દેશભરના કાપડના વેપારીઓ (Textile Traders) અને પાવરલૂમ કારખાનેદારો (Weavers) નારાજ થયા છે. વિવર્સથી 650 કરોડની ક્રેડિટ 12 ટકાના દર સાથે જતી રહે છે એટલું જ નહીં તેમના કેલ્કયુલેશન પ્રમાણે વર્ષે વિવિંગ ઉદ્યોગને 1600 કરોડનું જ્યારે કાપડના વેપારીઓને 2200 કરોડનું નુકસાન થશે તેવી દહેશત છે.
આ મામલે ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ સેક્રેટરી અને સુરતના બંને સાંસદ સી.આર. પાટીલ (CR Patil) તથા ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશને રજૂઆત કરવામાં આવી હતી. બીજી તરફ ચેમ્બર, ફિઆસ્વી દ્વારા ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇને રજૂઆત કરવામાં આવી હતી. તેમણે સુરતના સાંસદોને રજૂઆત કરવા અને કેન્દ્રમાં મામલો ઉઠાવવા જણાવ્યું હતું તેને પગલે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ અને કેન્દ્રના ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શના જરદોશે કેન્દ્રિય નાણાં મંત્રી નિર્મલા સીતારમણને નવી દિલ્હીમાં રૂબરૂ મળી લાખોની સંખ્યા ધરાવતા કાપડના વેપારીઓ અને વિવર્સોને નવા ટેક્સ સ્લેબથી નુકસાન કે અન્યાય ન થાય તે જોવા રજૂઆત કરી હતી.
સુરતના કાપડ વેપારી અને ઉદ્યોગકારો કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીમાં કરવામાં આવેલા વધારા અંગે સ્થાનિક સ્તરે રજૂઆત કરતા હતા. વેપાર અને ઉદ્યોગકારોના પ્રશ્નો અને રજૂઆતને ધ્યાને લઇ આજે ગુજરાતના ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ અને સુરતના સાંસદ અને રાજ્યક્ષાના કેન્દ્રીય રેલ્વે અને કાપડમંત્રી દર્શનાબેન જરદોશએ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે નવી દિલ્હીમાં રૂબરૂ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં સમગ્ર પ્રશ્નથી કેન્દ્રીય નાણાંમંત્રીને વાકેફ કર્યા હતા. કેન્દ્રીય નાણામંત્રીને કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી, ઉદ્યોગકારો સાથે કોઈ અન્યાય ન થાય એવી રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ નાણામંત્રીને સમગ્ર મુદ્દે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હતી. આ તમામ મુદ્દાઓ સંદર્ભે આ બંને આગેવાનો એ રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે પણ ચર્ચાવિચારણા કરી હતી.
ટેક્સટાઇલ મંત્રાલયે 12 ટકાના જીએસટી દર મામલે નાણાં મંત્રાલયને અલગથી ભલામણ મોકલાવી
એક મહત્ત્વના ઘટના ક્રમમાં કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રાલયને ટેક્સટાઇલ કમિશ્નર કચેરી દ્વારા મળેલી ભલામણોને આધારે ટેક્સટાઇલ મંત્રાલયે 12 ટકાના જીએસટી દર મામલે નાણાંમંત્રાલયને અલગથી ભલામણ મોકલાવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટેક્સટાઇલ મંત્રાલયે નાણાં મંત્રાલયને રજૂઆત કરી છે કે 12 ટકાના જીએસટી દરથી ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર સંપૂર્ણ દૂર થતું નથી બલ્કે કૃષિ પછી સૌથી વધુ રોજગારી આપનાર એમએમએફની વેલ્યુ ચેઇનમાં વિવિંગ ઉદ્યોગ અને કાપડના વેપારીઓને સીધી અસર થશે. તે જોતા નાણાં મંત્રાલયને કોઇ મધ્યમ માર્ગ કાઢવા સૂચન કરવામાં આવ્યું છે આ મામલે કેન્દ્રના વાણિજ્ય અને ટેક્સટાઇલ મંત્રી પિયુષ ગોયલ એક-બે દિવસમાં કેન્દ્રના નાણાં મંત્રી નિર્મલા સીતારમણને ડેટા સાથે રજૂઆત કરશે એમ સૂત્રોએ જણાવ્યું હતું.