નેતા તરીકે કોનું વધારે ચાલે? કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણનું કે સાંસદ અને ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલનું? તમે કહેશો, જો વાત બજેટની હોય તો સીતારમણનું જ ચાલે. સી.આર. પાટીલ કેન્દ્રમાં ફકત સાંસદ છે, કોઇ મંત્રી નથી. હવે તમે કહો જ છો તો માની લઇએ પણ ગયા રવિવારે ભાજપે જયારે સુરતમાં કેન્દ્રિય બજેટ પર ચર્ચાનું આયોજન કર્યું તો સી.આર. પાટીલે બિંદાસ કહી દીધું કે કાપડ પર GST 5% જ રહેશે. નિર્મલા સીતારમણ કે જે કેન્દ્રિય નાણાંમંત્રી છે તે તો કપડા ઉદ્યોગ પર 12% GST નાંખવાનું કહી ચૂકયાં છે. સવાલ તો એવો ય થાય કે આ 5% જ લેવાશે એવું કહી શકે તો કદાચ દર્શના જરદોષ કહી શકે કારણ કે તેઓ ટેકસટાઇલના યુનિયન સ્ટેટ મિનિસ્ટર છે. આનો અર્થ તો એવો ય થાય કે નિર્મલા સીતારમણ સામે જરદોષ નહીં પાટીલનો કક્કો ચાલે છે. બાકી, કેન્દ્રના નાણાંમંત્રીના બજેટ વિશે આટલા અધિકારપૂર્વક કોઇ ટકા ફેરની વાત કરી શકે?
એટલે જ તો અઢીયા ‘હસમુખ’ છે
ગુજરાત કેડરના IAS અધિકારીઓની નિવૃત્તિ વય શું એવું ન પૂછવું બલકે એમ પૂછવું કે તેમને નિવૃત્તિ પછી કયાં કયાં પદ મળશે? એક છે હસમુખ અઢિયા. જે આમ તો નિવૃત્ત છે પણ તેમને ગુજરાતની સેન્ટ્રલ યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા. કુલપતિપદે નિવૃત્ત થઇ તેઓ અધ્યાત્મની પ્રવૃત્તિ કરવા માંડયા હતા. (આપણાથી એવું તો ન કહેવાય કે સો ચુહે માર કે બિલ્લી હજકો ચલી) પણ સરકારને તેઓ ફરી યાદ આવ્યા અને હમણાં ગુજરાત સરકારે રાજયની GSDPમાં વધારો કરવાની ઇચ્છાએ જે ટાસ્ક ફોર્સ બનાવી છે તેના અધ્યક્ષ બનાવાયા છે. કહે છે કે આવા નિવૃત્તિ પછી પ્રવૃત્ત IAS અધિકારીઓની સંખ્યા લગભગ ત્રીસ છે. અરે 15 વર્ષ પહેલાં નિવૃત્ત થયેલા તપન રેને તો ગિફટ સિટીના ચેરમેન બનાવાયા છે. એવું લાગે છે કે ગુજરાત કેડરના IAS અધિકારીઓને નિવૃત્તિને ‘લાયક’ જ ગણવામાં આવતા નથી. હા, તેમણે સરકારમાં ‘લાયકાત’ પુરવાર કરેલી હોવી જોઇએ, યુ નો!
હર્ષ સંઘવીની હેસિયતથી વધારે લાંબી તો જીભ છે
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી ઘણા યુવાન છે પણ મંત્રી તરીકે વધારે રહેશે તો વહેલા ઘરડા થશે યા બીજાને ઘરડા થવાની ફરજ પાડશે. તેઓ સુરતના છે અને સુરતમાં લગાતાર હત્યાની ઘટનાઓ બની રહી છે. ગ્રીષ્મા વેકરિયા જેવી નિર્દોષ છોકરીની તો જાહેરમાં, અનેકના દેખતાં છરી વડે હત્યા કરી દેવામાં આવી. ન પોલીસનો ધાક ન ગૃહ રાજયમંત્રીનો ધાક. હર્ષ સંઘવીનું એવું છે કે આવી ઘટના બને એટલે સીધા સહાનુભૂતિ બતાવવા માટે જે ભોગ બન્યા હોય તેની પાસે પહોંચી જાય અને જાણે સ્વયં પોલીસ અને જજ હોય તેમ કહી દે કે અમુક દિવસમાં અમે સજા કરીશું. ગ્રીષ્માના પરિવારને પણ કહી દીધું કે આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઇ આવું કૃત્ય ન કરે.ઠીક છે, આવા દાવાદાવીથી કાંઇ થતું નથી. ગૃહ રાજયમંત્રી પોતે કોઇ ન્યાયાધીશ નથી કે આરોપીને ધારે તેવી સજા અપાવી શકે. ડંફાસ મારી આશ્વાસન આપવું તે જુદી વાત છે પણ જો તે ડંફાસ હોય તો ખોટી વાત છે પણ જે મંત્રી વાણીશૂરા હોય તેમની જીભ તેમના મંત્રી તરીકેના અધિકારોથી વધારે લાંબી હોય છે.
‘આપ’વાળા ‘થાપ’ આપવા માંગે છે ને ભાજપે ‘ધાપ’ મારવી છે
ચૂંટણી વિના પણ જીતવાના નુસખા ભાજપ પાસે શીખવા જોઇએ. જે પોતાને મોટા નેતા પુરવાર કરવા માંગતા હોય તેમની આ આવડતને જ તો ‘હાઇ કમાન્ડ’ બિરદાવતી હોય છે. સુરત મહાનગરપાલિકામાં જયારે ‘આપ’ 27 બેઠકો લાવી ત્યારે આખા ગુજરાત અને દિલ્હીમાં પડઘા પડેલા. સી.આર. પાટીલ જેવા નેતા માટે તો નાક કપાયા જેવી ઘટના હતી. ત્યારે તેઓ ગુજરાત ભાજપના અધ્યક્ષ નહોતા તો શું થયું? મોટા નેતા તો હતા કે નહીં? પણ હવે ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ‘આપ’ પર ‘ધાપ’ મારવામાં આવી છે. ને 27 માંથી 21 પર આંકડો લાવી દેવાયો છે. આમ તો આ બધા કોર્પોરેટરો જ છે પણ ભાજપ માટે તો વિધાનસભ્ય યા સાંસદ પર ધાપ મારવા જેવી ઘટના છે. કોર્પોરેટરને આટલું માન આપવા માટે ભાજપને દાદ આપવી જોઇએ. ચૂંટણીબૂંટણી ઠીક છે. સુરત ભાજપે ‘આપ’ની ખરીદીમાં કેટલા રૂપિયા ખર્ચ્યા એ પ્રશ્ન કરવા જેવો નથી. પાર્ટી કેટલી ભ્રષ્ટ છે ને વિપક્ષના નેતાઓ ખરીદવામાં માહેર છે તે પણ પ્રશ્ન નથી. ભાજપવાળા હવે ખુલ્લું બજાર માંડીને બેઠા છે. ‘આપ’ના ઘણા નેતાઓ તેમની પાસે પોતાની બજારકિંમત કઢાવી રહ્યા છે. ભાજપના સમયમાં વિપક્ષી તરીકે ચૂંટાવા કરતાંય મોટી વાત ચૂંટાયા પછી વેચાવું છે. કુંદન કોઠિયાની ટોપી ભાજપે ફેરવી નાંખી હવે કોની ટોપી?