સુરત: રાજ્યમાં વધતા હાર્ટ એટેકના (Heart Attack) હુમલાઓને ધ્યાનમાં રાખી શહેરના આરોગ્ય તંત્રએ એક નવી પહેલ કરી છે. જેના પગલે આજે રવિવારે સ્મીમેર હોસ્પિટલમાં શિક્ષકો (Teachers) માટે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન (CPR) તાલીમનો કેમ્પ (Camp) યોજવામાં આવ્યો હતો. દરમિયાન 2400 શિક્ષકોએ સી.પી.આર.ની તાલીમ મેળવી હતી. તેમજ આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ હજરી આપી હતી.
આ પ્રસંગે શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું કે, CPR વિષે જાગૃક્તા ફેલાવવા આ અભિયાન હાથ ધરાયું છે. તેમજ આજે સુરતના શિક્ષકો સી.પી.આરની ટ્રેનિંગ મેળવી પોતાના શિષ્યોને ક્લાસરૂમમાં સીપીઆરની ટ્રેનિંગ આપશે હું તેવી આશા રાખુ છું. જ્યારે કોઇ વ્યક્તિને હાર્ટએટેક આવ્યો હોય ત્યારે જો તાત્કાલિક સારવાર મળી જાય તો વ્યક્તિનો જીવ બચી શકે છે. તેમજ જ્યારે હાર્ટ અટેક અને શ્વાસ લેવામાં ખુબ તફલીફ પડે ત્યારે દર્દીનો જીવ બચાવવા કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન આપવું જરૂરી છે.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિએ કહ્યું કે, તેઓ પહેલા એક શિક્ષક છે. કારણકે તેઓ વર્ષો સુધી શિક્ષક અને આચાર્ય તરિકે ફરજ બજાવી ચૂક્યા છે. તેમજ શિક્ષકો જ સમાજના નિર્માતા છે. સીપીઆરની તાલિમ થકી તેઓ વિધ્યાર્થીઓને પ્રેરીત કરશે. તેમજ જ્યારે કોઇ જરૂરીયાતમંદ વ્યક્તિને સીપીઆરની જરૂર જણાશે તો મદદરૂપ બનશે.
જેથી લાખો લોકોના જીવ બચાવવાનો રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય પુર્ણ કરી શકાશે. રાજ્ય સરકાર કોઇ પણ પરિસ્થિતિ સર્જાય હંમેશા દેશના નાગરિકોના જીવ બચાવવાના પ્રયાસો કરે છે. તેમજ હાર્ટ એટેકનું પ્રમાણ વધતું જણાતા આ તાલિમનું આયોજન આગોતરી તૈયારી સ્વરૂપે કર્યું છે.
આજે બદલાતી જતી જીવનશૈલીના કારણે હૃદયરોગના એટેકમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુમાં તેમણે ઉમેર્યું કે હૃદયરોગનના હુમલા સમયે સી.પી.આર. આપીને વ્યકિતનું જીવન બચાવી શકાય તે માટે શિક્ષકોને તાલીમ આપવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ પોતે જ પોતાનો ડોકટર બને તે જરૂરી છે. દરેક વ્યક્તિને સી.પી.આર. તાલીમ લેવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે હૃદય રોગનો હૂમલો આવવાથી 108ને ત્વરીત બોલાવતા ૦૫ થી 10 મીનીટનો સમય જતો હોય છે. તે 5 થી 10 મીનીટ દરમિયાન મગજ સુધી લોહી ન પહોંચે તો દર્દીનું મૃત્યુ થઇ જાય છે. જેને અટકાવવા માટે CPR ટ્રેનીંગ અત્યંત મહત્વની છે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી પ્રવિણભાઇ ઘોઘારી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી ધનેશભાઇ શાહ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેનશ્રી સ્વાતિબેન સોસા, સ્મીમેર હોસ્પિટલના ડીન ડો.દિપક હોવલે, સ્મીમેર હોસ્પિટલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટશ્રી ડો.જીતેન્દ્રભાઇ દર્શન, મેડિકલની ટીમ સહિત મોટી સંખ્યામાં શહેરની નગર પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.